ગુજરાતમાં ઠંડીએ માઝા મૂકી છે. રાજકોટમાં એક વિદ્યાર્થિનીનું ઠંડીને લીધે મોત થયાના સમાચારો વહેતા થયા હતા ત્યારે ઠંડીમાં બાળકોનો સ્કૂલનો ટાઈમ થોડો મોડો કરવામાં આવે તેવી માગણી માતા-પિતા દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ આવો એક નિર્ણય કર્યો છે. પાલિકા સંચાલિત તમામ સ્કૂલોમાં ઠંડીને ધ્યાનમા રાખી બાળકોને ૨૦ મિનિટ મોડા આવવાની પરવાનગી આપવામાં આવી છે.
પાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓનો સમય સામાન્ય રીતે સવારે 7.00 વાગ્યાનો રહેતો હોય છે. સ્કૂલ બોર્ડની શાળાઓનો સમય સામાન્ય રીતે સવારે 7.00 વાગ્યાનો રહેતો હોય છે જેને ઠંડીને કારણે બદલીને અગાઉ સવારે 7.55 વાગ્યાનો કરી દેવાયો હતો. હાડ થીજવતી ઠંડી રાજ્યભરમાં પડી રહી છે એવામાં જો કોઈ કારણસર બાળક સવારે 8.30 સુધી આવશે તો પણ તેની હાજરી ભરવામાં આવશે, તેમ પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
બાળકો દૂર રહેતા હોય સ્કૂલે જવા માટે ઘરેથી ઓછામાં ઓછા અડધી કલાક વહેલા નીકળતા હોય છે. આથી તે પ્રમાણે તેમણે વહેલા ઉઠી નીકળવું પડે છે. પ્રદુષણયુક્ત વાતાવરણમાં ઠંડી વધારે વિપરીત અસર કરે છે, આથી શિયાળા દરમિયાન બાળકોનું બીમાર પડવાનું પ્રમાણ પણ વધે છે. અમદાવાદ મનપા જેમ અન્ય સ્કૂલોએ પણ આગામી પંદર દિવસ માટે સ્કૂલના સમયમાં ફેરફાર અંગે વિચારણા કરવાની જરૂર છે.