મુંબઈઃ દેશની સૌથી મોટી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના માલિક મૂકેશ અંબાણીના સંબંધમાં સૌથી મોટા સમચાાર આવ્યા છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની મુખ્ય કંપની ફાઈનાન્શિયલ સર્વિસીસને અલગ કરવાનો તખતો તૈયાર કરી દીધો છે. શેરધારકો અને ક્રેડિટર્સે નાણાકીય સેવાઓનો વ્યવસાય ધરાવતી કંપની, રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે. આ નાણાકીય કંપનીનું નામ Jio Financial Services Limited હશે. ડિમર્જરની તરફેણમાં 100 ટકા મળ્યા હતા અને હવે આ સાથે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગનો માર્ગ મોકળો થઈ ગયો છે.
આ ડિમર્જરને કારણે સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દરેક શેર માટે Jio ફાઈનાન્શિયલ સર્વિસનો એક શેર ફાળવવામાં આવશે. પીઢ બેન્કર કે.વી. કામથ ડિમર્જર પછી નવા NTTના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર 2022માં પરિણામોની જાહેરાત સાથે નાણાકીય સેવાઓ સંબંધિત કંપનીના વિભાજનની જાહેરાત કરી હતી. નવી કંપની BSE અને NSE પર લિસ્ટ થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે. જોકે, આ પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલા નિયમનકારની મંજૂરીની જરૂર પડશે. બ્રોકરેજ હાઉસ આ ડિમર્જરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેફરીઝના જણાવ્યા અનુસાર, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસની નેટવર્થ રૂ. 28,000 કરોડ છે તેમ જ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકાનો હિસ્સો છે, જેનું મૂલ્ય રૂ. 96,000 કરોડથી વધુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીના ડિમર્જરને મંજૂરી મળ્યા બાદ ગુરુવારે રિલાયન્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી.