(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભક્તોને ચીકી પધરાવાનાં ટ્રસ્ટનાં વિવાદાસ્પદ નિર્ણય સામે ભક્તો અને સંસ્થાઓ દ્વ્રારા થઇ રહેલા વિરોધમાં હવે વિહિપ અને બજરંગદળે પણ ઝંપલાવ્યું છે. આ બન્ને હિન્દુ સંગઠનોએ મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કરોડો ભક્તોની ના આસ્થા સાથે ચેડા કરવાનો પ્રયત્ન અંબાજી મંદિરના વહીવટીકર્તા અને સત્તાધિકારીઓ સામે ભક્તો અને વિવિધ સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે શનિવારે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરના સામે ખોડીયાર ચોક પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.
જયશ્રી રામ અને બોલ મારી અંબેના જયકારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ વિશ્ર્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રીના નેતૃત્વમાં ધરણાંનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હાથોમાં મોહનથાળ પ્રસાદના સમર્થનના બેનરો અને સનાતનની ના સન્માન કરો ના બેનરો સાથે ખોડીયાર ચોક પર ભેગા થયા હતા.