સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય… હું નસીબદાર છું કે શ્રીજી બાવાએ મને હંમેશા સાચી દિશા જ બતાવી છે -અરવિંદ વેકરિયા
અરવિંદ વેકરિયા
ઘણીવાર થતું કે કલાકાર તરીકે બરાબર હતું, પણ આ દિગ્દર્શક બનવાના હેવા પાડવા જેવા નથી. મારો સ્વભાવ એવો કે જેવું-તેવું માફક ન આવે અને નવા-નવા નિર્માતાઓ સાથે એડજસ્ટ થવું પડે.. દિગ્દર્શક તરીકે હું બધું જ પાત્ર ભજવતા કલાકારને બતાવું, પણ મારો એવો અધૂરિયો જીવ ભગવાને ઘડ્યો છે કે મારા જેવું ‘આ’ કેમ ન કરી શકે? આટલીવાર બતાવ્યા છતાં.! એવું થયા જ કરે.
જો કે આ વાત હું એક સારો દિગ્દર્શક છું, એ દાવા માટે નથી કરતો.આ વવત કદાચ મારામાં રહેલી અધૂરપ અને વધારે પડતી અપેક્ષાની છે, ખબર નહિ ક્યારે છૂટશે. ! લોકો કહે છે કે સફળ થવા માટે બે વાત હંમેશાં યાદ રાખવી, અપેક્ષાઓને આંખમાં અને મહત્ત્વકાંક્ષાઓને માપમાં રાખવી. બાકી મગજમાં એવી કવિતાઓ લખાયા કરે છે કે જેને ભૂંસવા માટે રબરને બદલે પોતાની જાતને ઘસવી પડે છે.
બીજે દિવસે વહેલી સવારે રાજેન્દ્રને ફોન કરી , મને આવેલા તુષારભાઈના ફોન બાબત વિગતે વાત કરી.એ પણ થોડી વાર શાંત રહ્યો. પછી કહે.. કઈ વાંધો નહિ. હું આપણા ‘સાળી સદ્ધર તો પત્ની અદ્ધર’ નાં નિર્માતાને મળી લઉં છું. આમ પણ સાળી સદ્ધર.. નાટકમાં બે પૈસા કમાણા છે. ત્યારે એમણે કહેલું કે ભાયા, બીજી કોઈ સારી સ્ક્રીપ્ટ હોય તો જણાવજો.’ હું આજે જ વાત કરું છું. દોસ્ત, એક સપનું તૂટી ગયા બાદ બીજું સપનું જોવાની તાકાતને જ દિગ્દર્શક કહેતા હાહે. મેં કહ્યું, ..તો પછી તુષારભાઈ જયારે હોંગકોંગથી આવશે ત્યારે? મને કહે, દોસ્ત, કદાચ આવે. સંભવ છે કદાચ એમનું રોકાણ વધી પણ જાય..
નરહરિ જાની પાસેથી તો રજામંદી મેળવી લીધી છે અને મેં એમને લેખિત કરાર આપ્યા પણ નથી, લેખક તરીકે હું ક્યા સુધી રાહ જોઉં? તને તો એક્ટિંગ માટે દવેનું નાટક મળી ગયું..તુષારભાઈ આવીને કહે કે “હવે મારે સિંગાપુર જવું પડશે તો? હું તો લેખક તરીકે લટકી પડું.
જો કે આ આપણી કલ્પના માત્ર છે, તુષારભાઈ એવા લગતા તો નથી, પણ આ તો નિર્માતા છે, પૈસા તેમના હોય, મહેનત આપણી હોય, આપણી કાર્યશીલતા હોય પણ એ લોકો માટે આવું બોલવું સહજ હોય જે આપણને પચાવતા વાર લાગે… ગઈ કાલે તુષારભાઈનો ફોન આવતા તું ઢીલો પડી ગયો.. આગળ ઢીલા જ પડતા રહેવાનું? નહિ…મેં કોઈ જવાબ ન આપતા એણે તો આગળ ચલાવ્યું.
માનું છું કે તને મોટો રોલ ખોયાનો અફસોસ જરૂર હશે, પણ નાના રોલમાં તને સાચવી લે છે એ હૈયાધારણ તો છે. માણસની કસોટી ફક્ત સમાજમાં થાય, હિમાલયના શિખર ઉપર થોડી થાય. કહી એણે અટ્ટહાસ્ય કર્યું જે મને સહેજ ખૂંચ્યું. ત્યાંજ એ ફરી બોલ્યો કે, ‘હું અભય ગોલેચ્છાને વાત કરી જોઉં છું. સાંજે મળીએ.’ કહી એણે ફોન મુક્યો.
વાત એની સ્પષ્ટ હતી. દિલાસો હોય કે ખુલાસો જો સમયસર થાય તો જ એ કામનો. મેં મન મક્કમ કરી બીજા કામમાં મન પરોવી સાંજ પડવાની રાહ જોવા લાગ્યો.
સાંજે અમે હિન્દુજા થિયેટરમાં જ મળ્યા. હું તો વહેલો પહોંચી ગયો હતો. તુષારભાઈની રાજેન્દ્રએ કરેલી વાતો હું મમળાવતો હતો.એ પણ શક્ય બની શકે કે હોંગકોંગથી આવી પાછા ધંધાર્થે ફરી અટવાય અને વળી એમની ‘તકિયા-કલમ’ બની ગયેલું વાક્ય બોલે કે ‘નાટક તો કરવું જ છે..’ પણ એનું મુહૂર્ત આવે નહિ અને સમય ચાલતો જ રહે તો? હું સભ્યતા બતાવી રાહ જોઉં, પણ સમય આવશે અને નાટક થશે જ એની ગેરંટી કેટલી? સભ્યતાને લીધે રાખેલ માન ક્યારેક તમને મૂર્ખ કે નબળા સાબિત કરી શકે. બહુ સારો સ્વભાવ પણ સારો નહિ કેમ કે પછી એ ન સમજાય કે તમારી કદર થઇ રહી છે કે તમારો ઉપયોગ.!
ત્યાં રાજેન્દ્ર આવ્યો. તરત ભેટી પડ્યો. દોસ્ત, ભૂલી જા હવે તુષારભાઈને ! પછી જરા શ્ર્વાસ ખાવા બેઠો. મારે પક્ષે તો કઈ બોલવાનું હતું જ નહિ, હતી માત્ર ઉત્કંઠા.. શ્ર્વાસ ખાધા પછી મને કહે અભય ગોલેચ્છાને નાટક કરવું છે.. જોયું તે? કિસ્મત દરવાજા ઉપર માત્ર ટકોરા મારે, દરવાજો તો ઊભા થઈને આપણે જ ખોલવો પડે.. મેં ટકોરા મારતા અભય ગોલેચ્છાએ આપણા કિસ્મતના દરવાજા ખોલી નાખ્યા.. હવે આપણે આ નાટક અનીતા આર્ટસના બેનરમાં, અભય ગોલેચ્છા સાથે કરીશું.
મારા મોઢા પર આભારવશ સ્મિત આવી ગયું.. આ જોઇને એ પણ રાજી થઇ ગયો. અમારો આ ખરો ઋણાનુબંધ હતો જે શીખવતો હતો કે જિંદગીમાં જિંદગી શોધવી એ જ જિંદગી.
નિર્માતા મળી ગયા અને નાટક થશે એ રાજીપો તો ખરો, સાથે આનંદ એ વાતનો પણ થયો કે શૈલેશ દવેનાં નાટકમાં મોટો રોલ ગુમાવી મેં ખોટું તો કર્યું પણ ભગવાને વ્યસ્ત રહેવાનો મારો માર્ગ પણ મોકળો કરી આપ્યો.
એ પછી અમે એણે મઠારેલી સ્ક્રિપ્ટનો એક સીન પણ વાંચ્યો. પછી આવ્યા કાસ્ટિંગ ઉપર…
વાત હતી બે પાર્ટનરની. એ બંને સાથે કથા હતી એક ‘કોલગર્લ’ની.. સંવાદો પણ ‘સાળી.’
સદ્ધર.. જેવા રમતિયાળ જ હતા, જે મારા માટે થોડા અરુચિકર પણ હતા, પરંતુ બદલાતા પ્રેક્ષકોનાં રસ સાથે કથાવસ્તુ બદલવી એ આજની માગ છે’ માની મેં મન માનવી લીધું.
પછી રાજેન્દ્ર કહે, તુષારભાઈ આવશે તો એમને માટે આપણે બીજી કોઈ વાત લઇ આવીશું. મારા ધ્યાનમાં બીજા બે-ત્રણ પ્લોટ છે. શું છે દાદુ, એક તૈયાર થયેલી વસ્તુ, વાયદા પડે એ માટે સારા બની સાચવી ને સડવા ન દેવાય. ભારતમાતાએ જ તને કહેલુંને કે ‘આવે એને વધાવો, અવધીમાં ન પડો’
(મારી પત્ની ભારતીને રાજેન્દ્ર શુકલ, રાજુ વાગડીયા અને
રાજેશ મહેતા ભારતમાતા કહી ને જ સંબોઘતા). જો દાદુ,તને તુષારભાઈ માટે લાગણી છે તો, મને પણ છે. પણ પ્રેક્ટીકલ
બનતા શીખ.
માત્ર લાગણીથી વસ્તુને વિલંબમાં નાંખી બેસી ન રહેવાય. લાગણી એ અડધા કપાયેલા ઝાડ જેવી હોય છે, જ્યાં સુધી મૂળમાંથી ન કાપો ત્યાં સુધી એની કુંપળ ફૂટ્યા જ કરે. માટે હમણા તુષારભાઈ માટેની તારી લાગણીઓ એક કોરાણે મૂકી દે અને આવેલા અભય ગોલેચ્છા સાથે ‘ગઠબંધન’ કરી લે.
એ પછી અભયભાઈને ક્યારે મળવું..કાસ્ટિંગ બાબત શું નક્કી કરવું એની વાતો થઇ. રાજેન્દ્ર કહે હું કાલે ચેમ્બુરથી આવું એ પહેલા કિશોર ભટ્ટની તબિયતની ખબર કાઢતો આવું છું.
એમના બાય-પાસના ઓપરેશનને
ખાસ્સો સમય થઇ ગયો છે. વાત એમને કાને નાંખું છું.
રૂબરૂ જઈશ તો થોડું વજન પણ પડશે. ત્યાંથી કિશોર દવે સાથે પણ વાત કરી લઈશ.
હું એને જોઈ રહ્યો. છૂટો પડતો લેખક જતા જતા મને ચાબખો મારતો ગયો.. દોસ્ત, તુષારભાઈ માટે મને પણ લાગણી છે..પણ એક વાત સમજ.. તુષારભાઈ
ધંધાદારી છે. શક્ય છે નાટકમાં એ ધંધો સમજીને નહિ માત્ર ‘ગ્લેમર’ને લીધે આવ્યા હોય. એમનો સમય નાટક કરતા એમના ધંધા માટે વધુ કીમતી હોય શકે. જો પિત્ઝા આવે છે ‘ચોરસ’ બોક્ષમાં, ખોલો તો અંદર ‘ગોળ’ દેખાય, ખાતી વખતે ‘ત્રિકોણ’ હોય.જિંદગી અને લોકોનું પણ એવું જ છે, દેખાય અલગ, નીકળે અલગ, વરતે અલગ..આશા રાખીએ કે તુષારભાઈ પિત્ઝા જેવા ન નીકળે અને આવેલા અભય ગોલેચ્છા અને કાસ્ટિંગ માટે આપણે કાલે સાંજે વાત કરીએ
શોધી જ લે છે બધાનું સરનામું.
નસીબને ખબર હોય છે, કોણ ક્યા સંતાણું?
———–
ડબ્બલ રીચાર્જ
પતિ: (પત્નીને) અરે ગાંડી ! આ ફોનનો જમાનો છે..તે લેટર કેમ લખ્યો?
પત્ની: (પતિને) પહેલા મેં ફોન કર્યો, પણ ફોનમાં પેલી બોલી કે ‘પ્લીઝ ટ્રાય લેટર.એટલે લેટર લખ્યો.