મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ગોપાલકૃષ્ણ ગોખલે રેલવે પુલ સાત નવેમ્બરથી વાહનચાલકો સહિત રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂર્વ-પશ્ર્ચિમનો જોડનારો આ મહત્ત્વનો પુલ હોવાથી વાહનચાલકો ભારે હાલાકી થઈ રહી છે. ૧૦થી ૧૫ મિનિટના અંતરને પાર કરવા માટે નાગરિકોના કલાકો ટ્રાફિકમાં વેડફાઈ રહ્યા છે. તેથી લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને BMCએ પર્યાયી રસ્તાઓનું ૪૮ કલાકની અંદર સમારકામ કરી નાંખ્યું છે.
ગોખલે પુલને બંધ કરવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેથી ગોખલે પુલને પર્યાયી રસ્તાઓ પર બેસેલા ફેરિયાઓને હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એ સાથે જ રસ્તા પરના ખાડાને પૂરીને તેને સમથળ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. દિવસના સમયે ટ્રાફિકને અડચણ આવે નહીં તે માટે રાતના સમયમાં ૪૮ કલાકમાં આ કામ પૂરા કરવામાં આવ્યા હતા.
એચ-પૂર્વ વોર્ડમાં વાકોલામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર નેહરુ રોડ, મિલિટરી કૅમ્પ રોડ, ખાર સબ-વે રસ્તાઓનું રિસર્ફેસિંગ (સમારકામ) કરવામાં આવ્યું છે. નેહરુ રોડ એ સાંતાક્રુઝ રેલવે સ્ટેશનથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે, મુંબઈ યુનિવર્સિટી, કલિના અને વાકોલામાં સંરક્ષણ ખાતાના પરિસરને જોડનારો મુખ્ય રસ્તો છે. તો ખાર સબ-વે એ પૂર્વ અને પશ્ર્ચિમ પરિસરને જોડનારો મુખ્ય રસ્તો છે, તેમ જ મિલિટરી રોડ પરથી ઍરપોર્ટની દિશાએ વીઆઈપી લોકોની અવરજવર માટે વપરાય છે.
કે-પૂર્વ વોર્ડમાં ગોખલે પુલથી હાઈ-વે અને આગળ સહાર રોડ, અંધેરી સ્ટેશન, તેલી ગલીને જોડનારો એન.એસ. ફડકે માર્ગ પર પણ મહત્ત્વના સ્થળોએ રસ્તાના સમારકામ કરવામાં આવ્યા છે. અંધેરી (પૂર્વ)માં મહત્ત્વના કમર્શિયલ પરિસરને જોડનારો આ સમાંતર રસ્તો છે.
કે-પશ્ર્ચિમ વોર્ડમાં જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ પુલ અને સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.) પરના જંક્શન પરના રસ્તાના પણ સમારકામ કરવામાં આવ્યા છે આ જંક્શન પર કાયમ ગીચ ટ્રાફિક હોય છે. મૉલ, કમર્શિયલ કૉમ્પ્લેક્સ અને જોગેશ્ર્વરી સ્ટેશન નજીકનો આ ભાગ હોવાથી આ પરિસરમાં ટ્રાફિક હંમેશાં વધુ હોય છે. ગોખલે પુલ બંધ થયા બાદ અંધેરીના ઉત્તર દિશા તરફ પૂર્વ-પશ્ર્ચિમને જોડવા માટે આ જંક્શન રોડ એ મહત્ત્વનો પર્યાય છે.
પી-દક્ષિણ વોર્ડમાં એસ.વી. રોડ અને મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર આ જંક્શન પર રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે અને એસ.વી. રોડને જોડનારો મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર એ ઉત્તર તરફથી આવતા ટ્રાફિક અંધેરી-પાર્લે પશ્ર્ચિમ તરફ સરળતાથી જઈ શકે તે માટે મહત્ત્વનો છે, તેમ જ અંધેરી, પાર્લે વિસ્તારમાંથી મુંબઈ બહાર જનારાં વાહનો માટે પણ ફ્લાયઓવર મહત્ત્વનો પર્યાય છે.