હાફૂસ કેરી લગભગ અડધા ભાવે, મહારાષ્ટ્રની બજારો છલકાઈ
માર્ચ મહિનામાં આ વર્ષે અસામાન્ય રીતે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, જેને કારણે કેરીઓ વહેલી પાકી ગઈ છે તેથી હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ જથ્થઆબંધ બજારના વેપારીઓ જણાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં હિંદુઓ માટે નવા વર્ષની ઉજવણી કરતો તહેવાર ગુડી પડવાના દિવસથી રાજ્યના જથ્થાબંધ બજારો આફિસ કેરીથી છલકાઇ ગયા છે. આ આફુસ કેરીના ભાવ ગયા વર્ષની સરખામણીમાં લગભગ અડધા છે. વેપારીઓ કહે છે કે કોંકણ કિનારેથી કેરીના માલની આવકમાં વધારો થવાથી લોકપ્રિય ફળના ભાવમાં ઘટાડો થયો છે.
ગયા વર્ષે આ સમયે દેવગઢ અને કોંકણના અન્ય વિસ્તારોમાંથી હાફુસ કેરી જથ્થાબંધ બજારોમાં લગભગ રૂ. 1,500-2,000 પ્રતિ ડઝનના ભાવે છૂટક વેચાતી હતી, પણ આ વર્ષે કેરીના પાકમાં વધારો થવાથી ભાવમાં ઘટાડો થયો છે. આ વર્ષે સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાના હાફુસનો જથ્થાબંધ બજારોમાં રૂ. 800-1,000 પ્રતિ ડઝનના ભાવે વેપાર થઈ રહ્યો છે.
રિટેલ માર્કેટમાં હાપુસની કિંમત લગભગ રૂ. 1,000-1,200 પ્રતિ ડઝન બોલાઇ રહ્યા છે. “ઘણી સિઝન બાદ આ પ્રથમ વખત હશે કે સિઝનમાં ભાવ આટલા વહેલા નીચે આવ્યા હોય,” એમ કેરીના વેપારીઓ જણાવે છે.
ગુડી પડવો એ સમય છે જ્યારે કેરીઓ મહારાષ્ટ્રના બજારોમાં આવવાનું શરૂ થાય છે.
આ વર્ષે, ફેબ્રુઆરી, માર્ચમાં અસામાન્ય રીતે ઊંચા તાપમાન અને શિયાળાની લગભગ ગેરહાજરીને કારણે રાજ્યમાં સામાન્ય કરતાં વહેલા કેરીની લણણી થઈ છે. કોંકણના ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે તાપમાનમાં વધારો થવાથી ફળો બગડી જાય છે અને ફળો ઘટી જાય છે. તેના કારણે ઉત્પાદનમાં આશરે 10-15 ટકાનો ઘટાડો થવાની અટકળો હતી. જોકે, ભારે ગરમીને કારણે દેવગઢ અને રત્નાગીરીની આફુસ વહેલા પાકી ગઇ છે અને ઉનાળાની શરૂઆતમાં જ બજારો કેરીઓથી ભરાઈ ગઇ છે.
જોકે, હાલમાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેની અસર મોસમમાં પછીથી અનુભવાશે. તેથી એપ્રિલ, મે, જૂનમાં આવતો કેરીનો પાક ઓછો થઉ શકે છે, એમ વેપારીઓ જણાવે છે.