Homeધર્મતેજઅન્ય ઉપવાસની સાથે ક્યારેક મોબાઇલના ઉપવાસ પણ કરજો!

અન્ય ઉપવાસની સાથે ક્યારેક મોબાઇલના ઉપવાસ પણ કરજો!

ફોકસ -મુકેશ પંડ્યા

છેલ્લા બે દિવસમાં અક્ષય તૃતીયા અને રમઝાન ઇદ ઉજવાઇ. અક્ષય તૃતીયાના દિવસે જૈનો વર્ષીતપ(સાલભરના ઉપવાસ-એકટાણા)ના પારણા કરે છે તો રમઝાન મહિના દરમ્યાન મુસ્લિમો પણ રોઝા(ઉપવાસ) રાખે છે. આમ દરેક ધર્મના લોકો પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપવાસને મહત્ત્વ આપતા હોય છે. ઉપવાસ માત્ર આધ્યાત્મિક લાભ માટે જ નહીં, પરંતુ શરીર અને મનની સુખાકારી જાળવવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાણી-પીણી કે અન્ય ભોગવિલાસની વસ્તુઓનો અમુક સમય માટે ત્યાગ કરીને એ સમયનો ઉપયોગ આપણે પરમ શક્તિના અનુસંધાન માટે કરીએ એ જ આ ઉપવાસનો સાચો અર્થ છે. રસઝરતા ભોજન અને ગ્લેમરની માયામાં સપડાયેલો માણસ થોડા સમય માટે પણ આ તત્ત્વોથી દૂર રહે તો એટલો સત્યની વધુ નજીક સરકી શકે તેમાં કોઇ સંશય નથી.
જોકે, હવે જમાનો બદલાયો છે. માત્ર પરંપરાગત ઉપવાસ કે વ્રતોથી જ કામ નહીં ચાલે. હાલના માહિતીયુગના જમાનામાં ફૂલ્યા ફાલ્યા છે તે ડિજિટલ ઉપકરણોનો પણ વાર તહેવારે ઉપવાસ કરવો જરૂરી છે. એક સમય હતો જ્યારે સવારે ઊઠે ત્યારે અને રાત્રે સૂએ ત્યારે લોકો પ્રભુ પ્રાર્થના કરતા. આજે દિવસની શરૂઆત મોબાઇલથી થાય છે તો રાત્રે પણ લોકો સ્માર્ટ ફોન જોતા જોતા જ ઊંઘી જાય છે. હજુ થોડા સમય પહેલાં મોબાઇલનો ઉપયોગ માત્ર એક હાલતા ચાલતા વાયર વગરના ફોન તરીકે જ થતો હતો. ત્યાં સુધી તો બધું ઠીક હતું,પરંતુ ફોનના અનેક ઉપયોગ થવા લાગ્યા અને દશા બગડવા લાગી
સ્માર્ટ ફોન એટલે દસ માથાળો રાવણ
મોબાઇલનો ઉપયોગ ફોન ઉપરાંત થવા લાગ્યો. મેસેજથી લઇ મૂવી સુધીના કામ થવા લાગ્યા, વૉટ્સએપથી લઇને યુટયૂબ વીડિયો દેખાવા લાગ્યા, ઘડિયાળથી લઇને ટાઇપરાઇટરના કામ થવા લાગ્યા. એમ કહોને કે એક નહીં પણ આ ઉપકરણથી દસ દસ કામ થવા લાગ્યા ત્યારથી એ જાણે દસ માથાળો રાવણ જ બની ગયો છે. નાનાં બાળકોથી લઇને વૃદ્ધ તેમ જ ગૃહિણીઓથી લઇને કોલેજિયન સુધી મોબાઇલમાંથી સ્માર્ટફોન બની ગયેલા આ ઉપકરણે પોતાનો કબજો જમાવી દીધો છે. મોબાઇલનો અર્થ થાય છે હરતા ફરતા રહેવું. એનો આધ્યાત્મિક અર્થ એમ પણ થાય કે ભટકવું કે પછી પોતાના ધ્યેયથી વિચલિત થવું. મોબાઇલ ખરેખર આપણને તેની માયામાં સપડાવી ચલિત કરી મૂકે છે.
પુરાણકાળમાં માણસનું મન ખાણી-પીણી કે સૌંદર્ય પામવા માટે લલચાતું હતું અને ઇન્દ્રિયો પર કાબૂ રહેતો નહીં. ઇન્દ્રિયોના ચલિત થવાથી મન સ્થિર રહી શકતું નહીં અને અસ્થિર મન પ્રભુમય બની શકે નહીં. સત્યને પામી શકે નહીં. આ સમસ્યાને કારણે એ કાળના સંતો અને ઋષિમુનિઓએ આપણને અમુક સમયે ઉપવાસ અને બ્રહ્મચર્ય જેવા વ્રતો કરવાનો ઉપદેશ આપ્યો. એ કાળે મોબાઇલ નહોતા. નહીં તો જરૂર ઋષિમુનિઓએ તેના પર સંયમ રાખવા માટેના વ્રતોનો પણ જરૂર નિર્દેશ કર્યો હોત.
ભૂલ્યા ત્યારથી ફેરથી
ચાલો હજુ પણ કંઇ મોડુ નથી થયું. આપણે આજે પણ એકાદશી કે એવા પવિત્ર દિવસે કે ધાર્મિક તહેવારો વખતે મોબાઇલ ઉપવાસ કરીને પુણ્યપ્રવાસ કરી શકીએ એમ છીએ. જેમ ઉપવાસ- એકટાણાં માટે અમુક નિયમો હોય છે. તેમ મોબાઇલ ઉપવાસ માટે પણ નિયમો ઘડાવા જોઇએ. કેવા હોવા જોઇએ આ નિયમો તેની થોડી રૂપરેખા નીચે આપી છે.
૧. મહિનામાં અમુક ધાર્મિક કે પવિત્ર દિવસોમાં મોબાઇલનો ઉપયોગ માત્ર અર્જન્ટ ફોન કરવા કે રિસિવ કરવા જ કરો જેથી તમારી રોજિંદી ધંધાકીય કે વ્યવસાયિક પ્રવૃત્તિ ડિસ્ટર્બ ન થાય. બાકીની તમામ ઍપ તે દિવસે ન વાપરવા માટે સંકલ્પ લો.
૨. ધાર્મિક વાંચન કરવા માટે પણ પુસ્તકનો ઉપયોગ કરો. સ્માર્ટ ફોન પર ધાર્મિક વાંચન કરવા જશો તો, વચ્ચે વચ્ચે એસએમએસ, ઇ-મેલ, વૉટ્સએપ જેવી અનેક એપ્સના નોટિફિકેશનો દર્શન દીધા કરશે જે તમારી ધાર્મિક યાત્રા માટે બાધારૂપ બની જશે. આથી ઊલટું પુસ્તકો વાંચવાથી તમે એમાં ખોવાઇ જશો. એકાગ્રતા વધશે જે આધ્યાત્મિક યાત્રા માટેનું પ્રથમ પગથિયું છે.
૩. પહેલાના સમયમાં પૂનમ કે અમાસના દિવસે ધંધા-નોકરી બંધ રહેતા હતા જેથી આ દિવસમાં લોકો રૂટિન પ્રવૃત્તિ સ્થગિત કરી મંદિર, દેવદર્શન કે યાત્રા જેવી ધાર્મિક પ્રવૃત્તિ કરતા. હાલ વેકેશન છે તો તમે બાળકોને પણ મોબાઇલની લપમાંથી છોડાવી કોઇ ધાર્મિક સ્થળોની રૂબરૂ મુલાકાતે લઇ જાવ. આપણે ત્યાંના અનેક જૂના સમયનાં મંદિરોની શિલ્પકળા અને કોતરકામને સ્પર્શીને નજીકથી માણવાથી જે અનુભૂતિ પ્રાપ્ત થાય છે એ તમારાં સંતાનોને મોબાઇલમાં માત્ર ચિત્રો જોવાથી પ્રાપ્ત નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -