મુંબઈ: વિદેશથી પતિએ વખતોવખત મોકલાવેલા પાંચ લાખ રૂપિયા ખર્ચાઇ જતાં આ વાત પતિથી છુપાવવા માટે પત્નીએ પરિચિતની મદદથી પોતાના જ ઘરમાં ચોરી કરાવડાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં બે જણની ધરપકડ કર્યા બાદ આ વાત સામે આવી હતી.
વસઇના વિશાલનગરમાં સંજેરી એપાર્ટમેન્ટમાં રહેનારી નિકહત અસગર ખાને માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ૯ મેની રાતે તેના ઘરમાં ચોરી થઇ હતી. ફ્લેટનાં તાળાં તોડીને અંદર ઘૂસેલી અજાણી વ્યક્તિએ તિજોરીમાં રાખેલી અમુક રોકડ તથા રૂ. ૧૦.૩૦ લાખના દાગીના ચોર્યા હોવાનું નિકહતે ફરિયાદમાં જણાવ્યું હતું. માણિકપુર પોલીસે આ ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૨ (વસઇ)ના અધિકારીઓએ ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં બે શકમંદ નજરે પડ્યા હતા. આ ફૂટેજને આધારે પોલીસે શકમંદોની શોધ આદરી હતી અને ગોવંડીમાં રહેતા મોહંમદ કમર રૌફ ખાનને તાબામાં લીધો હતો. કમર ખાનની પૂછપરછમાં નસીમ મોઇન ખાનનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેને ઘોડબંદર રોડ પર ફાઉન્ટન હોટેલ નજીકથી ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૨ના પોલીસ ઇન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નિકહત ખાનના પતિએ વિદેશથી તેને વખતોવખત મોકલાવેલા પાંચ લાખ રૂપિયા તેનાથી ખર્ચાઇ ગયા હતા. પતિ વિદેશથી પાછો ફર્યા બાદ ખર્ચાઇ ગયેલા રૂપિયા વિશે પૂછશે તો તેને શું કહીંશ, એની નિકહતને ચિંતા હતી. આથી પતિથી આ વાત છુપાવવા માટે તેણે ઇમારતમાં રહેતા નસીમ ખાનની મદદથી પોતાના ઘરમાં ચોરી કરાવડાવી હતી અને દાગીના નાલાસોપારામાં રહેતા ભાઇના ઘરે છુપાવી રાખ્યા હતા. પોલીસે નિકહતના ભાઇના ઘરેથી દાગીના જપ્ત કર્યા હતા, જે વેચવાનો નિકહતનો વિચાર હતો.