Homeમેટિનીજૈન સાધુને સંયમ જીવનની તમામ અનુકૂળતા અહીં છે, જો કોઈક અહીં રોકાઈને...

જૈન સાધુને સંયમ જીવનની તમામ અનુકૂળતા અહીં છે, જો કોઈક અહીં રોકાઈને હિમાલયની ખોજ કરે તો ઘણાં આશ્ર્ચર્યો બહાર આવવાની સંભાવના છે

જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

રાત્રે અને દિવસે પ્રકાશ કરી દીપ શિળાંગ કલ્પવૃક્ષો માટે અને જ્યોતિરસાંગ કલ્પવૃક્ષો માટે આપણા જૈન શાસ્ત્રોમાં વાત આવે કે એવા વૃક્ષો થાય જેમાંથી સતત પ્રકાશ નીકળ્યા કરતો હોય, જેથી આસપાસના લોકોને અંધકારનો આભાસ ન થાય. અહીં પણ એવી વનસ્પતિ અમે જોઈ જે રાત્રે પણ પ્રકાશ પાથરે અને દિવસે પણ. અહીંના કેટલાક સાધુઓના કહેવા પ્રમાણે એવી વનસ્પતિઓ તો હિમાલયમાં ઘણી છે. ગૌમુખથી તપોવન ક્ષેત્ર તરફ આગળ વધો તો જોવા મળે અને તેનાથી આગળ વધો તો ગાંધર્વલોકમાં તમે પ્રવેશ પામો. હિમાલયના માનવસંચાર રહિત વિસ્તારમાં ગાંધર્વ ક્ધયાઓ અને ગાંધર્વકુમારની રમત ગમત ચાલ્યા જ કરતી હોય. એક વૃદ્ધ સાધુને આ બાબતે પૂછતા તેમણે આ બાબતમાં એટલો રસ ન લીધો. એટલું જ કહ્યું. ‘बाबाजी! यह तो हिमालय है, इसकी लीला कौन जान सकता है?’ અમારું કુતૂહલ કંઈ કરી શક્યું નહીં, પણ ગર્ભિત રીતે એ વાતમાં એ સંમત હતા એવું લાગ્યું. તપોવનથી આગળ જવું જૈન સાધુ માટે તો ઘણું મુશ્કેલ છે.
બરફાચ્છાદિત પર્વતો ખુંદીને જવું પડે, સુરક્ષાની કોઈ ગેરંટી નહીં. હિમાલયમાં વિહાર કરતા અમને આવી વાત સાધુ-બાબાના મુખે સાંભળવા મળતી. સંજીવની માટે કંઈક વાત નીકળતી તો કહેવામાં આવતું, बाबाजी! धरती पर जितनी भी औषधीयाँ है, वह सब संजीवनी ही तो है, कोई न कोई प्रकार से इंसान को जीवितदान करती है न’ વાત તો સાચી છે એવી કઈ ઔષધી નથી કે જે સંજીવની ન હોય? બધી જ વનસ્પતિ સંજીવની છે, બસ તેના ઉપયોગના ઉપાય જાણી લઈએ. યોગ્ય રીતે તેનો ઉપયોગ કરીએ તો બધી જ વનસ્પતિ સંજીવની છે.
ગૌમુખ ક્ષેત્રથી થોડુંક આગળ જતા એક નાનકડી ગુફામાં વૃદ્ધ માતાજી રહે છે. ક્યાંય કેટલાય વર્ષ થઈ ગયા. અહીં ફરવા આવેલા અને અહીં જ રહી ગયા છે. ભૂલા ભટક્યાને ભોજન પાણી કરાવે છે. રાત કોઈને રહેવા દેતા નથી, પણ આશ્ર્ચર્ય એ થાય કે એમની ગુફામાં આટલું વધુ અનાજ આવે છે ક્યાંથી? એ ક્યારેય અનાજ લેવા જતા નથી, નથી કોઈ બીજા માણસો તેમને કંઈ પહોંચાડતા,
પણ ત્યાં સુધી કોઈ જઈ શકે તેવું પણ નથી. ગુફા દ્વાર એટલું નાનું છે કે લગભગ બરફની શિલાઓથી ઢંકાએલું રહે એ તો કોઈક રસ્તો ભટકી ગયા હોય અને જંગલમાં એટલા અટુલા ભૂખ્યા તરસ્યા કોઈ અહીં આવી પહોંચે તો પેટ ભરીને ભોજન મળે અને આગળનો માર્ગ મળે. ગુફામાં ઓઢવા પાથરવાની એક પણ વસ્તુ નથી. નથી કોઈ વાસણ-કૂસણ. સાદી ગુફા જેવી ગુફા એક પણ વસ્તુ ગુફામાં નથી. તો વિચારો આ માતાજી – સાધ્વી એવું તો શું કરતા હશે કે બધું જ હાજર થઈ જાય. રહસ્યને રહસ્ય જ રાખવું પડે તેમ છે. અમે પણ આ બાબતે વધુ કંઈ જાણી શક્યા નથી. ભોજવાસામાં ઘણી પૂછપરછ કરી આ બાબતે વિશેષ જાણવા માટે પણ અમે અસફળ રહ્યા. જેમ જેમ હિમાલયને ઓળખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમ તેમ આ હિમાલય અગમ અગોચર બનતો જાય છે. અમે ગૌમુખ ક્ષેત્રમાં માત્ર બે દિવસ રોકાયા તોય આટલું અચરજ થયું. ખરેખર કોઈક સાધકે અહીં રોકાવું જોઈએ. અહીં મહિનાઓ સુધી રોકાવાની વ્યવસ્થા છે. જૈન સાધુને સંયમ જીવનની તમામ અનુકૂળતા અહીં છે. જો કોઈક અહીં રોકાઈને હિમાલયની ખોજ કરે તો ઘણા આશ્ર્ચર્યો બહાર આવવાની સંભાવના છે, પણ હિમાલયમાં આવવું આપણા હાથમાં છે. હિમાલયથી નીકળવું આપણા હાથમાં નથી. ભારતના લોકો હિમાલય આવવા માટે નીકળતા તેઓ ઘરની સંપૂર્ણ વ્યવસ્થા બીજાને સોંપીને જ નીકળતા. હવે પાછું ઘરે અવાય કે નહીં. એટલે જ હિમાલય ગયેલાની પાછળ કોઈ રાહ જોતું નહીં. લોકમાં વાત ફેલાઈ જતી. ફલાણાભાઈ ‘હેમાળો ગળવા’ જાય છે. એટલે કે હિમાલયમાં સામેથી મૃત્યુને ભેટવા જાય છે. જોકે હમણાં તો વ્યવસ્થાઓ ઘણી થઈ ગઈ એ એટલે ઘરે પાછા તો આવે છે, પણ હિમાલયના વાતાવરણમાં હજુ ઘણો ફેરફાર થયો નથી. હિમાલયના તોફાની પવનો, બરફનો વરસાદ સતત શૂન્ય ડિગ્રી નીચે રહેતો પારો. પાતળી હવા, હવામાં ઑક્સિજનની ઊણપ. ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી પરિસ્થિતિ. સૂરજનો તડકો પણ ઠંડી વધારે તેવો. માણસ ક્યાં સુધી ટકે. અરે પેટ પૂરતો આહાર પણ મળે કે નહીં જેટલું વિચારીને આવ્યા હોય તેનાથી જુદુ જ અહીં જોવા મળે. આટલી બધી વિષમતામાં માણસ નામનું પ્રાણી ક્યાં સુધી ટકી રહે? જોકે આટલી પ્રતિકૂળતાની વચ્ચે અમે તો ટકી ગયા. બસ કોઈક શક્તિ અમારી સાથે હતી. અમે નથી જાણતા એ દિવ્યશક્તિ કોણ હતી? અમારે સાથે શા માટે હતી? પણ કંઈક હતું એ ચોક્કસ છે. જો એ શક્તિ અમારી સાથે ન હો’ત તો નિશ્ર્ચિત અમે પાછા આ ધરતી ઉપર આવી શક્યા ન હોત. ગુરુદેવના આશીર્વાદ જ એ શક્તિરૂપે હતા. અમારું મંતવ્ય એવું છે. અમે વારંવાર એ વાત કહીશું. જેણે હિમાલયની યાત્રા માટે વિચાર મૂક્યો તે જ હિમાલયની યાત્રા કરાવી રહ્યા છે. અન્યથા હિમાલયની સામે ટકી રહેવું માણસનું કામ નથી. તેમાંય આવી તીક્ષ્ણ ઠંડીમાં સાવ સામાન્ય આછાં વસ્ત્રો પરિધાન કરેલા જૈન સાધુ માટે તો હિમાલય એ સ્વપ્ન છે. અહીં રહેનારા બાબા… જોગી તો હિમાલયમાં રહેવા માટે ટેવાઈ ગયા હોય. અહીંની અમુક ઔષધિની જાણકારી પણ હોય. ઔષધિનો પ્રયોગ કરીને પણ શરીરની ગરમી જાળવી રાખે, ઠંડી લાગવા ન દે. અમારી પાસે તો એવું કંઈ નથી. અમારી પાસે તો માત્ર આ જ છે…
આશીર્વાદ! માત્ર
ગુરુના આશીર્વાદ અને આ હિમગિરિમાં વિચરણ કરતા આદિનાથ દાદાના શુભ અને શુદ્ધ પવિત્ર પુદ્ગલો પગલે ને પગલે પથરાયેલા છે. એ જ તો સંભળાતા હતા અમને. (ક્રમશ:)ઉ
ગંગોત્રી
જેઠ સુદ ૧૦, ગુરુવાર,
તા. ૨૪-૦૫-૨૦૧૮
આજે સવારે ૬.૦૦ વાગ્યે ભોજવાસાથી વિદાય લીધી. હજુ તો ૫૦ ડગલા ચાલ્યા ત્યાં એક નાનો છોડવો નજરે ચડ્યો જાણે આખો છોડ કાચનો બનેલો હોય તેમ ચમકતો હતો. આશ્ર્ચર્ય થયું. એકદમ પાસે જઈને જોયું તો બધી ડાળીઓ પર બરફ જામેલો હતો. રાત્રે બરફનો વરસાદ પડ્યો હશે. ઝાડ બરફનું થઈ ગયું. અમે એનું નામ આપ્યું ‘કાચનું ઝાડ’ નજરો ને બલાત્ ત્યાંથી હટાવવી પડી. સંજીવની બુટ્ટીની કાકાની દીકરી બેન એવી આ અલૌકિક વનસ્પતિનું આકર્ષણ ઘણા સમય સુધી રહ્યું. જાણે અમને કહેતી હોય. ‘મને સાથે લઈ જાવ’ પણ એ શક્ય બન્યું નહીં. ગંગોત્રી અરણ્યમાંથી એક પાંદડું પણ લેવાની મનાઈ છે. હજુ ૧૪ કિ.મી. ચાલવાનું બાકી છે. એક વાતની નિરાંત હતી હવે નીચે ઊતરવાનું જ હતું. અમે ચાલ્યા, રસ્તામાંથી લગભગ સુકાઈ ગયેલી ૧૦-૧૨ વનસ્પતિઓના નમૂના સાથે લીધા. ભોજપત્રની બે સૂકી લાકડી લીધી. તોય ૧૨ વાગ્યા સુધી પાછા આવી પહોંચ્યા.
આજે ‘ગંગા દશમી’ છે અહીં આવ્યા પછી જ ખબર પડી. અહીં ગંગા દશેરાનો મોટો મહિમા છે. આખું ગામ શણગારવામાં આવ્યું હતું. ગંગા મંદિરમાં યાત્રિકોની ભીડ સમાતી નહોતી. વર્ષમાં એકવાર ગંગા દશમીના દિવસે મંંદિરમાંથી ગંગાની મૂર્તિ ગંગા કિનારે લવાય. તદ્યોગ્ય અનુષ્ઠાનાદિ થાય. એ બધું બપોરે ૧૨ સુધી તે પછી ગંગાદેવી નિજમંદિરમાં ચાલી જાય. ગંગોત્રી ધામના તમામ સાધુ-બાવા-સંન્યાસી ભેગા થાય. ભંડારા થાય. યોગાનુયોગ આજે બધું અમને જોવા મળ્યું.
આજે સાંજે વિહાર નથી થોડોક થાક ઊતરી જાય પછી યાત્રા આગળ વધે.
આનંદની હેલી વરસાવતા હિમાલયમાં અમે વિચરી રહ્યા છીએ.
એક પ્રસંગ યાદ આવે છે આજથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વે એટલે કે વિ. સં. ૧૮૦૬માં ભૂતાન દેશના એક શ્રાવક. નામ તેમનું લામચીદાસ ગોલાલારે. તેઓએ ભૂતાનથી ચીન-બર્મા-કામરૂપ થઈને અષ્ટાપદની યાત્રા કરી હતી. તે યાત્રામાં તેઓને ૧૮ વર્ષ લાગ્યા હતા. તેમણે આ યાત્રાનું સુંદર વર્ણન ‘પજ્ઞફિ ઇંેબળલ ્રૂળઠ્ઠળ’ નામના પુસ્તકમાં કર્યું છે. યાત્રાવર્ણનના રસી હૃદયી મિત્રોએ પુસ્તક વાંચવું રહ્યું.

 

1 COMMENT

  1. જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી

    એક ઉત્તમ લેખન.

    મેં મુસાફરી અને આધ્યાત્મિકતા પર ઘણા પુસ્તકો વાંચ્યા છે પરંતુ આ ઉત્તમ છે.

    જ્યારે પણ હું પુસ્તક વાંચું છું ત્યારે મને લાગે છે કે હું હાર્દિકસૂરી સ્વામી મહારાજ સાથે મુસાફરી કરી રહ્યો છું

    તેણે આ પુસ્તકથી મારી અંદરની જાતને પ્રગટ કરી અને મને પ્રકૃતિ સાથે જોડ્યો.

    તે મને મારા ikigai સુધી પહોંચવામાં મદદ કરે છે અને આ પુસ્તક વાંચ્યા પછી મેં હિમાલયની યાત્રા પણ કરી છે જેનું હું વર્ષોથી આયોજન કરી રહ્યો હતો.

    હું પ્રબુદ્ધ છું કે મને આ વાંચ્યા પછી લાગે છે.

    મહારાજ સાહેબના આ પુસ્તક અને લેખન માટે શબ્દો ઓછા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -