નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
ઘણાં વર્ષો પૂર્વે હું ગાંધીનગરમાં પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ સક્રિય હતો ત્યારે ગાંધીનગર અમદાવાદ ખાતે યોજાતા સર્પો અંગેના કોઈ પણ કાર્યક્રમમાં મને આમંત્રણ હોય જ. ચકલાથી લઈને પ્લાસ્ટિક હટાવો અને વાઘ બચાવો જેવી પ્રવૃત્તિ કરતાં અન્ય લોકોની જેમ મને સબ બંદર કે વેપારી જેવું ફાવે નહીં. મારી વિચારધારા સ્પષ્ટ હતી કોઈ એક જ ક્ષેત્રમાં સતત કામ કરવાથી જ પરિણામો મળી શકે. તેથી જ કદાચ યુવા વયે નોકરી પર લાગ્યા બાદ કદી સર્પબચાવ સિવાય કોઈ પ્રવૃત્તિમાં વિશેષ જોડાયો નહોતો.
લગભગ પંદરેક વર્ષ પૂર્વે ગાંધીનગરના ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કમાં સર્પના ઝેર પરના એક વિશેષ સેમિનારમાં ઉપસ્થિત રહેવાનું મને આમંત્રણ મળેલું. આ કાર્યક્રમમાં વિશેષ વક્તા તરીકે કોઈ એવા વિદ્વાન હતા જેમણે સર્પોના ઝેર પર જ ડૉક્ટરેટ કરેલું. આવા વિદ્વાન વક્તા હોય તો આવી તક જતી કેમ કરી શકાય? કાર્યક્રમમાં આમંત્રિત વક્તાનો પરિચય અપાયો, સ્વાગત વિધિઓ થઈ અને એમનું પ્રવચન શરૂ થયું, પરંતુ બન્યું એવું કે તેઓ પોતાના વિષયમાં વિદ્વાન જારૂર હતા, પરંતુ તેમના શ્રોતાઓમાં મોટાભાગના લોકો અમારા જેવા બિનવૈજ્ઞાનિક પ્રકૃતિપ્રેમીઓ હતા એ વાત એમને ભુલાઈ ગયેલી. તેથી બન્યું એવું કે શ્રોતાઓ સાયન્ટિફિક જોડણીકોશ લઈને બેસે તો પણ સમજાય તો ઠીક. અંતે વક્તવ્ય પૂર્ણ થતાં પ્રશ્ર્નોત્તરીનો સમય આવ્યો. જે લોકો પર્યાવરણ વિજ્ઞાનીઓ હતા એમને પ્રશ્ર્ન હોય નહીં, અને જેઓ અજ્ઞાની પ્રકૃત્તિપ્રેમીઓ હતા એમને પ્રવચનમાં ટપ્પો પડેલો નહીં, તો લોકો પૂછે શું? તો એ વખતે ગીર ફાઉન્ડેશનના ડિરેક્ટર આઈ.એફ.એસ. કેડરના અધિકારી પાંડેસાહેબ હતા. બીજા લોકો સામાન્ય પ્રકારના પ્રશ્ર્નો પુછતા હતા, પરંતુ આ પાંડે સાહેબે વક્તાશ્રીને એક પ્રશ્ર્ન પુછી લીધો જેમાં મને બહુ રસ પડ્યો. તેમણે વક્તાને એક પ્રશ્ર્ન પુછ્યો કે જમીન પર વસતા સાપોમાંથી અમુક જ જાતિઓએ જ ઝેર વિકસાવ્યું છે, પરંતુ દરિયાના પાણીના તમામ સાપો અત્યંત ઝેરી હોય છે. એની પાછળ કારણ શું ?
અને પરિસ્થિતિ જે વળાંક લીધો તે વક્તા માટે ખૂબ જ ક્ષોભજનક હતો. કારણ કદાચ એવું હશે કે એમણે ડૉક્ટરેટની ડિગ્રી માટે કરેલા સર્પોના અભ્યાસ સિવાયના વિષયો પર ધ્યાન આપ્યું નહીં હોય. અંતે થયું એવું કે તેમણે ક્ષોભપૂર્વક જાહેર કરવું પડ્યું કે આ બાબતનું તેમને જ્ઞાન નથી, પરંતુ થોડા સમય બાદ આ મુદ્દા પર રિસર્ચ કરીને જણાવશે, પરંતુ એ સમૂહમાં હાજર એક વ્યક્તિએ ઊભા થઈને વક્તાને વિનંતી કરી કે મને આ બાબતે થોડી જાણકારી છે, જો આપ મંજૂરી આપો તો જણાવું. વક્તાએ મંજૂરી આપી અને એક સરસ મુદ્દો સૌના ધ્યાનમાં આવ્યો. તેમણે જણાવ્યું કે દરિયાઈ સર્પો પણ મૂળે તો જમીનના જ સર્પો છે. તેઓ લાખો વર્ષો પૂર્વે પરિસ્થિતિવશ દરિયામાં રહેવા અને શિકાર કરવા મજબૂર હતા. જમીનના ઝેરી સાપ પોતાના શિકારને દંશ મારીને છોડી દે અને પછી મૃત્યુ પામી રહેલા શિકારની ગંધે ગંધે તેની પાછળ જઈને તેને ખાઈ જાય, પરંતુ દરિયાઈ સર્પો જો એમ કરે તો દરિયાંના પાણીમાં ગંધ લેવાની સુવિધા તો શક્ય નથી, તેથી દંશ માર્યા બાદ શિકાર દરિયામાં કયાં જઈને મૃત્યુ પામે એ શી ખબર પડે ? તેથી દરિયાઈ સર્પોએ પોતાના ઝેરને એટલા કાતિલ બનાવ્યા કે તેના શિકાર દંશ થયાની ક્ષણોમાં જ પેરેલાઈઝ થઈ જાય અને સાપ તેનું ભક્ષણ કરી શકે.’
આ વાત વિચાર માંગી લે એવી છે કે એક વૈજ્ઞાનિક જે પાસાં તરફ ધ્યાન આપવાનું ચૂકી ગયેલા એ પાસાં તરફ એક માત્ર પ્રકૃત્તિ પ્રેમીનું ધ્યાન ગયેલું. હવે આજના આપણા મુખ્ય વિષય એટલે કે દરિયાઈ સર્પો અંગે થોડી વધુ વાત જાણીએ. કહેવાય છે કે પૃથ્વી પર સર્પોનો ઉદ્ભવ આશરે ૧૨૮ મિલિયન વર્ષો પહેલાં જમીન પર જ થયેલો, પરંતુ જમીન પર રહેતા સર્પોમાંથી અમુક જાતિના સર્પો એટલે કે ખાસ કરીને ઈલાપીડ જાતિના સર્પોએ આશરે ૧૫ મિલિયન વર્ષો પહેલાં કોઈ કારણોસર પોતાનો શિકાર દરિયામાંથી કરવાનું શરૂ કર્યું. આમ પોતાનું મુખ્યત્વે જીવન દરિયાના પાણી પર નિર્ભર થઈ જવાથી તેઓએ પોતાના શરીરમાં અનેક ફેરફારો કરવા પડ્યા. આ ફેરફારોમાં મુખ્યત્વે તો નળાકાર શરીરને ચપટું બનાવ્યું જેથી તરવામાં સરળતા રહે, ગોળાકાર પૂંછડીને પણ હોડીના હલેસા જેવી બનાવી દીધી. સૌથી મોટો ફેરફાર સર્પોએ એ કર્યો કે તેમને દરિયામાં આશરે બસ્સોથી અઢીસો ફૂટ ઊંડે દરિયાને તળિયે સુધી ડૂબકી મારવી પડતી હોવાથી તેમણે પોતાના ફેફસાને એવી રીતે વિકસિત કર્યા કે જેથી તેઓ કલાકો સુધી પાણીની અંદર જ રહીને શિકાર કરી શકે. એકવાર ડૂબકી માર્યા બાદ એક બે કલાક સુધી તેમણે દરિયાની સપાટી પર આવવું પડતું ન હોવાથી દરિયાના સર્પોએ પોતાની આંકહોમમાં પણ પરિવર્તનો કર્યાં. જમીન પર વસતી ઈલાપીડ જાતિઓ જેમાં કોબ્રા, કોરલ સ્નેક અને તાઈપાન જાતિઓનો સમાવેશ થાય છે તેની જમીન પર આશરે ૩૦૦ જેટલી જાતિઓ છે, જ્યારે આ જ ઇલાપીડ સમૂહની સંપૂર્ણપણે દરિયાની અંદર જ રહેતી હોય તેવી ૬૩ જાતિઓ છે. જમીનના તેના સગાંવહાલાંઓની દૃષ્ટિ બે રંગોને ઓળખવા પૂરતી મર્યાદિત છે, જ્યારે દરિયાના સર્પોની દૃષ્ટિ જમીનના સર્પો કરતાં ક્યાંય ચડિયાતી છે. દરિયાના સર્પોની આંખોના રેટિના અનેક રંગોને પારખી શકે છે અને અલ્ટ્રા વાયોલેટ અને પાણીની અંદર રહેલા પ્રકાશને દરિયાના ઊંડાણમાં પણ વિશિષ્ટ રીતે પારખી શકે છે.
દરિયાઈ સર્પો પોતે અત્યંત ઝેરી હોવા છતાં દરિયામાં તેના પણ શિકારીઓ મોજૂદ છે. હાડકાવાળી મોટા કદની બોની ફીશ, શાર્ક માછલીઓ અને અમુક પક્ષીઓ દરિયાઈ સર્પોના શિકારી છે. રેડ સી સિવાય વિશ્ર્વના તમામ સમુદ્રોમાં દરિયાઈ સર્પો જોવા મળે છે. એકાદ બે જાતિઓને બાદ કરતાં મોટા ભાગના દરિયાઈ સર્પો બહુ જ ઊંડા સમુદ્રમાં જોવા મળતા નથી, કારણ કે સમુદ્રી સર્પો પ્રજનન અને બચ્ચાં મૂકવા માટે જમીન પર જ આવવું પડતું હોય છે.