કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પુરજોશમાં પ્રચાર શરુ કરી દીધો છે. બેલાગવી વિસ્તારમાં જનતાને સંબોધિત કરતા આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ મદરેસાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આસામ રાજ્યમાં તમામ મદરેસાઓ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. કારણ કે નવા ભારતમાં આવા ધાર્મિક શિક્ષણની કોઈ જરૂર નથી.
બેલગાવી વીસ્તારમાં છત્રપતિ શિવાજી પરના લાઇટ-એન્ડ-સાઉન્ડ શોના ઉદ્ઘાટન સમયે, સરમાએ કહ્યું કે આસામને રાજ્ય અને દેશની સેવા કરવા માટે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ અને અન્ય સ્નાતકોને તૈયાર કરવા માટે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની જરૂર છે. ભાજપની આગેવાની હેઠળની સરકારે ગયા વર્ષમાં લગભગ 600 સરકારી મદરેસાઓને બંધ કરી દીધા છે.
સરમાએ કહ્યું કે આસામને બાંગ્લાદેશ તરફથી ઘૂસણખોરીનો ખતરો છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પર ખતરો છે. આપણે આપણી શિક્ષણ વ્યવસ્થા બદલવી પડશે. આપણા ઈતિહાસને નવી રીતે લખવાનો સમય આવી ગયો છે કારણ કે તેને તોડવા-મરોડવામાં આવ્યો છે.
આસામના સીએમએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પહેલા મુઘલ આક્રમણકારોએ ભારતને નબળું પાડવાનો પ્રયાસ કર્યો અને હવે કોંગ્રેસ કરી રહી છે. રામ મંદિરની તરફેણમાં નથી બોલાતું તો બાબરી મસ્જિદના પક્ષમાં કેમ બોલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસ્કૃતિ, પરંપરાઓ અને મંદિરોને પુનઃપ્રાપ્ત કરવા માટે સંકલ્પબદ્ધ “નવા ભારત”નું નેતૃત્વ કરી રહ્યા છે.