બીજાના જીવનમાં જાંખવાની વૃત્તિ માણસ માત્રની હોય છે. કોઈક થોડું ઓછું તો કોઈક વધારે જાણકારી મેળવવા ઉત્સુક હોય છે. ઘણાનો હેતુ જે તે વ્યક્તિ વિશે માત્ર જાણવાનો હોય જ્યારે ઘણા જાણેલી વાતો અન્યોને કરી પંચાત અથવા તો કૂથલી કરવામાં જ મશરૂફ રહેતા હોય. આવા લોકો મોઢેથી ઘણું મીઠું બોલી બીજા પાસેથી વાતો કઢાવવામાં માહેર હોય. દરેક ધંધામાં પણ આવા પંચાતીયાઓની બોલબાલા હોય કારણ કે હરીફની માહિતી આની પાસેથી જ મળતી હોય.
પણ અન્યો વિશે જાણવામાં મશગૂલ આપણે આપણી જાતને ક્યારે જાણીશું, કયારે સમજીશું. જાણકારી મેળવવી મહત્વની છે, પરંતુ જે વાત સાથે આપણને કોઈ નિસ્બત ન હોય તે મગજમાં ભેગી કરી આપણે આપણું મગજ શા માટે ભરી દઈએ છીએ. વળી, આવી કૂથલી કરીને આપણે સંબંધોને કડવા કરીએ છીએ અને સામા વ્યક્તિને પ્રેમ કરવાને બદલે, અપનાવવાને બદલે જજ કરતા થઈ જઈએ છીએ. શંકા-કુશંકા, અબોલા, અંતર બધુ આ ન જોઈતી વાતોથી જ ઉદ્ભવે છે. ગમે તેટલું નજીકનું વ્યક્તિ હોય તો પણ તેના વિશે જોઈતું જ જાણવું.
નથી જામતું ? તો આવો સોક્રેટીસની આ વાતથી જાણીએ…
સોક્રેટીસની પાસે એકવાર એક મિત્ર આવ્યો. તેણે આવીને કહ્યું કે હું તમને તમારા એક બીજા મિત્ર વિશે કંઈક કહેવા માગુ છું. હજુ એ કંઈક કહેવા જાય ત્યાં સોક્રેટીસે તેને રોક્યો. સોક્રેટિસે તેને ત્રણ સવાલ પૂછ્યા. પહેલું કે તું જે વાત કહે છે તે મારા મિત્રની સારી બાજુ છે કે નબળી. પેલા મિત્રએ કહ્યું કે નબળી બાજુ છે. બીજો સવાલ હતો કે તું જે વાત કહેવા જઈ રહ્યો છે તે સો ટકા સાચી છે કે પછી તું પણ કોઈની કહેલી જ મને કહે છે.
મિત્રએ કહ્યું કે સો ટકા સાચી છે એમ તો કહી શકાય નહીં, પણ લોકોના મોઢે ચર્ચાઈ છે તો સાચી જ હશે. પછી આવ્યો ત્રીજો ને મહત્વનો સવાલ કે આ વાત મને સીધી રીતે અસર કરે છે, એટલે કે હું નહીં જાણું તો કંઈ મોટું આભ ફાટશે. મિત્રએ કહ્યું ના એમ કંઈ બહુ મોટી વાત નથી પણ…બસ તો પછી જે વાત સારી નથી, સાચી નથી અને જાણીએ કે ન જાણીએ કોઈ ફરક પડતો નથી તો પછી જાણવાની શી જરૂર…પેલો મિત્ર તો બિચારો કંઈ બોલી ન શક્યો.
જીવનમાં આપણે ઘણું બધુ એવું જાણી લઈએ છીએ માની લઈએ છીએ જેની આપણને જરૂર જ નથી. આથી જેમ શરીરને જરૂરી ખોરાક આપવો તેમ જ મનને પણ જરૂર હોય તેટલું જ કસવુ. નાહકનું શા માટે મગજમાં ભૂસું ભેગું કરવું સાચુ ને…