મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
મુંબઈમાં રહેતા હોય તેને વિસ્કીની બ્રાન્ડ બોલવાનું કહો તો ઘણી બધી બોલી શકે, પરંતુ અમારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જો તમે કોઈને ખાલી એટલું કહો કે આજે બેસવું છે?ત્યાં તો મોઢામાં પાણીના ફુવારા છૂટે. મોઢાના હાવ ભાવ ઉપરથી એવું લાગે કે આની ભરપૂર ઈચ્છા છે એટલે સામો બીજો પ્રશ્ર્ન આવે કે કઈ બ્રાન્ડ ફાવશે તો તરત જ કહેશે કે આપણે નબળું નથી પીતા. સારી બ્રાન્ડ હોય તો બેસીએ. હવે સારી એટલે કઈ તે તેની પાસે કોઈ જવાબ ના હોય, પણ હા દરેકના ગણિત ફિક્સ હોય છે કે ઉનાળો છે તો જીન, વોડકા કે બિયર પીવાય. કોઈ એમ કહે કે શરદી થઈ છે તો તરત જ કહેશે કે બ્રાન્ડી થોડા હૂંફાળા પાણીમાં પીવો. અરે ભાઈ પીવા કરતા છાતી પર લગાડો તો પણ ચાલે, પરંતુ ના જીભની સ્વાદેદ્રીયને પણ લાભ મળવો જોઈએ. સાથે સાથે મગજના જ્ઞાનતંતુઓને પણ એવું થાય કે કંઈક રેડાયું છે. તેવા નુસખા જણાવે અને સામેવાળાને પણ તે જ જોતું હોય. શિયાળો હોય તો તરત જ કહેશે કે રમ અને વિસ્કી જેવી મજા નહીં. પીતા પહેલા તો શું પીવાય અને શું ન પીવાય તેની ગંભીર ચર્ચાઓ થાય વાદવિવાદ થાય. પછી જે હોય તે પીવાય તો ખરું જ.
સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો કહેવાતી દારૂબંધી છે. અમુક વિસ્તારમાં તો ચાનો ઓર્ડર આપો અને દારૂનો ઓર્ડર આપો તો બાટલી વહેલી આવે. ચા તો બનાવવી પડે એટલે વાર લાગે. હમણાં એક સરસ કિસ્સો બન્યો હું અને ચુનિયો બન્ને અમારા એક મિત્રને ત્યાં બેસવા ગયા ત્યાં તેણે ખિસ્સામાંથી ગ્રીન કલરની ૧૭૫ મી.લી.ની બોટલ કાઢી અને ઘરવાળાને આપી અને કહ્યું કે ‘આ અંદર મૂકી દે’. ચુનિયાની આંખ ચાર થઈ અને અર્જુનને જેમ ચકલીની આંખ મગજમાં ફિટ થઈ ગઈ હતી તેમ આ બાટલી ચુનિયાના મગજમાં ફિટ થઈ ગઈ. મારી સામું જોઈ અને દયામણો ચહેરો કર્યો. મને તેની હાલત સહન ન થઈ એટલે મેં પણ ઘરધણીને કહ્યું કે ‘કઈ બ્રાન્ડ છે?’તો ઘરધણીએ વાત ઉડાડી દીધી અને ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો, પરંતુ ચુનિયો બાટલીને દિલ દઈ બેઠો હતો. મેં ફરીથી ઘર ધણીને કહ્યું કે ‘સારી બ્રાન્ડના શોખીન લાગો છો. આમ તમને જનરલી કઈ બ્રાન્ડ ફાવે?’, પરંતુ ફરી વાત ઉડાડી અને ચા નાસ્તો આવ્યો તેના તરફ હાથ લંબાવી અને આગ્રહ કરવા માંડ્યા. મેં નકટા થઈ અને કહ્યું કે ‘તમે મારી વાતનો જવાબ ન આપ્યો. એમાં કાંઈ વાંધો નહીં અત્યારે તો અપર ક્લાસ લોકો જ આવો શોખ રાખે છે.’ વચ્ચે વાત કહી દઉં કે જો લોઅર ક્લાસ કે મિડલ ક્લાસ દારૂ પીવે તો તે દારૂડિયા કહેવાય, પરંતુ અપર ક્લાસ દારૂ પીવે તો તે સ્ટેટસ ગણાય છે. આ વાત મેં તેને સારી ભાષામાં સમજાવી એટલે મને કહ્યું કે ‘નાસ્તો કરી લો પછી બાટલી મંગાવું’ આટલી વાત કરતા તો ચુનિયાએ નાસ્તા માથે જે ઝપટ બોલાવી તે અકલ્પનીય હતી. કારણ નાસ્તો ખાલી થાય તો પાછળ બાટલી આવે મને ચુનિયાના ભૂતકાળના શબ્દો પણ યાદ આવ્યા કે ‘જમતા પહેલા બે પેગ મારવા તેથી ભુખ બહુ સરસ લાગે’, પરંતુ બે પેગની વાત જાણી અને આવી સખત ભૂખ લાગે તે ચુનિયાની ખાવાની ઝડપ જોઈ અને મને સમજાયું. મેં બે વાર હાથ નાખ્યો ત્યાં તો બાવીસ વાર હાથ નાખી અને પ્લેટ સફાચટ કરી ગયો. જીભ દાજે તેવી ગરમ ગરમ કોફી પણ પી ગયો. અને ઘરધણી તરફ લોલુપ નજરે જોવા લાગ્યો. ઘરધણી સમજી ગયા અને ઘરવાળીને કહ્યું, ‘હમણા હું જે બોટલ લાવ્યો તે આપજો જરા’ ત્યાં તો ચુનિયો સોફા ઉપર અડધો બહાર નીકળી ગયો. મને એમ થયું કે તેના ઘરવાળા બાટલી લાવે અને ઘરધણીને દે તે પહેલા ચુનિયો વચ્ચેથી ઝપટ મારે નહીં તો સારું. આમ તો દારૂ પીવો એ સારી વાત નથી. મારી તો સૌને સલાહ છે કે જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં ઊભું ન રહેવું. તરત બાજુમાં બેસી જાવ. એક મિનિટ, એક મિનિટ, ઉતાવળાના થાવ મારો કહેવાનો મતલબ છે કે બેસી અને તેને સમજાવવું કે આ વ્યાજબી નથી. મારી તરફ એ બાટલી લંબાવે ત્યાં તો વચ્ચેથી ઝપટ મારી અને ચુનિયાએ બાટલી હસ્તગત કરી. અને કોઈ રાજકારણીને ચૂંટણી જીત્યાનો જેટલો આનંદ થાય તેટલો આનંદ તેના ચહેરા પર છવાઈ ગયો, પરંતુ બાટલી હાથમાં લઇ અને ગ્લાસની રાહ જોતો હોય તેમ ઘરધણી સામે અને મારી સામું જોયું. એટલે ઘરધણીએ કહ્યું કે ‘ખોલો અને ચાખો મારે કાયમ ગામડેથી આવી જ જાય છે’. ગ્રીન સિગ્નલની રાહ જોતી બુલેટ ટ્રેન જે ઝડપે સ્ટેશન છોડે એટલી ઝડપે ઢાંકણું ખોલી અને ચુનિયાએ બોટલ મોઢે લગાડી ત્યાં તો અંદરથી સુવા અજમા અને તલનો મુખવાસ ચુનિયાની મુછ અને દાઢીમાં સલવાતો સલવાતો નીચે પડ્યો. ચુનિયાએ મનોમન ઘરધણીને ઘણું સંભળાવ્યું હશે કે કોઈ વિસ્કીની ક્વાર્ટરમાં મુખવાસ ભરી અને કોઈની લાગણી સાથે આવી રીતે ચેડા કઈ રીતે કરી શકે? ગલોફુ આખું ભરાઈ ગયું હતું. એટલે ધીમે ધીમે ચાવતા ચાવતા કંઈક અસ્પષ્ટ બોલવાનો પ્રયત્ન કર્યો. હું વાતને સમજી ગયો. પહેલીવાર મને એવું થયું કે મોઢું ભરેલું હોય તો સાચી વાત બહાર આવતી નથી. અને તે ઘણીવાર ફાયદાકારક હોય છે. મેં બાટલી લઈ અને બંધ કરી. તેના દાઢી મૂછમાં ભરાઈ ગયેલા તલ, સુવા, અજમા કાઢી મારી હથેળીમાં લીધા. મને તો એકવાર એવું પણ થયું કે દાણા સાથે સાથે દાઢી મુછના બે ચાર વાળ પણ ખેંચી લવ. ખરેખર ઘરધણી પર પણ એટલો ગુસ્સો આવ્યો એ વાતમાં કાંઈ હતું નહીં તો આટલું બધું મોણ નાખવાનું કારણ શું? અને ચુનિયા પર પણ ગુસ્સો આવ્યો કે આટલી હદ સુધીનું વળગણ શું? જો કે ચુનિયો મિત્ર હોવાને કારણે દુ:ખ પણ થયું કે હવે સરકારને રૂબરૂ જઈ અને ભલામણ કરવી કે આવી દયામણી હાલત થાય તેના કરતાં થોડી છૂટછાટ મૂકો તો આ મુછ અને દાઢીમાં સલવાયેલા દાણા અમારે ખાવા ન પડે. જોકે સરકારે હેલ્થ પરમિટનું ઓપ્શન રાખેલ જ છે. તેમ છતાં એટલું કહી દઉં કે વ્યસનના ગુલામ થવું નહીં.
વિચારવાયુ
ચુનિયાએ નીટ ભર્યો એટલે મેં કહ્યું કે થોડું પાણી તો નાખ.
ચુનિયો: તો આ ભરેલો ગ્લાસ જોઈને મોઢામાં પાણી આવ્યું છે તેનું શું કરવું? બેય મિક્સ થઈને બહુ માઇલ્ડ નહીં થઈ જાય?