અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ
(૧) આવાહન, (ર) આસન, (૩) પાદ્ય, (૪) અર્ધ્ય, (પ) આચમન, (૬) મધુપર્ક, (૭) સ્નાન-વરૂણસ્નાન, પય:સ્નાન, દધિસ્નાન, ઘૃતસ્નાન, મધુસ્નાન, શર્કરાસ્નાન,ગંધાક્ષત, પુષ્પ, ગંધોદકસ્નાન, (૮) વસ્ત્રોપવસ્ત્ર, (૯) યજ્ઞોપવિત – અલંકાર, (૧૦) ગંધ,(૧૧) અક્ષત,(૧ર) પુષ્પ, દુર્વા-તુલસી,(૧૩) નાના પરિમલ વ્ય, (૧૩) ધૂપ, (૧૪) દીપ, (૧પ) નૈવેદ્ય-ઉત્તરાપોશાન, હસ્તપ્રક્ષાલન, મુખપ્રક્ષાલન,મુખવાસાર્થે ફલતામ્બૂલ, હિરણ્યદક્ષિણા, (૧૬) આરાર્તિક- નિરાજન, આરતી, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ, વિશેષાર્ધ્ય… એમ ભારતીય સનાતન હિન્દુ ધર્મમાં થતા ષ્ાોડષ્ાોપચાર દેવ પૂજનમાં નૈવેદ્યનું મહત્ત્વ ઓછું નથી. પરમાત્માને ભાવતાં ભોજન જમાડવાની પરંપરા લગભગ તમામ ધર્મ-પંથ-સંપ્રદાયોમાં આજે પણ જીવંત છે. છપ્પન ભોગ, અન્નકૂટના થાળ, બત્રીશ ભાતનાં ભોજન, તેત્રીશ જાતનાં પક્વાન્ન… એમ ભોજનના ષ્ાડ્રસ ‘થાળ’ રચનાઓ સ્વરૂપે આપણા મધ્યકાલીન સંત-ભક્તિ સાહિત્યના નવ રસોમાં પણ આલેખાતા આવ્યા છે.
‘જમવા પધારો નંદલાલ રે, મારી પ્રેમની થાળી, હાં રે રસોઈ મારે હાથે બનાવી, પ્રાણજીવન તમ કાજ રે… મારી પ્રેમની થાળી…’ જેવી અનેક રચનાઓ આપણને લોકજીવનમાં ગવાતી સાંભળવા મળે. આજે એમાંની કેટલીક રચનાઓનું આચમન આપણે કરીએ.
થાળ -૧
જમો જમો રે મારા જીવણ જુગતે,
ભોજનિયાં રસ ભરીયાં જી,
શાક પાક તમ સારુ ં પ્રીતમ કોડે કોડે કરીયાં રે…
મારા હરિ વર હેતે જમજો જી…
ગળિયાં તળિયાં તાજાં ને તાતાં,
કનક થાળમાં ધરીયાં જી,
આરોગો મારા નાથ અલોકીત,
ઘૃત ઝાઝાં ગેબરીયાં રે…
મારા હરિ વર હેતે જમજો જી…
કઢી વડી સામગરી કાજુ,
રાઈ તણાં દહી થરીયાં જી,
જોઈતો ઉપરથી રે લેજો પ્રભુ,
મીઠુ જીરુ ભરીયાં રે…
મારા હરિ વર હેતે જમજો જી…
બ્રહ્માનંદના નાથ આરોગ્યા,
ભાત દૂધ સાકરીયાં જી,
ચળું ક્યુર્ં રે હરિ તૃપત થઈ ને,
નીરખી લોચન ઠરીયાં રે…
મારા હરિ વર હેતે જમજો જી…
થાળ -ર
લાવે લાવે લટક્તી વ્રજ નાર્ય કે,
મેવા લાવે મીઠડા રે લોલ,
વાલા મારા! સંસારમાં એક સાર કે,
જેણે હરિ દીઠડા રે લોલ…
વાલા મારા! ભક્ત તણે ઘેર જાવો કે,
શીતળ સ્વભાવના રે લોલ,
વાલા મારા! પુષ્પે પત્રે જાવો કે,
ભૂખ્યા ભાવના રે લોલ…
વાલા મારા! શેરડી સાકર સાર કે,
દ્રાખ બીજોરડાં રે લોલ,
વાલા મારા! ગોળ પાપડી ગુંદરપાક કે,
મગદળ મસ મસે રે લોલ…
વાલા મારા! કોપરડાં, દૂધ પાક કે,
સાકરીયા ચણા રે લોલ,
શબરીનાં જૂઠાં પ્રાસ્યાં બોર કે,
કરમાની ખીચડી રે લોલ…
સુદામાના તાંદુલ આરોગ્યા મહારાજ કે,
ભરી એક મુઠડિ રે લોલ,
વાલા મારા! રાંક તણી મનોહાર કે,
માની લીજીએ રે લોલ…
વાલા મારા! રામ કૃષ્ણ જન રંક કે,
રતિ એક દીજીએ રે લોલ ,
વાલા મારા! જુમનાં જળ ભરી લાવુ કે
આચમન કીજીયે રે લોલ…
વાલા મારા! બતરીસ પાનની બીડી કે,
મુખવાસ લીજીયે રે લોલ,
વાલા મારા! પ્રાણજીવન આધાર કે,
દરશન દીજીએ રે લોલ… થાળ -૩
જમો મારા વ્હાલા! ચમ્મર ઢોળું,
જમો મારા ઠાકર ચમર ઢોળું…
પાતળી પોળીને ઘીમાં ઝબોળું,
જમો મારા વ્હાલા ચમ્મર ઢોળું..૦
દાળ ભાત હું તો ભાવે રે પીરસું,
વડાં વેઢમીને ચુરમા ચોળું…
કેરી કરમદાં અથાણાં લ્યો ને, જ
મુના જળમાં રંગ ભેર રોળું…
જમો મારા વ્હાલા ચમ્મર ઢોળું..૦
લવીંગ સોપારી ને એલચડી એવા,
પાનનાં બીડાં જોડી જોડી આલું…
કલ્યાણના સ્વામીને ઝાઝું શું કહીયે?
ક્યાં તારી સખીયોને ક્યાં તારું ટોળું….
જમો મારા વ્હાલા ચમ્મર ઢોળું..
થાળ -૪
હું તો વાટ જોઉં છું તમારી રે,
જમવા આવોને ગુરુ ગિરધારી…
હરજી હેતે પધાર્યા મારે ઘેર,
દાસ જાણીને કીધી મહેર,
મારે થઈ રહી લીલા લહેર રે…
જમવા આવોને ગુરુ ગિરધારી…૦
પ્રીતે કરવા માંડયાં પાક,
રસોઈ બતરીસ ને છન્નું શાક,
તળ્યા માલપુવાને દૂધ પાક રે…
જમવા આવોને ગુરુ ગિરધારી…૦
હરિને હરખે પૂછું વાત,
ભાવે તો ખાજો દાળ ને ભાત,
જમો પ્રેમ આણીને સાક્ષાત રે…
જમવા આવોને ગુરુ ગિરધારી…૦
જળ જમનાની ભરી લાવું ઝારી,
આચમન કરોને મંગલ કારી,
મુખવાસ આપું તે પાન સોપારી રે…
જમવા આવોને ગુરુ ગિરધારી…૦
નિરાંતના સ્વામી વાલા હેતે
પધાર્યા નંદજીના લાલા,
ક્ષણુ અળગા ન રહેશો કહાના કાલા… જમવા આવોને ગુરુ ગિરધારી…૦
થાળ -પ
જો જ્યો નાવતા રે સામી ભાળી ને મૈયાર…
પ્રભુ તમ કારણે રે કંચન બાજઠ ઢાળ્યા બહાર,
જળ તો મુકીયું રે પીજ્ો શીતળ ઠંડુગાર…
આવો અલબેલડા રે રીસ નહીં રાખશો લગાર,
છોરુડાં જાણીને રે કૃપા કરજો જુગદાધાર…
સોવ્રણ થાળમાં રે પીરસુ પ્રેમેં આણી હેત,
લાડુ લાપસી રે કીધી સાકરની સફેત…
પૂરી પીળી ને રે ઘીમાં ઝબોળી ઝાકમ ઝોળ,
પેંડા પકોડીઓ રે દૂધ તો કેસર રાતું ચોળ…
બરફી ઘારી ને રે દૂધપાક બાસુંદી છે સાર,
શીખંડ છીણીયો રે અથાણાં મૂક્યાં છે અપાર…
કેરી કાકડી રે રાયતી એ થીયુ રસાદાર,
રસ તો ઘોળીયો રે મીઠો કેરીનો આવાર…
શાક બહુ લાવીયો રે કીધાં ઘી તેલે તેયાર,
કાચલી કડક ખરી રે પાપડ પોચા હોય બહાર…
વંતાક વઘારીયાં રે, પ્રીતે પ્રભુ તમારે કાજ,
ભાત તો મુકીયો રે જમજો પ્રેમેથી મહારાજ…
દાળ તો વાલની રે કઢીયે કીધો આડો આંક,
જમતાં રાખજો રે સેવક સારુ વ્હાલા ટાંક…
સાકરીયા ટોપરુ રે મૂક્યો થાળ ભરીને ત્યાં ય,
થોડો થોડો આપીને રે સૌને આનંદ આપો આંય…
આચમન કીજીયે રે મુખવાસ આપુ લ્યો ગોપાળ,
બીડી પાનની રે ચાવો નંદજીના બાળ…
પોઢો પ્રીતેથી રે મનમાં આણી અમપર મેહેર,
માણેક રામ તાહ્યરો રે સૌને કરજો લીલા લેહેર…