જો હોગા દેખા જાયેંગા, પણ ભાજપ સાથે તો ક્યારેય જઈશું નહીં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન કરાવવા માટે વિપક્ષો કમર કસી રહ્યા છે, જેમાં રોજ સરકારના પતન અને નવા મુખ્ય પ્રધાનના અહેવાલ વચ્ચે બારસુ ખાતેની રિફાઈનરી મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાવિ મુખ્ય પ્રધાન અંગેના તાજેતરના સર્વેની સાથે આ મુદ્દે શિવસેનાના સાંસદ સંજય રાઉતે યૂ-ટર્ન લેતા કહ્યું હતું કે અજિત પવારમાં સીએમ બનવાની ક્ષમતા છે. ચાર વખત નાયબ મુખ્ય પ્રધાન પણ બની ચૂક્યા છે. વિપક્ષના નેતાના પદેથી સારું કામ કરી ચૂક્યા છે. અજિત પવાર અનુભવી પણ છે તો પછી કેમ બની શકે નહીં સીએમ. ચોક્કસ બની શકે છે મુખ્ય પ્રધાન. અજિત પવાર સાથે થયેલા મતભેદ મુદ્દે તેમણે કહ્યું હતું કે અજિત પવાર મારા મિત્ર છે. એક દિવસ પહેલા મારી સાથે ડીનર કર્યું હતું.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથની વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે, જેમાં આજે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે ભાજપની નીતિ અને ભવિષ્યમાં તેની સાથે જવાની મનાઈ કરી હતી.
એક ઈન્ટરવ્યૂમાં સંજય રાઉતે કહ્યું હતું કે ભાજપ સાથે સંબંધ પૂરા થયા છે અને એ અમારી બાજુથી નહીં, પરંતુ તેમની તરફથી થયું છે અને અમને પણ અમારું સ્વાભિમાન છે. અમે ફરી તેમના દરવાજે જવાના નથી અને અમે તેમને આવવા દઈશું નહીં, જે થશે એ જોયું જશે. ભાજપ હવે બદલાનું રાજકારણ રમી રહ્યું છે. ભાજપે જે રીતે અમારી પાર્ટી તોડી છે અને નિશાન છીનવ્યું છે એ ફક્ત બદલાની નીતિ હતી. શું તમને જેલમાં ધકેલવાને કારણે ભાજપથી નારાજ છો એ સવાલનો હકારમાં જવાબ આપતા રાઉતે કહ્યું હતું કે જે રીતે મારા પર, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અને કોંગ્રેસના નેતાઓ પર એજન્સી મારફત ખોટી કાર્યવાહી કરવામાં આવતી હોવાથી તેમનાથી ખુશ નથી. તમે કાં તો પાર્ટી બદલો, ચૂપ બેસો નહીં તો જેલમાં ધકેલશે બસ, આવી ભાજપની નીતિ છે.
બારસુ મુદ્દે મહાવિકાસ આઘાડીમાં મતભેદો?
મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલી બારસુ રિફાઈનરીને લઈને રાજકારણ ગરમાયું છે. બારસુ રિફાઈનરી સામે આજે સ્થાનિક નાગરિકો દ્વારા મોરચો કાઢવામાં આવશે, જ્યારે આજે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનાયક રાઉતની પોલીસે અટક કરી હતી. આ મુદ્દે મહાવિકાસ અઘાડી (એમવીએમ)માં મતભેદો જોવા મળી રહ્યા છે. આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના પ્રમુખ શરદ પવારે અલગ-અલગ નિવેદનો આપ્યા છે. આવી સ્થિતિમાં એવું કહેવાય રહ્યું છે કે શું એમવીએમાં બારસુ રિફાઈનરી મુદ્દે મતભેદો વકર્યાં છે? રિફાઈનરી મુદ્દે શરદ પવારે કહ્યું હતું કે કંઈ પણ કરતા પહેલા સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ. સરકાર, પ્રશાસન અને વિરોધ કરી રહેલા સ્થાનિક નાગરિકોએ એકબીજા સાથે બેસીને વાત કરવી જોઈએ. પછી કદાચ આ સમસ્યાનો ઉકેલ આવી શકે. જો કે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આ મુદ્દે અલગ નિવેદન આપ્યું છે.
સંજય રાઉતે કહ્યું કે ગઈ કાલે મેં શરદ પવારને સાંભળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લો, તેમની સાથે વાત કરો. સંજય રાઉતે શરદ પવારને સવાલ કરતા કહ્યું હતું કે આખરે શું કરવું?’ સંજય રાઉતે કહ્યું કે સ્થાનિક લોકોને શિંદે-ફડણવીસ સરકાર પર વિશ્વાસ નથી. .