મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી હવે મહારાષ્ટ્રના સ્પીકરના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે, કારણ કે કોર્ટે શિંદે જૂથના 16 વિધાનસભ્યની યોગ્યતા અંગે નિર્ણય લેવાનો છે. એની વચ્ચે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા અજિત પવારે સૌથી મોટો દાવો કર્યો છે. અજિત પવારે સૌથી મોટા દાવો કરતા કહ્યું છે કે 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવ્યા પછી પણ શિંદે-ફડણવીસની સરકાર પડી નહીં. તેમણે કહ્યું હતું કે સરકારને કોઈ ખતરો નથી. જોકે, તમણે દાવો કયા આધારે કર્યો એ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી.
સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના 16 વિધાનસભ્યના સભ્યપદ પર નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને સોંપ્યો હતો. ત્યાર પછી વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે આ કોર્ટના આદેશ અનુસાર ઝડપથી નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દે બિલકુલ નિષ્પક્ષ નિર્ણય લેવામાં આવશે અને કોઈ દબાણને વશ થવામાં આવશે નહીં. તેઓ કોઈ દબાણ સામે ઝૂકશે નહીં. નાર્વેકરે કહ્યું હતું કે પ્રક્રિયા પૂરી કરવા માટે હજુ સમય લાગશે લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સ્પીકર કોઈ પક્ષનો હોતો નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. વિધાનસભાના સ્પીકરે કહ્યું હતું કે આ પદ પર બિરાજમાન કોઈ પણ વ્યક્તિ બંધારણમાં સમાવિષ્ટ ધોરણો અનુસાર નિર્ણયો લે છે.
આ મુદ્દે અગાઉ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાહુલ નાર્વેકરને આ મુદ્દે ઝડપથી નિર્ણય લેવાનો અનુરોધ કર્યો હતો અને તેની સાથે ચેતવણી આપી હતી કે જો નિર્ણય ખોટો લેવામાં આવ્યો હતો કોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠક છે, જ્યારે બહુમત માટે 145 બેઠક માન્ય છે. મહારાષ્ટ્રમાં ફડણવીસ અને શિંદે સરકારની સ્ટ્રેંથ 166 સભ્યની છે, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સ્ટ્રેંથ 120 છે. હાલમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના 104 અને શિવસેના (શિંદે)ના 40 વિધાનસભ્ય છે, જ્યારે બહુજન વિકાસ આઘાડીના ત્રણ, પ્રહાર જનશક્તિ પાર્ટીના બે, રાષ્ટ્રીય સમાજ પક્ષનો એક, જનસુરાજ્ય શક્તિ પાર્ટી એક, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની એક અને અપક્ષની 13 બેઠક છે. બીજી બાજુ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં શિવસેના (16), કોંગ્રેસ (45), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (53), સમાજવાદી પાર્ટી (2), માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (1), શેતકરી કામગાર પક્ષ (1), ક્રાંતિકારી શેતકરી પાર્ટી (1), વિપક્ષ (એક) સહિત અન્ય એઆઈએમઆઈએમ (2) છે.