ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ઐસા કુછ ભી નહીં જિંદગી મેં
કિ હર જાનેવાલી અર્થી પર
રોયા જાયે.
સાંપ નહીં મરતા અપને વિષ સે
ફિર મન કી પીડાઓં કા ડર કયા,
જબ ધરતી પર હી સોના હૈ તો
ગાંવ, નગર, ઘર, ભીતર, બાહર ક્યા?
પ્યાર બિના દુનિયા કો
નર્ક બનાને વાલા સુન!
ઐસા કુછ ભી નહીં બંધનો મેં
કિ સારી ઉમ્ર કિસી કા ભી હોયા જાયે.
– કૈલાસ વાજપેયી
કોઈ પણ દેશના સાંસ્કૃતિક ધબકારા સાંભળવા માટે તેના સાહિત્યની નાડી પર આંગળીઓ રાખવી જરૂરી છે. વળી સાંપ્રત સમયને સમજવા માટે સાહિત્યની કૃતિઓ ખૂબ જ મદદે આવતી હોય છે. કૈલાશજીની કવિતા આ ભૂમિકા પર ઊભી રહી દિશાસૂચન કરી શકે તે સ્તરની છે. આ સંવેદનશીલ કવિની કવિતામાં કલ્પના અને વાસ્તવનો અજબ સમન્વય વણાયેલો માણી શકાય છે.
હિન્દી ભાષાના વરિષ્ઠ કવિ કૈલાશ વાજપેયીનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૪ના રોજ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં થયો હતો. આ સાહિત્યકારે ઈ. સ. ૧૯૬૦માં ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની પ્રકાશન સંસ્થામાં જોડાઈને કારકિર્દીના મંડાણ કર્યા હતા.
ઈ.સ. ૧૯૬૩માં “આધુનિક હિન્દી કવિતામાં શિલ્પ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે દિલ્હી વિશ્ર્વવિદ્યાલયની વિવિધ કોલેજોમાં અધ્યાપન કર્યું હતું.
ભારતીય સંસ્કૃતિના મર્મજ્ઞ અને કવિના રૂપમાં તેમણે અઢળક ખ્યાતિ- લોકપ્રિયતા રળી હતી. તેમની કવિતાનું પ્રથમ પુસ્તક ‘સંક્રાન્ત’ ઈ.સ. ૧૯૬૪માં પ્રગટ થવાની સાથે જ હિન્દી કવિતાજગતમાં તેઓ છવાઈ ગયા હતા.
આ પછી ‘દેહાંત સે હટ કર’ (૧૯૬૮), ‘તીસરા અંધેરા’ (૧૯૭૨), ‘મહાસ્વપ્ન કા મધ્યાંતર’ (૧૯૮૦), ‘પ્રતિનિધિ કવિતાએં’ (૧૯૮૮), ‘સૂફીનામા’ (૧૯૯૨), ‘ભવિષ્ય ઘટ રહા હૈ’ (૧૯૯૯), ‘હવા મેં હસ્તાક્ષર’ (૨૦૦૫), ‘શબ્દ સંસાર’ (૨૦૦૬), ‘અનહટ’ (૨૦૦૭) શીર્ષક હેઠળ તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. તેમના પ્રબંધ કાવ્યનું પુસ્તક ‘પૃથ્વી કા કૃષ્ણ પક્ષ’ (૧૯૯૫) રુસી, જર્મન, ડેનિશ, સ્વીડિશ અને ગ્રીક ભાષામાં પ્રગટ થયું છે.
તેમનો ‘મોસ્કો મેં દિલ્લી કે દિન’ કાવ્યસંગ્રહ રુસી ભાષામાં પ્રકાશિત થયો છે. તેમણે ‘ઈન્ડિયન પોએટ્રી ટુડે’ (૧૯૭૬), ‘વિઝન્સ એન્ડ મિથ્સ’ (૧૯૭૯) તથા ‘મોતી સુખે સમુદ્ર કા’ (૧૯૮૮) નામના સંપાદિત અને અનુવાદિત કાવ્યસંગ્રહોનું યોગદાન આપ્યું છે.
તેમના નિબંધ સંગ્રહોમાં ‘સમાજ દર્શન ઔર આદમી’ (૧૯૯૫), ‘આધુનિકતા ઉત્તરોત્તર’ (૧૯૯૬) અને ‘એન્થોલોજી ઓફ મોડર્ન હિન્દી પોએટ્રી’ (૧૯૯૬)નો સમાવેશ થાય છે. તેમણે ‘યુવા સંન્યાસી: વિવેકાનંદ’ (૧૯૯૧) અને દર્શન વિશેના ૩ પુસ્તકો આપ્યા છે.
આ સર્જક મીડિયા સાથેય સંકળાયેલા રહ્યા હતા. તેમણે દિલ્હી દૂરદર્શન માટે કબીર, હરિદાસ સ્વામી, સૂરદાસ, જે. કૃષ્ણમૂર્તિ, રામકૃષ્ણ પરમહંસ અને બુદ્ધનાં જીવન-દર્શન પર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
તેમણે ભારત ઉપરાંત ચેકોસ્લોવેકિયા, ફ્રાન્સ, જર્મની, સ્વીડન વગેરે દેશોમાં કાવ્ય-પઠન કર્યું હતું. અનેક પુરસ્કારોથી તેઓ વિભૂષિત થયા હતા.
તેમને ૧૯૯૫માં હિન્દી અકાદમી સન્માન અને ૨૦૦૨ની સાલમાં વ્યાસ સન્માન મળ્યું હતું. ઈ.સ. ૨૦૦૯માં તેમના કાવ્યસંગ્રહ ‘હવા મેં હસ્તાક્ષર’ને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ એનાયત થયો હતો.
આ પ્રતિભાશાળી કવિને એસ. એસ. મિલેનિયમ એવૉર્ડ (૨૦૦૦), હ્યુમન કેર ટ્રસ્ટ એવૉર્ડ (૨૦૦૫) અને વિશ્ર્વ હિન્દી સાહિત્ય શિખર સન્માન (૨૦૦૮) એનાયત થયા હતા.
૧, એપ્રિલ ૨૦૧૫ના રોજ હૃદય બંધ પડી જવાથી તેમનું અચાનક દેહાવસાન થયું હતું.
‘ઐસા કુછ ભી નહીં’ શીર્ષક હેઠળની તેમની લાંબી કવિતાના ટુકડાનું હવે રસદર્શન કરીશું:
“કાટો બીચ ઉગી ડાલી પર
કબ જાગી થી જો કોમલ ચિન્ગારી,
વો કબ ઉગી ખિલી, કબ મુરઝાઈ
યાદ ન યે રખ પાઈ ફુલવારી.
ઓ સમાધિ પર
ધૂપ – ધુઆં સુલગાને વાલે સુન!
ઐસા કુછ ભી નહીં રૂપશ્રી મેં
કિ સારા યુગ
ખંડહરોં મે ખોયા જાયે.
સૂરજ કી સોનિલ શહતીરોં ને
સાથ દિયા કબ અંધી આખોં કા,
જબ અંગુલિયાં હી બેદમ હોં તો
દોષ ભલા ફિર કયા સૂરાખોં કા,
અપની કમજોરી કો!
કિસ્મત કહરાને વાલે સુન,
ઐસા કુછ ભી નહીં કલ્પના મેં
કિ ભૂખે રહ કર ફૂલોં પર
સોયા જાયે.
***
કેવળ હતાશા નહીં પણ આશાનો સૂર અહીં સાંભળવા મળે છે. આમ ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલો આશાવાદી સૂર અહીં વ્યક્ત કરાયો છે. આ કવિતામાં કૈલાશજી યથાર્થવાદી કવિના રૂપમાં ઉભરી આવ્યા છે.
ભાષાની સરળતા અને ભાવનું ઊંડાણ તેમાંથી પામી શકાય છે.
તેમના કાવ્યસંગ્રહ ‘સૂફીનામા’માંથી તેમની એક કવિતાનો રસાસ્વાદ કરીએ. ‘જબ તુમ્હે પતા ચલતા’ શીર્ષક અંતર્ગત આ કવિતા માનવજીવનની કેટલીક અટકળ સાથે સર્જાયેલી છે.
આ કવિતાનું શીર્ષક જ ભાવકોના
દિલ-દિમાગનો કબજો લઈ લે છે અને અનાગતના પ્રદેશમાં વિહાર કરવા માટે મજબૂર કરે છે. ચાલો, તે કવિતા તરફ પ્રયાણ કરીએ:
અગર તુમ્હે ગર્ભ મેં પતા ચલતા,
જિસ ઘર મેં તુમ હોને વાલે હો
નમાજ નહીં પઢતા
વહાં કોઈ યજ્ઞ
હોમ કીર્તન નહીં હોતા,
કોઈ નહીં જાતા રવિવાર કો
ગિરિજાઘર યા ગ્રંથપાઠ મેં.
અગર તુમ્હેેં યહ પતા ચલતા
પેટ કે નિરાધ ઔર
પર્વ કે હિસાબ સે
અધેડ બાપ
કભી બનાતા હૈ
રંગીન કાગઝ કે તાજિએ,
ઈસા કા તારા,
કભી દુર્ભા, ગણેશ
કભી ઉંચાઈ કો થાહતે
સિર્ફ આકાશદીપ
નીલે હરે જોગિયા,
અગરે તુમ્હેં યહ પતા ચલતા
તબ તુમ કયા કરતે?
કયા ર્માં બદલતે?
***
માણસ ભલે ગર્વ કરે કે તે ધારે-ઈચ્છે તે કરી શકે છે. પણ તે અમુક હદથી વધુ કશું કરી શકતો નથી ત્યારે તેની ભ્રમણના ચૂરેચૂરા થઈ જતા હોય છે. કેમ કે છેવટે તો બધુ જ ઉપરવાળાના હાથમાં હોય છે. તે જેમ રમાડે તેમ માનવજાતે રમવાનું હોય છે. તેની મરજીથી જ માણસના શ્ર્વાસોચ્છવાસ ચાલતા હોય છે. કૈલાશજીએ ઉપરોક્ત કવિતામાં આ મુદ્દા તરફ સંકેત માત્ર કર્યો છે.
આ કવિએ અનેક વખત વિદેશ યાત્રા કરી હતી અને તેમાંથી કેટલાક પ્રવાસ કાવ્યો નીપજી આવ્યાં હતાં. આ પ્રકારનાં કાવ્યોમાં જે તે દેશની પ્રકૃતિશ્રી અને સંસ્કૃતિ સાથે ત્યાંની અદ્યતન ટેકનોલોજીનાં વર્ણનો પણ આલેખાયાં છે.
‘લંડન કી ડાકમીનાર’ શીર્ષક હેઠળનું લઘુકાવ્ય આ પ્રકારની કૃતિ છે. ટેકનોલોજી અને બાંધકામના ઉદ્યોગોએ જે હરણફાળ ભરી છે અને ગગનચુંબી ઈમારતોની રચના થઈ રહી છે તે મુદ્દા પર વાજપેયીજીએ જબરો કટાક્ષ વેર્યો છે.
સમાપ્તિમાં હવે તે કવિતા પાસે જ વિસામો લઈએ:
ઉંચાઈ હૈ યા મઝાક?
યહ કૌન સી
ઈન્જીનિયરી હૈ
કિ
નીચે સે ઉપર
દેખને કે લિયે
લેટના જરૂરી હૈ?