ઘણી વખત લોકો લગ્ન અથવા અન્ય કોઈ ફંક્શન પર તેમના ઘરે અથવા ઓફિસ વગેરેમાં પાર્ટીનું આયોજન કરે છે. આ માટે ત્યાં ડેકોરેશન પણ કરવામાં આવે છે અને જો પાર્ટી રાતના સમયે હોય તો તો ખાસ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. આજકાલ તો ડેકોરેશન માટે ખાસ પ્રકારની લેઝર લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, જો તમારા ઘરની ટેરેસ પરથી વિમાન ઉડતું હોય અથવા તમારું ઘર એરપોર્ટની નજીક હોય, તો તમારે આ લાઈટિંગનું ડેકોરેશન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે આપણે અહીં એના જ વિશે વાત કરીશું કે આખરે શું થાય જો આકાશમાં ઊડી રહેલી ફ્લાઈટ પર આ લેઝર લાઈટ પડે કે આ લેઝર લાઈટ ફ્લાઈટ પર મારવામાં આવે?
ડેકોરેશન કરતી વખતે તમારે ખાસ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારી આ લેઝર લાઇટ પ્લેન પર ન પડે, જો આવું થયું તો તમારે જેલ પણ જવું પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2021માં ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા દરમિયાન, ઘણા પાઇલટ્સે ફરિયાદ કરી હતી કે જ્યારે તેઓ તેમના ફ્લાઈટ લેન્ડ કરી રહ્યા હતા, ત્યારે લેસર લાઇટને કારણે તેમનું ધ્યાન ભટકી રહ્યું હતું. આ પહેલાં ઓગસ્ટ 2017માં ઈન્ડિગોના એક પાઈલટે દિલ્હી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલરને પણ આ જ પ્રકારની ફરિયાદ કરી હતી. પાઈલટ્સ તરફથી આવી ફરિયાદો મળ્યા બાદ આખરે ગયા વર્ષે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતીય એરપોર્ટની આસપાસના નિયમોમાં ફેરફાર કર્યો હતો અને વિમાન પર લેઝર લાઇટ ફ્લેશ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ટૂંકમાં કહેવાનું થાય તો હવે આવું કરનારને જેલ થઈ શકે છે.
મંત્રાલય દ્વારા ગયા વર્ષે 6ઠ્ઠી જુલાઈના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એરક્રાફ્ટ રૂલ્સ, 1937માં સુધારાની માંગણી કરવામાં આવી હતી અને એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કે જો લેઝર લાઇટનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઓળખ થાય તો તેને પહેલા કેન્દ્ર સરકારના અધિકારી તરફથી નોટિસ આપવામાં આવશે. જો આવી વ્યક્તિ નોટિસ મળ્યાના 24 કલાકની અંદર લેઝર લાઈટ બંધ નહીં કરે તો કેન્દ્ર સરકાર તેની સામે નક્કર પગલાં લઈ શકે છે. આ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી શકાય છે.
હવે તમને થશે કે આખરે આ લેઝર લાઈટને લઈને આટલા કડક નિયમો કેમ બનાવવામાં આવ્યા છે, બરાબર ને? વાત જાણે એમ છે કે લેઝર લાઇટનો પ્રકાશ ખૂબ દૂર જાય છે. એરપોર્ટ પર સતત વિમાનોની અવરજવર થતી હોય છે. એરપોર્ટની આજુબાજુમાં આવી લેઝર લાઈટ્સને કારણે પાઈલટને મુશ્કેલી પડે છે, જે ટેક ઓફ અને લેન્ડિંગ બંને માટે જોખમી છે. આને કારણે પ્લેન ક્રેશ પણ થઈ શકે છે. એટલે હવે લેઝર લાઈટનો ઉપયોગ કરતાં પહેલાં આ વાતની ચોક્સાઈ કરજો કે આ લેઝર લાઈટની અસર ફ્લાઈટ પર ન થવી જોઈએ.