નવી દિલ્હી: ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એક વખત એરલાઈન્સની બેદરકારીનો અનુભવ પ્રવાસીઓને થયો હતો. એરપોર્ટ પર ફ્લાઇટમાં 200થી વધુ મુસાફરોએ પાંચ પાંચ કલાક સુધી કેદમાં ખાધા પીધા વિના રહેવું પડ્યું હતું. આ ઘટનાને પગલે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરો રવિવાર-સોમવારની મધ્યરાત્રિથી ફ્લાઇટમાં હતા. બાદમાં, ફ્લાઇટમાં પ્રવાસીઓએ કરેલી ધમાલને પગલે એરલાઇન્સે મુસાફરોને ખાવાનું આપ્યું હતું.
આ ઘટના રવિવાર અને સોમવારની મધરાત્રે દિલ્હી એરપોર્ટના ટી-3 પર બની હતી. મળી રહેલી માહિતી અનુસાર, થાઇ એરવેઝની ફ્લાઇટ નંબર-ટીજી -316 મધરાતે ટી -3 થી ટેક ઓફ કરવાની હતી. આ ફ્લાઈટમાં 223 મુસાફરો હતા. ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે ટેક ઓફ માટે તૈયાર હતી. પરંતુ જ્યારે પાઇલટે ફ્લાઈટને રનવે પર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પ્લેનના બ્રેક્સમાં કોઈ સમસ્યા છે એવું જાણવા મળ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્લાઇટ એન્જિનિયરે અગાઉ પ્લેનનું નિરીક્ષણ કર્યું હતું અને તેને ટેક-ઓફ માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેમ છતાં, જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી એ પહેલાં જ પાઈલટને પ્લેનની બ્રેકિંગ સિસ્ટમમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેની જાણ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને આપવામાં આવી નહોતી. ફ્લાઇટ વહેલી સવારે 3.30 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ આ બધી ધમાલને પગલે આખરે સવારે 7 વાગ્યે ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતું.