(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની હવા ફરી એક વખત ઝેરી બની ગઈ છે. મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયું છે. મુંબઈનો શનિવારે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ 304 જેટલો ઊંચો નોંધાયો હતો. સૌથી ઉંચો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ચેંબુરમાં 329 નોંધાયો હતો. આગામી બે દિવસમાં મુંબઈની હવા વધુ જોખમી બનવાની શક્યતા છે.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી હવાની ગુણવત્તાનું સ્તર એકદમ કથળી ગયું છે. પ્રદૂષણમાં થઈ રહેલા વધારાને પગલે આગામી બે દિવસમાં મુંબઈની હવા અતિ જોખમી બની રહેવાની શક્યતા છે.
આખો દિવસ સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. દિવસભર વાતાવરણ એકદમ ધુંધળું રહ્યું હતું. પ્રદૂષણને કારણે વિઝિબિલિટી બહુ ઓછી હતી. તેથી વહેલી સવારે અને રાતના હાઈવે પર તથા રસ્તા પર વાહનોને ભારે તકલીફ થઈ હતી. તો ફ્લાટઈના શેડ્યુલને પણ અસર થઈ હતી.
હવાની ગુણવત્તા પર નજર રાખનારી સંસ્થા ‘સફર’ના કહેવા મુજબ શનિવારે સૌથી ઊંચો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ચેંબુરમાં 329 રહ્યો હતો. કોલાબા 324, મઝગાંવ 325, વરલી 204, બીકેસી 300, અંધેરી 276, ભાંડુપ 228 અને મલાડ 305 જેટલો ઊંચો રહ્યો હતો. તો નવી મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ 330 જેટલો ઊંચો રહ્યો હતો.
ઉત્તર ભારતમાં વધી રહેલી ઠંડીની અસર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ વર્તાઈ રહી છે. ઠંડી વધવાની સાથે જ વાતાવરણમાં હવાની ગતિ ધીમી પડી છે. તેને કારણે વાતાવરણમાં રહેલા ધૂળ અને રજકરણો પવનની સાથે આગળ વધતા નથી અને વાતાવરણમાં નીચલા સ્તરે જ હોય છે. તેથી પ્રદૂષણનું પ્રમાણ વધી જતું હોય છે.