નવી દિલ્હીઃ એર ઈન્ડિયાએ 500 નવા એરક્રાફટ ખરીદવાની ડીલ કરી છે તથા આ ડીલનું કદ 100 અબજને પાર થઈ શકે છે, જ્યારે આ ડીલ પણ સિવિલ એવિયેશનના ઈતિહાસની સૌથી મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડીલ અન્વયે એર ઈન્ડિયા ફ્રાન્સની એરબસ કંપની અને અમેરિકાની બોઈંગ કંપની પાસેથી એરક્રાફટ ખરીદશે.
અમેરિકન એરબેઝ કંપની બોઈંગ પાસેથી ટાટાની માલિકીની એર ઈન્ડિયા 220 એરક્રાફટ ખરીદશે. આ ડીલ મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે અમેરિકા ભારતની સાથે પોતાની ભાગીદારીને વધુ મજબૂત કરવાની અપેક્ષા રાખે છે. બોઈંગ પાસેથી ખરીદવામાં આવનારા 220 વિમાનમાંથી 190 વિમાન 737 મેક્સ નેરોબોડી જેટ્સ હશે, જ્યારે 20 વિમાન 787 વાઈડબોડી જેટ્સ અને 10 777એક્સએસ વિમાન હશે. હાલના તબક્કે એટલું કહી શકાય કે આ ઓર્ડરમાં ફેરફાર પણ થઈ શકે છે. આ મુદ્દે ટાગા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરે કહ્યું હતું કે ડીલમાં 40 વાઈડ બોડી એ350 એરક્રાફટ અને 210 નેરોબોડી સિંગલ આઈજલ એ320 નિયોસ એરક્રાફટનો સમાવેશ થાય છે. આ ડીલ દુનિયાની સૌથી મોટી એવિયેશન ડીલ છે. એર ઈન્ડિયા-એરબસ પાર્ટનરશિપના લોન્ચ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. અહીંના કાર્યક્રમ વખતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રો અને રતન ટાટા પણ હાજર રહ્યા હતા. અહીં એ વાત પણ જણાવવાની કે 27 જાન્યુઆરી, 2022થી એર ઈન્ડિયા પ્રાઈવેટ થઈ છે તથા ટાટા ગ્રૂપે 18,000 કરોડ રુપિયામાં ટેકઓવર કરી હતી.