નવી દિલ્હીઃ ગયા વર્ષે 26મી નવેમ્બરે ન્યૂયોર્કથી નવી દિલ્હીની આવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના કેસના આરોપી શંકર મિશ્રા સામે કાર્યવાહી કરતા ચાર મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના સીઈઓના સ્તરે યોજવામાં આવેલી ઈન્ટરનલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ શંકર મિશ્રા પર ચાર મહિના પ્રતિબંધ મૂક્યો છે અને અન્ય એરલાઈન્સ પણ મિશ્રા પર બેન લગાવી શકે છે, એમ ડીજીસીએ (ડિરેક્ટોરેટ ઓફ જનરલ સિવિલ એવિયેશન)ના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે સાતમી જાન્યુઆરી બેંગલુરુથી આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના 42 દિવસ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના રહેનારા શંકર મિશ્રા નિરંતર ફરાર હતા ત્યારબાદ તેમની સામે લૂકઆઉટની નોટિસ જારી કરવામાં આવી હતી. જોકે, પોલીસે તેના મોબાઈલના લોકેશનના આધારે એરેસ્ટ કરી હતી. આ કેસમાં મહિલાએ ક્રૂ મેમ્બરને લેખિતમાં ફરિયાદ કરી હતી. 26મી નવેમ્બરે એર ઈન્ડિયાની ન્યૂયોર્કથી દિલ્હી ફ્લાઈટ જતી હતી ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરનારા નશામાં ચકચૂર શંકર મિશ્રાએ 70 વર્ષીય વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી સામે આઈપીસી 354, 294, 509 અને 510 અન્વયે કેસ નોંધ્યો હતો, જ્યારે બુધવારે દિલ્હી પોલીસે પીડિત મહિલાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું તથા પોલીસે એમ પણ કહ્યું હતું કે મહિલા પોલીસ તપાસમાં સહયોગ આપતા નથી.