નવી દિલ્હી: નાદારીની પ્રક્રિયા આરંભી ફ્લાઈટ રદ કરવાનું ગો ફર્સ્ટ ઍરલાઈન્સે લીધેલું પગલું ઍરલાઈન્સ ઉદ્યોગ માટે ખરાબ હોવાનું જણાવતાં ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઑફ ઈન્ડિયા (ટીએએઆઈ)એે જણાવ્યું હતું કે ગો ફર્સ્ટના આ નિર્ણયને કારણે એરલાઈન્સની પ્રવાસીઓની વહન કરવાની ક્ષમતામાં ઘટાડો થશે, જેને કારણે ચોક્કસ માર્ગ પર વિમાનનાં ભાડાંમાં વધારો થશે.
પી ઍન્ડ ડબ્લ્યુ એન્જિન પુરવઠાની સમસ્યાને કારણે અડધોઅડધ વિમાનો ભૂમિગત કરવાને કારણે નિર્માણ પામેલી ગંભીર આર્થિક કટોકટીને પગલે ગો ફર્સ્ટ એરલાઈન્સે ત્રણ મેથી શરૂ કરીને ત્રણ દિવસ સુધીની તમામ ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આ ઉપરાંત વાડિયા ગ્રૂપની માલિકીની આ એરલાઈન્સે સ્વૈચ્છિક રીતે નાદારીની પ્રક્રિયા આરંભવાનો નિર્ણય
લીધો હતો.
એરલાઈન્સ ઉદ્યોગ માટે આ ખરાબ બાબત છે. આ ખૂબ જ નાજુક ઉદ્યોગ છે. કિંગફીશર એરલાઈન્સ અને જૅટ ઍરવેઝમાં અમે કરોડો રૂપિયા ગુમાવ્યા છે અને હવે વધુ એક એરલાઈન્સ નાદારી જાહેર કરવા જઈ રહી છે, એમ ટીએએઆઈના પ્રમુખ જ્યોતિ માયાલે સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
સ્થાનિક સ્તરે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તેવા સમયે ગો ફર્સ્ટ એરલાઈન્સની સમસ્યા સપાટી પર આવી છે.
ગો ફર્સ્ટ એરલાઈન્સ ૧૭ કરતા પણ વધુ વર્ષથી સેવા આપી રહી છે.
હાલ વેકેશનનો સમય હોવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે તેવા જ સમયે ગો ફર્સ્ટ એરલાઈન્સે ફ્લાઈટ રદ કરવાના લીધેલા નિર્ણયને પગલે આવનારાં અઠવાડિયાઓમાં વિમાનનાં ભાડાંમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે.
ગો ફર્સ્ટ એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ રદ કરવામાં આવી હોવા અંગે ટીએએઆઈએ ચિંતા વ્યક્ત કરી હતી.
દરમિયાન, ગો ફર્સ્ટના વડા કૌશિક ખોનાએ કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવા બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. (એજન્સી)