એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં સાયબર સિક્યુરિટી બહુ મોટી સમસ્યા છે. આ વાતનો પરચો આપણને છાસવારે મળ્યા કરે છે ને દેશની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ એવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)નું સર્વર હેક થતાં ફરી એ પરચો મળી ગયો છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)નું સર્વર છ દિવસ પહેલાં હેક થયેલું ને તેના કારણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ની આખી સિસ્ટમ ઠપ્પ થયેલી છે. આપણે સર્વર ચાલુ કરવા ફાફાં મારતા હતા પણ મેળ નહોતો પડતો. હવે સર્વર પર હુમલો કરનારા હેકર્સે સર્વર હેક થયાનું એલાન કર્યું અને સર્વરનો ડેટા નહીં ચોરવા કે કોઈ નુકસાન કરવા બદલ ક્રિપ્ટો કરન્સીમાં ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી છે.
એઈમ્સનું સર્વર હેક થતાં આખું તંત્ર દોડતું થઈ ગયું છે કેમ કે તેમાં વર્તમાન વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અને તમામ મંત્રીઓ સહિતના મહાનુભાવોનો હેલ્થનો ડેટા તો છે જ પણ ભૂતપૂર્વ વડા પ્રધાનો, મંત્રીઓ, અધિકારીઓ તેમજ ન્યાયાધીશો સહિત હજારો વીઆઇપીના ડેટા પણ છે. આ સિવાય મોટી સંખ્યામાં સામાન્ય દર્દીઓના પણ ડેટા છે. સાઈબર એક્સપર્ટ્સને આશંકા છે કે આ હુમલાના કારણે આશરે ત્રણ-ચાર કરોડ દર્દીઓનો ડેટા લીક થઇ શકે છે.
આ હેકર્સને સરકાર ખંડણી ચૂકવે એવી શક્યતા ઓછી છે પણ બીજી તરફ સિસ્ટમ ફરી શરૂ થશે કે નહીં એ અંગે પણ અવઢવ છે. અત્યારે તો એનઆઇસી ઇ-હૉસ્પિટલ ડેટાબેઝ તેમજ ઇ-હૉસ્પિટલ માટે એપ્લિકેશન સર્વરની શરૂઆત કરીને કામ ચલાવાઈ રહ્યું છે. એનઆઇસી ટીમ એઈમ્સમાં આવેલાં અન્ય ઇ-હૉસ્પિટલ સર્વરોને હેકર્સથી બચાવવા સ્કેન કરવાની અને વાઈરસને દૂર કરવાની ક્વાયતમાં લાગેલાં છે. હૉસ્પિટલનાં તમામ કામો મેન્યુઅલ મોડમાં કરાઈ રહ્યાં છે કે જેથી વધારે નુકસાન ના થાય. આ બધું કાચબા ગતિએ ચાલી રહ્યું છે એ જોતાં હજુ નેટવર્કને સંપૂર્ણપણે વ્યવસ્થિત કરવામાં બીજા પાંચ-સાત દિવસ લાગી જશે એવું લાગે છે. આ પાંચ-સાત દિવસ પછી પણ ડેટા સલામત રાખી શકાશે કે કેમ તેમાં શંકા જ છે.
આપણા સાઈબર એક્સપર્ટ્સ કામે લાગ્યા છે તેથી કંઈક તો નિવેડો લાવશે જ પણ આ ઘટનાએ આપણે સાઈબર સિક્યુરિટીમાં કેટલા પાંગળા છીએ એ ફરી સાબિત કરી દીધું છે. આપણે વિશ્ર્વગુરૂ બનવાના ફાંકા મારીએ છીએ, આખી દુનિયા આપણને અનુસરી રહી હોવાની ડંફાશો મારીએ છીએ, આપણાં છોકરાં કાગળનાં પ્લેન ઉડાવવાના બદલે રોકેટ ઉડાવી રહ્યા હોવાના ફડાકા મારીએ છીએ ને એક નાનકડું સર્વર આપણાથી સચવાતું નથી.
શરમજનક વાત એ કહેવાય કે, હેકર્સે આપણને પૂરતો સમય આપ્યો છતાં આપણે બધું સરખું કરી શકતા નથી. આ સર્વર છેક ૨૪ નવેમ્બરે ઠપ્પ થઈ ગયેલું. પોલીસે ૨૫ નવેમ્બરે સાઈબર આતંકવાદનો કેસ દાખલ કર્યો હતો. દેશમાં સાઈબર હુમલાને રોકવા માટે બનાવાયેલી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઇન), દિલ્હી પોલીસના સાઈબર સેલ, એનઆઇસી તેમજ ગૃહમંત્રાલયના અધિકારીઓ આ કેસમાં સક્રિય થયેલા ને તપાસ કરી રહ્યા છે છતાં આપણને લશ્કર ક્યાં લડી રહ્યું છે એ જ ખબર નથી.
આ તપાસ સંસ્થાઓએ મહાન કામ કરતાં હોય એ રીતે હૉસ્પિટલમાં કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ સેવા બંધ કરીને સંતોષ માન્યો છે. તેનાથી વધારે તેમનાથી કશું થઈ શક્યું નથી. હેકર્સે સર્વર બાનમાં લઇ લીધા બાદ છઠ્ઠા દિવસે પોતાની માગ મૂકી છે એ જોતાં હેકર્સ પર હાવી થવા માટે આપણી પાસે પૂરા છ દિવસ હતા. આ છ દિવસમાં આપણે કશું ઉખાડી શક્યા નથી. આ તો ઠીક છે કે, આ એક હૉસ્પિટલનો ડેટા છે. તેમાં અંગત માહિતીઓ હોય પણ રાષ્ટ્ર માટે ખતરારૂપ કશું ના હોય. એ સંજોગોમાં રાષ્ટ્ર પર મોટો ખતરો નથી, બાકી રાષ્ટ્રને નુકસાન થાય એવી કોઈ વેબસાઈટ કે સર્વર હેક થાય તો શું થાય એ આપણે વિચારવું જોઈએ.
આઘાતજનક વાત એ છે કે, આ પ્રકારનો આ પહેલો સાઈબર એટેક નથી. આ પહેલાં પણ ઘણા સાઈબર એટેક થયા છે ને તેમાં પણ આપણે સાવ પાંગળા જ સાબિત થયેલા. આપણી આ નબળાઈ ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ ગયા વરસના ઓક્ટોબર મહિનામાં મુંબઈમાં અચાનક જ પાવર જતો રહેલો ને મુંબઈનાં લોકોની હાલત બગડી ગયેલી એ ઘટના છે.
મુંબઈનો પાવરકટ સાઈબર એટેક હતો એવું કહેવાય છે. તેના કારણે મુંબઈની લાઈફલાઈન મનાતી ટ્રેનો બંધ થઈ ગયેલી ને હૉસ્પિટલો-સ્ટોક એક્સચેન્જ કલાકો લગી બંધ રહેતાં આખું શહેર ઘાંઘું થઈ ગયેલું. આપણે ત્યાં કલાકો લગી પાવર જતો રહે ને લોકો ભગવાન ભરોસે જતા રહે એમાં કશું નવું નથી તેથી એ વખતે આ વાતને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી પણ પછી અમેરિકાના ટોચના અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે ધડાકો કરેલો કે, ચીનના રેડઈકો નામના ગ્રુપનું આ કારસ્તાન હતું ને તેણે જ મુંબઈમાં પાવર ખોરવી નાંખેલો.
આ ગ્રુપે ભારતના મોટા પાવર પ્લાન્ટ્સમાં માલવેર નાખીને ગરબડ કરી હતી ને તેના કારણે મુંબઈમાં અંધારપટ થઈ ગયેલો એવો દાવો આ રીપોર્ટમાં કરાયો હતો. ચીનાઓની દાનત ભારતમાં ઘણાં બધાં રાજ્યોમાં અંધારપટ કરીને બધું ખોરવી નાખવાનો હતો પણ એ લોકો ફાવ્યા નહીં. ચીના ફાવ્યા હોત તો ભારતમાં અરાજકતા ને અંધાધૂંધી સર્જાઈ ગઈ હોત. આ તો એક ઉદાહરણ આપ્યું પણ આ પ્રકારના બીજા પણ ઘણા સાઈબર એટેક થયા છે ને આપણે ઊંઘતા ઝડપાયા છીએ.
આઘાતજનક વાત એ છે કે, ચીના લાંબા સમયથી ભારતની સિસ્ટમમાં માલવેર નાખીને સિસ્ટમને ખોરવી નાખવા મથ્યા કરે છે એવી ચેતવણીઓ અપાયા કરે છે છતાં આપણે સાવચેતીનાં પગલાં નથી લીધાં. તેનું કારણ એ કે, સરકારમાં બેઠેલા લોકોને આ બધી વાતોની ગતાગમ જ નથી પડતી. એ લોકો દેશનાં લોકોને વિશ્ર્વગુરૂ બની ગયાનું ચૂરણ ચટાડ્યા કરે છે ને હિંદુ-મુસ્લિમની વાતો કરીને ઉન્માદ પેદા કર્યા કરે છે. એ બધામાંથી બહાર નીકળે તો સાઈબર સિક્યુરિટી વિશે વિચારે ને?