Homeઆપણું ગુજરાતદિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા થઇ પ્રદૂષિત, AQI 300ને પાર થઇ...

દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા થઇ પ્રદૂષિત, AQI 300ને પાર થઇ ગયો

દેશભરના અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો થઇ રહ્યો છે. મોટા શહેરોમાં વધતું જતું વાયુ પ્રદૂષણ સરકાર માટે પણ ગંભીર સમસ્યા બની ગયું છે. વાહનોના ધૂમાડા ઉપરાંત તહેવારોની સિઝનમાં અને ખાસ કરીને દિવાળીમાં ફટાકડા ફોડવાને કારણે વાયુ પ્રદૂષણનું સ્તર વધી જાય છે. ફટાકડાના ઝેરી તત્વો હવામાં ભળી જઇ હવાને પ્રદૂષિત કરી નાખે છે. દેશના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં દિલ્હીની ગણના થાય છે તો ગુજરાતનું અમદાવાદ પણ કંઇ પાછળ નથી. અમદાવાદની હવા પણ ધીમે ધીમે પ્રદૂષિત બનતી જઇ રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બોપલ, પીરાણા, રખિયાલ અને નવરંગપુરા જેવા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે.
હાલમાં અમદાવાદનો સૌથી પ્રદૂષિત વિસ્તાર બોપલ છે, જ્યાં છેલ્લા 15 દિવસથી AQI 300થી વધુ નોંધાઇ રહ્યો છે. તો પીરાણા અને તેની આસપાસના વિસ્તારોનો AQI 260થી વધુ નોંધાઇ રહ્યો છે.
નોંધનીય છે કે પ્રદૂષણનું સ્તર નક્કી કરવા માટે AQI જોવામાં આવે છે. 200થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે. એ હિસાબે અમદાવાદની હવા પણ હવે ઝેરી અને જોખમી બનતી જાય છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોના પ્રદૂષણ અંગે પ્રશાસકીય અધિકારીઓએ પણ તેમની ચિંતા વ્યક્ત કરી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે બોપલ, રખિયાલ અને નવરંગપુરામાં વાહનોની અવરજવરથી પ્રદૂષણના ઊંચા સ્તરમાં વધારો થયો છે. બોપલમાં રસ્તાઓ પર વાહનોની ગીચતા ખૂબ જ ઊંચી છે અને ત્યાં સાંકડા રસ્તાઓ છે, જેને કારણે ટ્રાફિક રહેતા વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. પીરાણામાં પ્રદૂષણનું ઉચ્ચ સ્તર કચરાના ઢગલાને કારણે છે, જે શહેરમાં પ્રદૂષણમાં મોટો ફાળો આપે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધારાના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, “બોપલ એક વિકાસશીલ વિસ્તાર છે અને તેમાંથી રિંગરોડ પસાર થતો હોવાથી વાહનોની અવરજવર વધારે છે, જે ત્યાં વધતા જતા વાયુ પ્રદૂષણનું એક કારણ હોઈ શકે છે.”અમદાવાદના બોપલ, પીરાણા, નવરંગપુરા જેવા વિસ્તારોના એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યા છે કે અહીં પ્રદૂષણની માત્રા વધી છે. જેના કારણે બાળકોમાં, વૃદ્ધોમાં, અસ્થમાના રોગોના પ્રમાણમાં પણ વધારો થયો છે અને સ્વચ્છ હવા ન મળવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકાયા છે.
દિલ્હી બાદ અમદાવાદ શહેરનું વધતું જતું વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા બની ગઇ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -