(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ દરમ્યાન ૮૦ કરોડનો દંડ ચૂકવાયો છે. જેમાં ટ્રાફિક, પાર્કિંગ અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે રાજ્ય સરકારે હાઇ કોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું. જેમાં અમદાવાદ શહેરના ટ્રાફિક અને પાર્કિંગની પરિસ્થિતિ મુદ્દે કોર્ટમાં વિગતો મુકાઈ હતી. શહેરની પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં શહેરની વહેંચણી કરવામાં આવી હતી. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, શહેરમાં ૪૫૫ ટ્રાફિક પોઇન્ટ ઊભા કરાયા છે. શહેરમાં ૧૬ ટોઈંગ વાન કાર્યરત છે. ૧૩૦ ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે.
અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ -ચલણની વિગતો પણ કોર્ટમાં મુકાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ સુધીમાં ૨૫,૩૬,૫૪૫ ઈ ચલણ ઈશ્યુ થયા હતા. તેમજ અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા ૮૦,૧૫,૨૨,૯૬૦ નો દંડ ચૂકવ્યો છે. જેમાં ગેરકાયદેસર પાર્કિંગના પહેલીવારના ગુના માટે રૂ. ૫૦૦નો દંડ, બીજીવારના અને તે પછીના તમામ ગુનાઓ માટે રૂ. ૧,૦૦૦ દંડ વસૂલવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ગેરકાયદેસર પાર્કિંગના ૨૧,૬૫૦ કેસ નોંધાયા છે અને રૂપિયા ૧,૦૮,૫૪,૧૦૦ દંડ પેટે વસૂલાયા છે. જ્યારે ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોના ટોઇંગના ૭,૭૯૩ કેસ નોંધાયા છે. ગેરકાયદે પાર્કિંગ માટેનો ચાર્જ રૂપિયા ૧૭,૮૦,૭૦૦ વસૂલાયો છે. એક જાન્યુઆરી ૨૦૨૨ થી તા.૨૯મી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૨૪,૪૮૯ વાહનોનું ટોઈંગ કરાયું, જેમાં રૂપિયા ૧,૪૭,૦૫,૧૦૦ ટોઈંગ ચાર્જ અને ૫૨,૪૪,૫૦૦ પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે. શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ સેલની રચના કરાઈ છે. જે શહેરની ટ્રાફિકની સ્થિતિનું મોનિટરિંગ કરશે. ઈ ચલણ ભરવા માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બની હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી.