(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર તૈયાર કરવા માટે સૌપ્રથમ વખત જનભાગીદારી કેળવવાના હેતુથી શહેરીજનો પાસેથી ઇ-મેઇલ મારફતે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હોવાનું એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. નાગરિકોએ ૪૫૦ ઈ-મેઇલ દ્વારા કુલ ૫૦૦ કરતા વધુ સુચનો એએમસીને મોકલ્યા છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત જેન્ડર બજેટ માટે પણ સૂચન મળ્યા છે. એએમસીને મળેલા સૂચનોમાં ૩૪ ટકા સૂચનો મૂળભૂત પ્રથામિક સુવિધાને લગતા, ૨૫ ટકા સૂચનો પ્રાથમિક સિવાયની સુવિધા જેવી કે, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, ગાર્ડન, સ્વિમિંગપુલ, સિનિયર સિટીઝન પાર્ક વગેરેને લગતા, ૩૯ ટકા સૂચનો મનપાની સર્વિસ સુધારવા બાબત તેમજ બે ટકા સૂચનો કોર્પોરેશનની રેવન્યુ જનરેશન બાબતના છે. જેમાં સોલાર પ્લેટ નાખવા માટે પણ નાગરિકો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોડ અને રોડ કૌભાંડો થી ત્રસ્ત નાગરિકો વિવિધ સૂચન કર્યા છે. જેમાં રોડ કામ કરતા પહેલા ટોરેન્ટ પાવર, અન્ય તમામ કેબલ વાયરો, પાણીની લાઇન, ડ્રેનેજ લાઈન, ગેમ લાઈન વગેરે અંડર ગ્રાઉન્ડ કામ પ્રથમ પૂરું કરી ત્યાર બાદ જ નવો રોડ બનાવવા પર ભાર મુક્યો છે. ૨૦૨૩-૨૪ ના બજેટમાં નાગરિકો એ ૨૪ કલાક પાણીની માગણી કરી છે. તેમજ પાણીનો બગાડ અટકે તે અંગે પોલિસી બનાવવા તથા દંડની જોગવાઈ કરવી જોઈએ તેમજ પાણીનો બગાડ અટકાવવા વોટર મીટર લાવી રેવન્યુ મળી શકે તે દીશામાં કામ કરવા પણ સૂચન કર્યા છે.