બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમમાં આ મેચ નિહાળી રહ્યા છે. ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન વખતે 1,10,000 દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, પરંતુ તેનું નામ બદલવામાં આવ્યા પછી તેઓ પ્રથમ વખત અહીં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે.
વડપ્રધાન મોદી અને એન્થોની અલ્બેનીઝની મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાના 75 વર્ષ પૂરા થવાના સમારોહનો એક ભાગ છે. બંને વડાપ્રધાનોએ ગોલ્ફ કારમાં સ્ટેડિયમનો રાઉન્ડ લીધો હતો. આ મેચના પ્રથમ દિવસે એક લાખ દર્શકો હાજર રહેવાની આશા છે. હાલ વર્લ્ડ રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલિયા)ના નામે છે. 2014માં એશિઝ સિરીઝની મેચ દરમિયાન એક જ દિવસમાં 91,112 દર્શકો હતા. ભારતમાં આ પહેલા ઈડન ગાર્ડનમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો (88000 થી 90000) હાજર હતા.
ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ બંને ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ જીતવા પર ટીમ સિરીઝ જીતશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પ્રવેશ કરશે.