અમદાવાદ શહેર ગુજરાત સહિત દેશના મહત્વના શહેરોમાનું એક છે. જોકે હાલમાં તે એક અલગ જ દિશામાં આગળ ધપી રહેલું જણાય છે. ગુજરાતના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે. વાહનનો ધુમાડો, જીઆઈડીસી અને કપાતા વૃક્ષ પ્રદૂષણ માટે જવાબદાર છે. એરક્વોલિટી ઈન્ડેક્સના આંકડા પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષણ છે. દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદૂષણ વકર્યું છે.જેમાં વટાવા શહેરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર છે.
કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના રિપોર્ટ મુજબ રાજ્ય ના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં અમદાવાદ, અંકલેશ્વર, રાજકોટ, જામનગર, વાપીનો સમાવેશ થાય છે. જેમાં પ્રદૂષણ મામલે અમદાવાદ શહેર મોખરે છે. શહેરમાં ફેકટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો હવાને પ્રદૂષિત કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વટવા, નારોલ, નરોડા, પીરાણા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં આજેય હવામાં ઝેરી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓની ભરમાર છે.
આમ છતાંય અધિકારીઓ આંખઆડા કાન કરે છે. પરિણામે અમદાવાદ શહેરમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે કે, અમદાવાદ પણ દિલ્હીની જેમ પ્રદૂષણમાં પ્રગતિ કરી રહ્યું છે.