પાછલા કેટલાક દિવસોથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈ કાલે રાતથી બપોર સુધી અમદાવાદ શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું રહ્યું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઇ જતા અમદવાદ એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિકુળ અસર થઇ છે. ખરાબ વાતાવરણને પગલે અમદાવાદ એરપોર્ટ તરફ આવી રહેલી 12 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરાઈ છે. તેમજ 5 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જેને કારણે મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા.
ફ્લાઈટ્સ મોડી થતા અથવા તો કેન્સલ થતા મોટી સંખ્યામાં મુસાફરો એરપોર્ટ પર ફસાયા હતા. મોટા ભાગની ફ્લાઈટ્સ 45 મિનિટથી માંડી 2 કલાક સુધી મોડી પડી હતી. ફ્લાઇટ મોડી થવાને કારણે ગત રાતથી જ એરપોર્ટ પર મુસાફરોનો જમાવડો જોવા મળ્યો હતો. મુસાફરોની સુવિધા સાચવવામાં એરપોર્ટ ઓથોરીટી નિષ્ફળ રહી હતી. અનેક અવૉર્ડ મેળવનારા અમદાવાદ એરપોર્ટની હાલત એસટી બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવી જોવા મળી હતી. રાતથી આવેલા મુસાફરો એરપોર્ટમાં જ સૂઈ ગયા હતા. લોકોને બેંચ પર જગ્યા ના મળતાં તેઓ જમીન પર ચાદર પાથરીને સુતા જોવા મળ્યા હતા. સીડીમાં જગ્યા મળતાં લોકો સીડીમાં પણ બેસી ગયા હતા.
Things are getting worse here at Ahmedabad Airport @IndiGo6E @Ministry_CA pic.twitter.com/JDPkXgHEhk
— Jayant Gupta (@livelovewriting) January 30, 2023
“>
મળતી માહિતી મુજબ હૈદરાબાદ, પુણે, લખનઉ, ચેન્નાઇ, મુંબઈ તેમજ અન્ય જગ્યાઓએથી આવનારી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં અમિરેટ્સની દુબઈની ફ્લાઇટ એક કલાક જ્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી. એર અરેબિયાની શારજાહાં અને એતિહાદની અબુધાબી ફ્લાઇટ એક-એક કલાક મોડી પડી હતી.