આજકાલ જેને જુઓ તેને બહારગામ જવાનો ચસકો છે અને બહારગામ જવા માટે વિઝા અને પાસપોર્ટ તો જોઈએ જ, બરાબર ને? હવે વિઝા મેળવવા માટે આપણે જે તે દેશની એમ્બેસીમાં જવું પડે, પણ ભારતના જ ગુજરાત રાજ્યના એક એવા મંદિરની વાત કરીશું કે જ્યાં લોકો પોતાની વિઝા મેળવવાની ઈચ્છા પૂરી કરે છે. હવે તમને થશે કે વિઝા માટે મંદિર જવાનું એ વળી કેવું? તો તમારા આ સવાલનો જવાબ તમને લેખના અંત સુધીમાં મળી જ જશે. તો ચાલો પહોંચી જઈએ અમદાવાદ અને જાણીએ આ અનોખા મંદિર વિશે…
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં ચમત્કારિક શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે, આ હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષ જૂનું અને પ્રાચીન મંદિર છે. આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા પ્રવર્તી રહી છે. આ મંદિરમાં વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો વધારે આવે છે, કારણ કે આ મંદિર વિદેશના વિઝાની માનતા માટે પ્રસિદ્ધ છે.
આ મંદિરમાં માનતા માનનારા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાયા છે. આ માટે તમારે કરવાનું એટલું જ કે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે. મંદિરના પૂજારી તમારો પાસપોર્ટ હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ કરાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે. તમે જેવો સંકલ્પ કરો છો પછી તરત જ વિઝા મળી જાય છે.
છેલ્લા 20 વર્ષથી લોકોમાં આ મંદિરને ચમત્કારિક વિઝા વાળા મંદિર તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદથી જ નહીં પણ દૂર દૂરથી લોકો આવે છે એવી માન્યતા છે. જે લોકો હનુમાનજીનો સંકલ્પ લે છે તેમને વિઝા ફટાફટ મળી જાય છે. તેવી અહીં આવતા ભક્તોજનોની શ્રદ્ધા છે.
એવું કહેવાય છે કે અમદાવાદ અને આસપાસના શહેરના લોકો વિઝા મેળવવા માટે વિઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વિઝા માટે હનુમાનજી સમક્ષ પ્રાર્થના કરે છે અને હનુમાનજી તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે પુષ્કળ ભીડ જોવા મળે છે. વિઝા સિવાય આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાંથી ભક્તો વિઝા માટે દાદાના શરણે આવે છે.