ફોકસ -રાજેશ યાજ્ઞિક
(ગયા અંકથી ચાલુ)
અઘોર પંથની ત્રણ શાખાઓ
અઘોર પંથની ત્રણ શાખાઓ પ્રસિદ્ધ છે. ઔઘડ, સરભંગી અને ધુરે. કાશીના કિનારામ, ઔઘડપંથના સુપ્રસિદ્ધ આચાર્ય હતા. તેમના ગુરુ કલ્લુસિંહ અને કાલુરામ હતા. ઘણા આ પંથને ગુરુ ગોરખનાથના પંથ કરતા પણ પહેલાનો ગણાવે છે અને તેમનો સંબંધ શૈવ મત અને પાશુપત અથવા કાલામુખ સંપ્રદાય સાથે જોડે છે. તે ઉપરાંત, ચંપારણમાં ભિનકરામ, ભીખનરામ, ટેકમનરામ, સદાનંદ બાબા, બાલખંડી બાબા વગેરે પ્રસિદ્ધ અઘોર સંત થયા છે. કિનારામના ગ્રંથોમાં ‘વિવેકસાર’ મુખ્ય છે. ‘ભિનક દર્શનમાલા’માં પદોનો સંગ્રહ છે જ્યારે ટેકમનરામની ભજન-રત્નમાલામાં પણ ઘણાં પદો સંગ્રહિત છે. અઘોરીઓમાં નિર્વાણી (ત્યાગી) અને ગૃહસ્થ બંને પ્રકાર હોય છે.
મધ્યયુગીન કાશ્મીરના કાપાલિકા સંન્યાસીઓની નજીક હોવા છતાં, (જેમની સાથે ઐતિહાસિક જોડાણ હોઈ શકે છે), અઘોરીઓ વાસ્તવમાં તેમના મૂળ કિનારામમાં ગણે છે, જેઓ ૧૫૦ વર્ષ સુધી જીવ્યા હતા અને અઢારમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. કિનારામ ભગવાન શિવનો અવતાર હોવાનું કહેવાય છે, અને તેમના અનુગામીઓ વિશે પણ તેવી જ માન્યતા પ્રચલિત છે.
ભારતમાં કેટલા અઘોરી સાધુઓ છે?
આમ તો સાચો આંકડો મળવો બહુ મુશ્કેલ છે, પણ ઓગણીસમી સદીના અંતમાં વારાણસીમાં અંદાજે બસ્સો થી ત્રણસો અઘોરી સંન્યાસીઓ રહેતા હતા, જોકે હવે તેમના મુખ્ય મઠમાં કદાચ વીસ જેટલા ઓછા લોકો રહે છે.
આધ્યાત્મિક મુખ્ય મથક
હિંગળાજ માતા અઘોરીની કુલદેવતા (આશ્રયદાતા) છે. મુખ્ય અઘોરી યાત્રાધામ વારાણસીના રવીન્દ્રપુરીમાં કિનારામ આશ્રમ છે. આ જગ્યાનું પૂરું નામ બાબા કીનારામ સ્થળ, ક્રિમ-કુંડ છે. અહીં, કિનારામને સમાધિ આપવામાં આવી હતી. તેથી અઘોરીઓ અને અઘોરી ભક્તો માટે યાત્રાધામનું કેન્દ્ર છે. બાબા કિનારામ સ્થળના હાલના વડા (મઠાધિપતિ), ૧૯૭૮ થી, બાબા સિદ્ધાર્થ ગૌતમ રામ છે.
ભક્તોના મતે બાબા સિદ્ધાર્થ ગૌતમ રામ પોતે બાબા કિનારામનો પુનર્જન્મ છે. આ સિવાય કોઈપણ સ્મશાન અઘોરી સંન્યાસી માટે પવિત્ર સ્થળ હશે. શક્તિપીઠોની નજીકની સ્મશાનભૂમિ, દક્ષિણ એશિયા અને હિમાલયના ભૂપ્રદેશમાં પથરાયેલા હિંદુ દેવીની પૂજા માટેના ૫૧ પવિત્ર કેન્દ્રો, અઘોરીઓ દ્વારા સાધના કરવા માટે પસંદ કરાયેલાં મુખ્ય સ્થાનો છે. તેઓ ભૂતિયા ઘરોમાં ધ્યાન અને સાધના કરવા માટે પણ જાણીતા છે.
અઘોરીઓની ૧૦ તાંત્રિક પીઠ
અઘોરીઓની સાધનાના કેન્દ્ર આમ તો સનાતન ધર્મના શ્રદ્ધાળુઓના આસ્થા સ્થાન છે, પણ ત્યાંની દૈવી ઊર્જાને કારણે અઘોરીઓ માટે પણ સાધનાના કેન્દ્ર બન્યા હોય તેવાં સ્થળો વિશે પણ જાણવા જેવું છે.
તારાપીઠ
આ પીઠ તાંત્રિકો, માંત્રિકો, શાક્તો, શૈવો, કાપાલિકો, ઔઘડો વગેરે બધા માટે સમાન રૂપે પૂજનીય છે. આ સ્થળ પશ્ર્ચિમ બંગાળના બિરભુમ અંચલમાં રામપુર હાટ રેલવે સ્ટેશન પાસે દ્વારકા નદીના કિનારે આવેલું છે. કોલકાતાથી લગભગ ૨૬૫ કિલોમીટરનું અંતર છે.
હિંગળાજ ધામ
હિંગલાજ ધામ હાલમાં પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યમાં સ્થિત છે. આ સ્થળ સિંધુ નદીના મુખથી ૧૨૦ કિમી અને સમુદ્રથી ૨૦ કિમી અને હિંગોલ નદીના કિનારે
કરાચી શહેરથી ઉત્તર-પશ્ર્ચિમમાં ૫ કિમી દૂર આવેલું છે.
આ પીઠ માતાની બાવન શક્તિપીઠોમાં પણ ગણાય છે. અહીં હિંગળાજના સ્થળે સતીનું માથું કપાયું હતું. સ્થાયી રણના કારણે આ સ્થળને મરુતીર્થ પણ કહેવામાં આવે છે. તે ભાવસાર ક્ષત્રિયોની કુળદેવી ગણાય છે.
વિંધ્યાચલ
વિંધ્યાચલની પર્વતમાળા વિશ્ર્વ પ્રસિદ્ધ છે. અહીં વિંધ્યવાસિની માતાનું પ્રસિદ્ધ મંદિર છે. આ સ્થળે ત્રણ મુખ્ય મંદિરો છે – વિંધ્યવાસિની, કલિખોહ અને અષ્ટભુજા. આ મંદિરોની સ્થિતિ યાંત્રિક રીતે ત્રિકોણાકાર છે. તેમની ત્રિકોણ પરિક્રમા પણ કરવામાં આવે છે.
અહીં સેંકડો નાનાં-મોટાં મંદિરો અને ત્રણ મોટા કુંડ છે. પહેલું સીતાકુંડ છે જ્યાંથી ઉપરની સીડીથી યાત્રા શરૂ થાય છે. પ્રવાસમાં પ્રથમ અષ્ટભુજા મંદિર છે, જ્યાં માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત છે. તેની ઉપર કાલીખોહ છે, જ્યાં માતા કાલી બિરાજમાન છે. ત્યારબાદ વિંધ્યાચલ માતા વિંધ્યાવાસિની મંદિરનું મુખ્ય મંદિર આવે છે.
ચિત્રકૂટ
અઘોર માર્ગના અગ્રણી દત્તાત્રેયનું જન્મસ્થળ ચિત્રકૂટ એ બધા માટે તીર્થસ્થાન છે. ઔઘડોની કિનારામી પરંપરાની ઉત્પત્તિ અહીંથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ મા અનુસૂયાનો આશ્રમ અને સિદ્ધ અઘોરાચાર્ય શરભંગનો આશ્રમ પણ છે.
અહીંનું સ્ફટિક શિલા નામનું સ્મશાન અઘોરપંથીઓનું મુખ્ય સ્થળ છે. તેની બાજુમાં આવેલ ગોરા દેવીનું મંદિર અઘોર પંથીઓનું પૂજા સ્થળ છે. અહીં એક અઘોરી કિલ્લો પણ છે, જે હવે ખંડેર હાલતમાં છે.
જગન્નાથ પુરી
વિશ્ર્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને વિમલાદેવી મંદિરની વચ્ચે, જ્યાં સતીનો પગ પડ્યો હતો, ત્યાં વશિષ્ઠ નામની ચક્ર સાધના વેદી છે.આ સિવાય પુરીનું સ્વર્ગદ્વાર સ્મશાન એક પવિત્ર અઘોર સ્થળ છે. આ સ્મશાનની બાજુમાં, મા તારા મંદિરના ખંડેરોમાં, ઋષિ વશિષ્ઠની મૂર્તિઓ અને પરિક્રમા કરતા ઘણા સાધકોની મૂર્તિઓ સ્થાપિત છે.
જગન્નાથ મંદિરમાં પણ શ્રી કૃષ્ણને શુભ ભૈરવી ચક્રમાં આધ્યાત્મિક સાધના કરતા દર્શાવવામાં આવ્યા છે.
મદુરાઈ
દક્ષિણ ભારતમાં ઔઘડોના કપાલેશ્ર્વરનું મંદિર છે. આશ્રમના પ્રાંગણમાં અઘોરાચાર્યની મુખ્ય સમાધિ છે અને અન્ય સમાધિઓ છે. કપાલેશ્ર્વર મંદિરમાં ઔઘડ વિધિથી પૂજા થાય છે.
કોલકાતાનું કાલી મંદિર
કોલકાતામાં રામકૃષ્ણ પરમહંસના આરાધ્યદેવી મા કાલિકાનું વિશ્ર્વ પ્રસિદ્ધ મંદિર છે. કોલકાતાના ઉત્તરમાં વિવેકાનંદ પુલ પાસે સ્થિત આ મંદિરને દક્ષિણેશ્ર્વર કાલી મંદિર કહેવામાં આવે છે. આ આખો વિસ્તાર કાલીઘાટ કહેવાય છે. આ સ્થાન પર સતી દેહના જમણા પગની ૪ આંગળીઓ પડી ગઈ હતી, તેથી તે સતીની ૫૨ શક્તિપીઠોમાં સામેલ છે.
આ સ્થળને પ્રાચીન સમયથી શક્તિપીઠ માનવામાં આવતું હતું, પરંતુ આ સ્થાન પર ૧૮૪૭માં જાન બજારની મહારાણી રાસમણીએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
નેપાળ
પ્રાચીન સમયથી નેપાળના તેરાઈ ક્ષેત્રમાં ઘણાં ગુપ્ત ઔઘડ સ્થાનો આવેલાં છે. અઘોરેશ્ર્વર ભગવાન રામના શિષ્ય બાબા સિંહ શાવક રામજીએ કાઠમંડુમાં અઘોર કુટીની સ્થાપના કરી છે. તેમણે અને તેમના પછી બાબા મંગલધન રામજીએ સમાજ સેવાને નવો આયામ આપ્યો છે. કિનારમી પરંપરાના આ આશ્રમને નેપાળમાં ખૂબ જ આદરથી જોવામાં આવે છે.
અફઘાનિસ્તાન
કાબુલ શહેરના મધ્ય ભાગમાં કેટલાક એકરમાં ફેલાયેલી જમીનનો ટુકડો અફઘાનિસ્તાનના પૂર્વ શાસક શાહ ઝહિર શાહના પૂર્વજોએ કિનારામી પરંપરાના સંતોને દાનમાં આપ્યો હતો. આ જમીન પર આશ્રમ, બગીચા વગેરે બનાવવામાં આવ્યા છે. ઔઘડ રતનલાલજીને અહીં પીરના રૂપમાં આદર મળે છે. તેમની સમાધિ અને અન્ય ઘણા અષ્ટપુરુષોની સમાધિઓ આજે પણ આ સ્થાન પર આદર માટે સ્થિત છે.
ઉપરોક્ત સ્થળો ઉપરાંત, રામેશ્ર્વરમ, ક્ધયાકુમારી, મૈસુર, હૈદરાબાદ, બરોડા, બોધ ગયા વગેરે જેવાં અન્ય સ્થળોએ પણ ઘણા અઘોર, અઘોરેશ્ર્વર લોકોનાં પૂજા સ્થાનો, આશ્રમો, કુટીરો જોવા મળે છે. (સમાપ્ત)