Homeઆમચી મુંબઈવીજ કર્મચારીઓના આક્રોશ સામે સરકારે નમતું જોખ્યું: હડતાળ પાછી ખેંચાઈ

વીજ કર્મચારીઓના આક્રોશ સામે સરકારે નમતું જોખ્યું: હડતાળ પાછી ખેંચાઈ

દેખાવો: નાગપુરમાં અદાણી હટાવોના બેનરો સાથે હડતાળિયા વીજકર્મચારીઓએ રસ્તા જામ કરી નાખ્યા હતા. (એજન્સી)

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની સહિત ત્રણ રાજ્ય સરકાર સંચાલિત વીજ કંપનીઓના કર્મચારીઓએ અદાણીના વિરોધમાં શરૂ કરેલી ૭૨ કલાકની હડતાળને પગલે રાજ્ય સરકારે નમતું જોખ્યું હતું.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને વીજ વિતરણની પરવાનગી આપવા સામે વિરોધ દર્શાવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય વીજ કર્મચારી, અધિકારી, એન્જિનિયર સંઘર્ષ સમિતિ જેવા ૩૦ કર્મચારી સંગઠનો દ્વારા હડતાળની નોટિસ આપવામાં આવી હતી.
આવી રીતે હડતાળ પર જનારા કર્મચારી સામે મેસ્મા (મહારાષ્ટ્ર એસેન્શીયલ સર્વિસીસ એક્ટ) હેઠળ વીજ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી રાજ્યસરકાર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
જોકે સરકારની ચિમકીને ન ગણકારતાં કર્મચારીઓ હડતાળ પર ગયા હતા. આખા રાજ્યમાં અનેક સ્થળે વીજ કર્મચારીઓ હડતાળ પર ગયા હતા.
રાજ્યમાં અદાણી સામેનો આક્રોશ જોઈને સરકારને કામગાર સંગઠનો સાથે ચર્ચા કરવાની ફરજ પડી હતી. આખરે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિતરણ, મહાટ્રાન્સકો, મહાજેન્કો કંપનીના તેમ જ વિવિધ કર્મચારી સંગઠનના પદાધિકારીઓ સાથે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં બેઠક કરી હતી. બપોરે ચર્ચા બાદ સમાધાન થતાં વીજ કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાની ઔપચારિક જાહેરાત કરી હતી. આને કારણે રાજ્યના વીજ ગ્રાહકોને રાહત મળી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સમાંતર વીજ વિતરણ લાઈસન્સ આપવામાં કોઈ ભૂમિકા રહેતી નથી. આ બાબતનો નિર્ણય વીજ નિયંત્રક મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી) લેતી હોય છે. ઈલેક્ટ્રિસિટી એક્ટની કલમ ૧૪ હેઠળ જણાવવામાં આવ્યું છે કે વીજ વિતરણ કરવા માટેની બધી પાત્રતા ધરાવતી કંપની દ્વારા વીજ વિતરણ માટે અરજી કરવામાં આવે તો તેને આ વિસ્તારમાં એક લાઈસન્સધારી વિતરક છે તે કારણસર લાઈસન્સ આપવાનો ઈનકાર કરી શકાય નહીં.
——–
ખાનગીકરણનો કોઈ
ઈરાદો નથી: ફડણવીસ
રાજ્ય સરકાર વીજ કંપનીનું કોઈ ખાનગીકરણ કરવા માગતી નથી, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે કર્મચારીઓને સમજફેર થઈ હતી અને જો આ બેઠક પહેલાં થઈ હોત તો હડતાળ જ થઈ ન હોત.
રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષમાં રાજ્યની વીજ કંપનીઓમાં રૂ. ૫૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની છે એવી ખાતરી પણ ફડણવીસે કર્મચારીઓને આપી હતી.
ભાંડુપ ઝોન હેઠળના વિભાગમાં વીજ વિતરણ માટે સમાંતર લાઈસન્સ મેળવવા માટે અદાણી દ્વારા અરજી કરવામાં આવી હતી. મારે સ્પષ્ટ કરવું છે કે અમે આવા પ્રકારના (વીજળી)ના ખાનગીકરણના સમર્થનમાં નથી. અમે દિલ્હી અને ઓરિસાના ધોરણે મહાવિતરણનું ખાનગીકરણ કરવાના નથી. સમાંતર વીજ વિતરણનું લાઈસન્સ અદાણીને આપવાથી જો મહાવિતરણને નુકસાન થવાનું હશે તો રાજ્ય સરકાર કંપનીવતી એમઈઆરસી (નિયંત્રક) સમક્ષ મહાવિતરણનો પક્ષ માંડશે.
———
રાજ્યના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો
વીજ કર્મચારીઓની હડતાળને કારણે કેટલાક વીજ પ્રકલ્પ થોડા સમય માટે ઠપ થયા હતા. તેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. નાગપુર, સંભાજીનગરના વૈજાપુર તાલુકા, ભંડારા, વાશિમ જિલ્લાના ૪૩ ગામ, પનવેલના ઈન્ડિયા બુલ્સ પરિસર, રત્નાગિરિ જિલ્લાના ચિપલુણ, મંડણગઢ, ખેડ, દાપોલી, ગુહાગર, રાજાપુર વગેરે જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો.
——-
૧૨ માગણી સંતોષાઈ એટલે હડતાળ પાછી ખેંચી: યુનિયન
મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી વર્કર્સ ફેડરેશને હડતાળ પાછી ખેંચ્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યસરકારે યુનિયનની ૧૨ માગણીઓ સ્વીકારી હોવાથી હડતાળ પાછી ખેંચવામાં આવી હતી. જેમાં રાજ્યસરકાર સંચાલિત ત્રણ વીજ કંપનીનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. સરકાર ઉદ્યોગપતિને સમાંતર વીજ વિતરણનું લાઈસન્સ આપવાનો વિરોધ કરશે. મહારાષ્ટ્ર સરકાર વીજ કંપનીઓને રૂ. ૫૫,૦૦૦ કરોડનું આર્થિક પેકેજ આપશે. હડતાળ પર ઉતરેલા એકેય કર્મચારી, કૉન્ટ્રેક્ટ પરના કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોયનાના છ હાઈડ્રોપાવર પ્લાન્ટમાંથી એકેય ખાનગી કંપનીને સોંપવામાં આવશે નહીં. કૉન્ટ્રેક્ટ પરના કર્મચારીઓને પદ પર નિયુક્ત કરવા માટે વધારાના પદો ભરવામાં આવશે.
——–
અદાણી ગો બેકના સૂત્રોચ્ચાર
વીજ વિતરણના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ હડતાળ પર ગયા હોવાથી કોયના વીજ નિર્મિતી પ્રોજેક્ટના ૩૬ મેગાવોટના બે યુનિટ બંધ પડ્યા હતા અને તેને કારણે એમઆઈડીસી અને ગ્રામીણ વિસ્તારોને ફટકો પડ્યો હતો. અનેક ઉદ્યોગોનું કામ બંધ પડ્યું હતું. રાજ્યમાં અનેક સ્થળે કર્મચારીઓએ દેખાવો કર્યા હતા અને અદાણી ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -