મુંબઈઃ કેન્દ્ર સરકારની કેબિનેટ એપોઈન્ટમેન્ટ કમિટી (એસીસી)એ દેશના 20 આઈપીએસ અધિકારીના પ્રમોશનને મંજૂરી આપી દીધી છે. આ આઈપીએસ અધિકારીમાં મહારાષ્ટ્ર કેડરમાંથી રશ્મિ શુકલા, અતુલચંદ્ર કુલકુર્ણી અને સદાનંદ દાતેના નામનો સમાવેશ થાય છે અને તેમને ડીજીપી રેંકમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.
હાલમાં રશ્મિ શુક્લા સીઆરપીએફમાં છે, જ્યારે એનઆઈએમાં અતુલચંદ્ર કુલકર્ણી પ્રતિનિયુક્તિ પર છે અને સદાનંદ દાતે મહારાષ્ટ્રના એટીએસ ચીફ છે. એટીએસના ચીફની પોસ્ટ એડિશનલ ડીજી રેંકની છે. એક અધિકારીએ કહ્યું હતું કે જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તેમને ડીજીના હોદ્દા પર અથવા એટીએસ ચીફના પદ પર ડીજીના હોદ્દા પર બઢતી ન આપે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તરફથી ડીજીપી તરીકે બઢતી મળી હોવા છતાં દાતે એટીએસમાં વધારાના ડીજી તરીકે ચાલુ રહેશે.
મહારાષ્ટ્રમાં ડીજી રેંકની આઠ પોસ્ટ છે, પરંતુ એમાં એટીએસ ચીફની પોસ્ટનો સમાવેશ થતો નથી. કેપી રઘુવંશી જ્યારે એટીએસના પહેલી વખત ચીફ બનાવ્યા ત્યારે આ પોસ્ટ આઈજી રેંકની હતી. 26/11ના આતંકવાદી હુમલામાં જ્યારે હેમંત કરકરે શહીદ થયા હતા ત્યારે રઘુવંશીને એટીએસમાં લાવવામાં આવ્યા હતા ત્યારે આ પોસ્ટ એડિશનલ ડીજી રેંકમાં અપગ્રેડ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર ઓલ ઈન્ડિયા સ્તરે અધિકારીઓને પેનલિંગ કરવાનું ચાલુ રાખે છે. અતુલચંદ્ર કુલકર્ણી, રશ્મિ શુક્લા અને સદાનંદ દાતે હવે પેનલમાં સામેલ છે અને જો તેઓ તો કેન્દ્ર સરકાર અન્વયે આવશે તો તેઓ ત્યાં ડીજી રેંકમાં આવશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. ઘણી વખત અધિકારીઓને કેન્દ્ર સરકારમાં સૂચિબદ્ધ કરવામાં આવતા નથી, પરંતુ રાજ્ય સરકારો તેમને પ્રમોશન આપે છે, એવી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.