ગુજરાતમાં શુક્રવારે કેટલાક જીલ્લાઓમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. કચ્છ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા ઉપરાંત રાજકોટમાં કમોસમી વરસાદ નોધાયો હતો. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. ભરઉનાળે વરસાદની સાથે વીજળી પડવાના કારણે રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં એક બાજુ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગની વરસાદ વરસવાની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંજારના રત્નાલ ગામે કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબકતા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સરસીયા, ગોવિંદપુર, ફાસરીયા સહિત આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો હતો. ખાંભાના અનિડા, સમઢીયાળા સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાતાવરણમાં બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે કમોસમી વરસાદ વરસતા હારીજ માર્કેટિંગ યાર્ડમાં દોડભાગ મચી હતી. હારીજ માર્કેટીંગ યાર્ડમાં હરાજી માટે આવેલી 4500થી વધુ બોરી એરંડા સહિતના પાકોની આવક થઈ હતી. જેમાં 2500થી વધુ બોરી ધોધમાર વરસાદના કારણે પલળી જતા વેપારીઓ અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ધાનેરા, બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડાઓમાં ગાજવીજ અને કરા સાથે માવઠું થતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. ઉપરાંત મહેસાણાના જોટાણામાં પણ માવઠું થયું હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકોએ તો ગરમીમાં રાહત અનુભવી હતી. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.