ગુજરાતના ખેડૂતો અને લોકો માટે હવે માવઠું જાણે જાણીતો શબ્દ થઈ ગયો છે. વરસમાં એકાદ વાર કમોસમી છાંટણા થાય તેની ખેડૂતોને આદત હોય, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ વરસ્યા જ કરે છે અને ફેબ્રુઆરી મહિનાથી તો જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. માર્ચ મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યાના અને કરા પડ્યાના બનાવો બન્યા છે ત્યારે ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ સહિત ગુજરતના ઘણા વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક અને વાદળછાયું રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાનું અનુમાન છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે ગીર સોમનાથના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કમોસમી વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેશે. તા. 5, 6 અને 7 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદ થવાની શક્યતા રહેલી છે. 7 એપ્રિલના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ ભારેથી હળવા વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાનમાં 2 થી 3 ડીગ્રી ઘટાડો થયો છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આજે પણ દિલ્હી, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા, હરિયાણામાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં વરસાદની સાથે કરા પડી શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આસામ, મણિપુર અને મેઘાલયમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે નાગાલેન્ડની સાથે સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બુધવાર 5 એપ્રિલ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે. આના કારણે 5મી એપ્રિલે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. 4 એપ્રિલે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ જોવા મળ્યો હતો.
દેશના વિવિધ ભાગોમાં વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. ખેતપેદાશોને થયેલા નુકસાનના પગલે સ્વાભાવિક રીતે અનાજ-કઠોળ સહિતની વસ્તુઓના ભાવ વધવાની શક્યતા છે. જેથી મોંઘવારીનો માર જનતાએ પણ ભોગવવાનો આવશે.