ઈન્દોરમાં 23 વર્ષીય યુવકની તેની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતે માહિતા આપતા એવું જણાવવામાં આવ્યું હતું કે ‘The Kerala Story’ જોયા બાદ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સામે FIR નોંધાવી હતી. પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે યુવતીએ ‘લગ્નના બહાને પ્રેમની જાળમાં ફસાઈ ગયા પછી’ ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ચાર વર્ષ પહેલા કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી વખતે આરોપી સાથે તેની મિત્રતા થઈ હતી જે ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બાદમાં યુવતી યુવક સાથે રહેવા લાગી હતી. આરોપીએ માત્ર ધોરણ 12મા સુધીનો જ અભ્યાસ કર્યો છે અને હાલમાં તે બેરોજગાર છે. આરોપી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો અને તે તેને વારંવાર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. જ્યારે યુવતીએ ના પાડી તો તેણે તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો અને માર માર્યો હતો.
એક દિવસ છોકરીએ તેના બોયફ્રેન્ડને પૂછ્યું કે શું તે ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ જોવા માંગે છે. ઘણી સમજાવટ પછી, આરોપી અનિચ્છાએ તેની સાથે ફિલ્મ જોવા માટે રાજી થયો. જ્યારે છોકરીએ પોતાની સાથે થઈ રહેલાં અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું ત્યારે બોયફ્રેન્ડ સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ યુવતીએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ‘યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે અને તેનો બોયફ્રેન્ડ તાજેતરમાં જ ‘ધ કેરળ સ્ટોરી’ જોવા ગયા હતા. ફિલ્મ જોયા બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે વ્યક્તિ તેની સાથે મારપીટ કરીને ચાલ્યો ગયો હતો. યુવતીએ 19મી મેના રોજ પોલીસનો સંપર્ક કર્યો અને એફઆઈઆર નોંધાવી. તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી’માં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેરળની મહિલાઓને ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ દ્વારા ભરતી કરવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. કોમી તણાવના ડરથી પશ્ચિમ બંગાળમાં 8મી મેના રોજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમિલનાડુના સિનેમાઘરોએ 7મી મેથી ઓછી સંખ્યામાં લોકો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે ફિલ્મનું પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય લીધો હતો.