મમતા, માયાવતીની પાર્ટી જેવી સ્થિતિ હોવા છતાં રાષ્ટ્રીય પક્ષની માન્યતા રદ કેમ ન કરવામાં આવે એવી નોટિસ ચૂંટણીપંચે આપી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવાશે નહીં: પ્રફુલ્લ પટેલનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની પાસેથી શિવસેના નામ અને પક્ષનું ચિહ્ન છીનવી લીધા બાદ હવે શરદ પવારની પાર્ટી ચૂંટણી પંચના નિશાન પર હોવાનું લાગી રહ્યું છે. મંગળવારે સાંજે જ એનસીપીને નોટિસ મળી છે કે તેમનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જોે કેમ છીનવી લેવો ન જોઈએ? જોકે, પક્ષના પ્રવક્તા પ્રફુલ્લ પટેલે બુધવારે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો અકબંધ રહેશે.
એનસીપી રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા જાળવી રાખવા માટે આવશ્યક શરતો પૂરી કરી શકતી નથી એ સચ્ચાઈ હોવા છતાં આવી જ સ્થિતિ માયાવતીની બહુજન સમાજ પાર્ટી, મમતા બેનર્જીની તૃણમુલ કૉંગ્રેસની અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ની પણ છે, પરંતુ તેમનો રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે એનસીપીને નોટિસ આપવામાં આવી છે. વાસ્તવમાં ઉદ્ધવનો સાથ આપવા માટે આ કાર્યવાહી થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો છીનવાઈ જતાં એનસીપી પાસે દિલ્હીમાં જે ઓફિસ છે તે છીનવાઈ જવાની શક્યતા હોવાથી આ દરજ્જો બચાવવા માટે એનસીપી બધું જ કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પંચે ૨૦૧૯માં અનેક પક્ષોનો રાષ્ટ્રીય દરજ્જો રદ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. ૯ ઑક્ટોબર, ૨૦૧૯ના
રોજ આ બાબતે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે એનસીપી તરફથી કોઈ પ્રતિનિધિ પહોંચ્યો નહોતો. ત્યારે તેમણે ૨૦ માર્ચ, ૨૦૨૨ સુધીનો સમય માગ્યો હતો.
મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે એનસીપીના પ્રતિનિધિને ચૂંટણી પંચના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યો હતો. ૧૯૬૧માં ચૂંટણી પંચના નિયમો ઘડી કાઢવામાં આવ્યા તેમાં ચાર રાજ્યોમાં ૬-૬ ટકા મત મળ્યા હોવા જોઈએ અથવા ચાર સંસદસભ્ય હોવા જોઈએ, લોકસભાની ચૂંટણીમાં બે ટકા અને ત્રણ રાજ્યોમાં સંસદસભ્ય હોવા જોઈએ તેમ જ ચાર રાજ્યોમાં રાજ્યસ્તરની પાર્ટીનો દરજ્જો હોવો જોઈએ એવી સ્પષ્ટ શરતો છે. તેની સામે એનસીપી પાસે અત્યારે મહારાષ્ટ્રમાં ૧૬.૭ ટકા અને નાગાલેન્ડમાં ૯.૫૬ ટકા એમ ફક્ત બે રાજ્યોમાં જ ૬ ટકા કરતાં વધુ મત છે. તેમની પાસે ચાર સંસદસભ્ય છે, પરંતુ ચારેય મહારાષ્ટ્રના જ છે. મહારાષ્ટ્ર અને નાગાલેન્ડમાં જ તેમની પાસે રાજ્ય સ્તરની પાર્ટીનો દરજ્જો બચ્યો છે. આમ નિયમોની વાત કરવામાં આવે તો એનસીપી રાષ્ટ્રીય સ્તરનો પક્ષ રહી શકે તેમ નથી.
જોકે એનસીપીના પીઢ નેતા અને પક્ષના પ્રવક્તા પ્રફુલ્લ પટેલે બુધવારે એવો દાવો કર્યો હતો કે એનસીપીનો રાષ્ટ્રીય દરજ્જો અકબંધ રહેશે. પ્રફુલ્લ પટેલે મંગળવારે જ જઈને ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં ગયેલા એનસીપીના પ્રતિનિધિમંડળ અને ચૂંટણી પંચના અધિકારીઓની સકારાત્મક ચર્ચા થઈ હતી અને પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો અકબંધ રહેશે એમ પટેલે કહ્યું હતું.