ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પેટ કમિન્સ છેલ્લી 2 ટેસ્ટમાં ગેરહાજર હતો. માતાની તબિયત સારી ન હોવાથી તે ઘરે પરત ફર્યો હતો. પરંતુ ગઈકાલે એટલે કે શુક્રવારે પેટ કમિન્સની માતાનું નિધન થયું હતું. કમિન્સની માતા મારિયા કેન્સરથી પીડિત હતી અને તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમ આજે પેટ કમિન્સની માતા મારિયાના સન્માનમાં ‘બ્લેક આર્મ બેન્ડ’ પહેરીને રમશે. પેટ કમિન્સે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2023)ની છેલ્લી બે ટેસ્ટને છોડી દેવાનો અને તેની માતાની સંભાળ લેવા પાછા જવાનો નિર્ણય કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ લખ્યું છે કે, “ગઈ રાત્રે મારિયા કમિન્સના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ.” ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી અમે પેટ કમિન્સના પરિવાર અને તેમના મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઓસ્ટ્રેલિયન પુરૂષોની ટીમ આજે આદરના ચિહ્ન તરીકે કાળી આર્મ બેન્ડ પહેરીને રમશે.”
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ઘરે તેમની બીમાર માતા સાથે રહેવા માટે ભારત સામેની બાકીની બે ટેસ્ટ ન રમવાનો નિર્ણય કર્યો હતો. કમિન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મારી માતા બીમાર હોવાથી મેં આ સમયે ભારત પરત નહીં ફરવાનો નિર્ણય કર્યો છે અને હું તેમની સંભાળ લેવા આવ્યો છું.