(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં સાત મહિના બાદ કોરોનાના નવા કેસનો આંકડો ૧,૧૧૫ જેટલો નોંધાયો હતો. તો રાજ્યમાં કોરોનાથી નવ દર્દીના મોત થતા રાજ્યના આરોગ્ય ખાતાની ચિંતા વધી ગઈ છે. મુંબઈમાં પણ દિવસ દરમિયાન બે દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૧૧૫ નવા દર્દી નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૮૧,૫૨,૨૯૧ થઈ ગયો છે. રાજ્યમાં બુધવારે કોરોનાથી ૫૬૦ દર્દી સાજા થયા હતા. એ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી મુકત થનારા દર્દીનો આંકડો ૭૯,૯૮,૪૦૦ થઈ ગયો છે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ દર્દીના મૃત્યુની સાથે જ મૃત્યુદર ૧.૮૨ ટકા થઈ ગયો હતો. મુંબઈમાં બે, થાણેમાં બે, વસઈ-વિરારમાં એક, પુણે મનપામાં ત્રણના મૃત્યુ નોંધાયા હતા.
મુંબઈમાં કોરોનાના ૩૨૦ કેસ નોંધાયા હતા. એ સાથે જ મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કુસ કેસ ૧૧,૫૯,૫૪૫ કેસ થઈ ગયા છે. તો ૩૦૩ દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાય નહોતા. તો ૧૭ કેસને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પાંચ દર્દીને ઑક્સિજનની આવશ્યકતા જણાઈ હતી. દિવસ દરમિયાન કોરોનાની ૨૧૯ દર્દી સાજા થયા હતા. મુંબઈમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા, એ સાથે જ અત્યાર સુધીનો મૃત્યુ આંક ૧૯,૭૫૨ થઈ ગયો છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૯૫ કોરોનાના ટેસ્ટ થયા હતા. હાલ મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૧,૫૭૭ થઈ ગયા છે.