રંગીન ઝમાને – હકીમ રંગવાલા
એક વખત એવું બન્યું, ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીતના કાર્યક્રમનાં અધિકારી શ્રી, જીવનલાલ મટ્ટુ લાહોરની સડક પરથી પસાર થઈ રહ્યા હતા અને એમણે એક હેર ડ્રેસરની દુકાનમાંથી આવી રહેલો કર્ણપ્રિય પુરુષ અવાજ સાંભળ્યો, અને એ હેર ડ્રેસરની દુકાનમાં અચરજથી જોયું કે આ કોણ ગાયક છે! તો એક કિશોર ગ્રાહકોની દાઢી-બાલ કાપતા કાપતા ગીતો ગાઈ રહેલો એમને નજર આવ્યો! જીવનલાલે તરત જ આ કિશોરને પૂછી પાડ્યું કે, તમે રેડિયો પર ગીતો ગાવા આવશો? અને એ કિશોરે તત્કાળ મંજૂર કર્યું! અને માર્ચ ૧૯૪૩થી એ કિશોરની ગાયકીની શરૂઆત થઈ રેડિયો પર અને આખા હિન્દુસ્તાનમાં લોકપ્રિય અવાજ. હિન્દી ફિલ્મી ગીતો ગાઈને એ કિશોર બની ગયો ગાયક અને મહંમદ રફી નામથી આપણે એ કિશોરને ઓળખીએ છીએ!
લાહોરમાં પોતાના અવાજથી અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવનાર મહંમદ રફી જ્યારે મુંબઈ ફિલ્મજગતમાં નસીબ આઝમાવવા નીકળ્યા ત્યારે લાહોર રેલવે સ્ટેશન પર એમને વિદાય આપવા અને ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવા લોકસમૂહ ઊમટેલો, પણ મુંબઈ સ્ટેશનમાં એમને લેવા આવનાર
એક પણ જણ નહોતો!
મુંબઈમાં પૈસા ચિક્કાર મળતા હતા. લાહોરમાં એક ગીતના રૂપિયા ૨૫ મળતા જ્યારે મુંબઈમાં એક ગીતના રૂપિયા ત્રણસો મળતા! પણ ૧૯૪૬ સુધી મહંમદ રફીને કોઈ સુપરહિટ ગીતો મળ્યાં નહોતાં એટલે તેઓ ખાનગી મહેફિલોમાં પણ પૈસા લઈને ગીતો ગાવા જતા. ૧૯૪૬માં દિલીપકુમાર અને નૂરજહાંની ફિલ્મ ‘જુગનુ’માં મહંમદ રફીને બ્રેક મળી ગયો ‘યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા કયા હૈ..’ ગીતથી અને ૧૯૪૭માં ફિલ્મ રિલીઝ થઈને મહંમદ રફીનું નામ સ્થાપિત થઈ ગયું હિન્દી ફિલ્મજગતમાં ગાયક તરીકે. મહંમદ રફીની કારકિર્દીની શરૂઆતમાં સૌથી વધારે ફાળો પંડિત હુશનલાલ-ભગતરામની જોડીએ આપ્યો અને ૧૯૫૦ પછી તો દરેક સંગીતકારો માટે પ્રિય ગાયક મહંમદ રફી જ થઈ ગયા. રફી દિવસમાં પાંચ નમાજ પઢનાર એકદમ શ્રદ્ધાળુ મુસલમાન હતા પણ દરેક ધર્મોનું સન્માન કરતા હતા. રફીએ દરેક ધર્મોનાં ભજનો કે ભક્તિ ગીતો એટલી ઉત્કંઠાથી ગાયા છે કે સાંભળનારને એમ જ થઈ જાય કે આ ગાયક આ જ ધર્મને અનુસરતો આસ્તિક હશે!
હિન્દી ફિલ્મોના જાણીતા અને અજાણ્યા બધા જ સંગીતકારો સાથે રફીએ કામ કર્યું અને અમુક અજાણ્યા સંગીતકાર ને એમણે પોતાનાં ગીતો વડે અમર કરી દીધા! એક જ ઉદાહરણ અહીંયા હું મૂકું છું, ‘સંગીતકાર જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલ માં પ્યારેલાલ શર્માના ભાઈ ગણેશ શર્મા હતા અને આ ગણેશ શર્માએ અમુક ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ કરેલું પણ એમણે ફક્ત ગણેશ નામથી સંગીત આપેલું એટલે પ્યારેલાલ શર્મા સાથેનું એમનું સગપણ જાહેર નથી! આ ગણેશને અમર કરી દેતું ગીત મહંમદ રફીએ ગાયેલું છે ‘એક નારી દો રૂપ’ નામની ફિલ્મમાં જે પરદા પર શત્રુઘ્ન સિંહાએ ગાયું, ‘દિલ કા સુના સાજ તરાના ઢૂંઢેગા, તીરે નિગાહે નાઝ નિશાના ઢૂંઢેગા, મુજકો મેરે બાદ ઝમાના ઢૂંઢેગા..’ આ ગીત અર્ષદ ભોપાલીએ લખેલું.
ઘણી વખત હિન્દી ફિલ્મગીતોમાં ગીત શરૂ થતાં પહેલાં નીચા સ્વરે અથવા એકદમ ઊંચા સ્વરે એક-બે શેર કહેવામાં આવે છે ગાયક દ્વારા, ઉદાહરણ તરીકે ‘સંગમ’નું ગીતની શરૂઆત, ‘મહેરબા લિખું હસીના લિખું યા દિલરૂબા લિખું, હૈરાન હું મેં આપકો ઇસ ખતમે કયા લિખું..’
‘મુગલ-એ-આઝમ’ ફિલ્મનું ગીતની સ્ટાર્ટ જુઓ, ‘વફા કી રાહ મેં આશિક કી ઈદ હોતી હૈ, ખુશીયા મનાવો મહોબ્બત શહીદ હોતી હૈ..’
આ જે ગીતો પહેલા કહેવાયેલ શેરને અંગ્રેજીમાં ‘કપલેટ’ કહેવામાં આવે છે અને આખી દુનિયામાં મહંમદ રફી જેવો કોઈ ગાયક થયો નથી જેના ગાયેલા કપલેટ સહિત લોકોને ગીતો યાદ હોય! થોડામાં ઘણું કહેવું હોય ત્યારે આપણે મહંમદ રફીએ ગાયેલાં
ગીતો વડે જ એમને સલામ કરીએ તો!
જે. ઓમપ્રકાશની સુપરહિટ ફિલ્મ ‘અપનાપન’માં લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં આનંદ બક્ષી સાહેબના શબ્દો છે મહમદ રફી સાહેબના અવાઝમાં,”આદમી મુસાફિર હે,આતા હે જાતા હે,આતે જાતે રસ્તેમે યાદે છોડ જાતા હે…
કોઈપણ માણસની યાદો અમુક સીમિત વર્તુળના લોકો પૂરતી જ મર્યાદિત હોવાની કારણકે એ માણસના પરિચયમાં આવેલા એના સગા સ્નેહી મિત્રો હોય હોયને કેટલા હોય! મહમદ રફી સાહેબની યાદ એમના અવાજ થકી આખા હિન્દુસ્તાનના કરોડો લોકોના મન મગજમાં અમર છે.
મોહનકુમારની ફિલ્મ અમરીશ સેગલનું ડિરેક્શન અને ઉષાખન્નાનું સંગીત. શાયર નિદા ફાઝલીના શબ્દો. “તૂ ઇસ તરહ સે મેરી જિંદગી મેં સામીલ હે, જહાં ભી જાઉં યે લગતા હે તેરી મહેફિલ હે…
મહંમદ રફી માટે આ શબ્દો જોઈએ તો એક યુગમાં હિન્દુસ્તાનના કરોડો લોકો જે આજે ૪૦ પાર કરી ગયા છે એ બધા જ જ્યારે યુવાન હતા, કિશોર હતા ત્યારે તેઓ ગમે ત્યાં જાય ત્યાં મહંમદ રફી સાહેબનો અમર અવાજ એમની સાથે જ રહેતો. એ સૌની જિંદગીમાં રફી સાહેબ સામીલ હતા એ યુગમાં. “આપ તો ઐસે ન થે “ફિલ્મનું આ ગીત ત્રણ ગાયકોએ ગાયેલું મનહર ઉધાસ, હેમલતા અને રફી સાહેબ. મનહર અને હેમલતા વાળું વર્ઝન સહેજ ધીમું હતું એકાદ મિનિટ વધારે ચાલે જ્યારે રફી સાહેબ વાળું ફાસ્ટ લયમાં અને આખા
હિન્દુસ્તાનમાં રફી સાહેબવાળું વર્ઝન ગૂંજી ઊઠેલું.
શક્તિ સામંતની ફિલ્મ શંકર જયકીશનનું સંગીત અને રફી સાહેબનો અવાજ.
“પગલાં કહી કા ફિલ્મ. “તુમ મુજે યુ ભુલા ન પાઓગે, જબ કભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે.
રફી સાહેબ માટે એક એક શબ્દ સાચો.ગીતનો એક અંતરો છે એ જુઓ, “મુજકો દેખે બીના કરાર ન થા એક ઐસા ભી દૌર ગુજરા હે, જુઠ માનો તો દિલ સે પૂછો તુમ. મેં કહુગા તો રુઠ જાઓગે. “આજે ચાલીસ પાર કરી ગયેલા લોકોને એક જમાનામાં એવો એક પણ દિવસ યાદ નહિ આવે કે એ દિવસે કમ સે કમ એક ગીત રફી સાહેબનું ન સાંભળ્યું હોય. પણ આજે યુગ બદલાઈ ગયો અને પરિવર્તન સંસારનો નિયમ છે એનો કોઈ હરખ શોક ન હોય.
આ પૃથ્વી પરથી પસાર થઈને
કરોડો હિન્દુસ્તાનીઓની અંગત લાગણીમાં દિલ-દિમાગમાં સ્થાન મેળવી ગયેલા મહંમદ રફી સાહેબને ખુદ અલ્લાહ પણ કહેતા હશે કે,”તેરે જમાલ સે રોશન હે કાયનાત મેરી…