આગામી મહિને પાટનગર અને ‘પિંક સિટી’ વચ્ચે દોડાવાશે
નવી દિલ્હીઃ પંદરમી ફેબ્રુઆરી, 2019ના સૌથી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી. બુધવારે પૂરા ચાર વર્ષ પછી આજે પ્રયાગરાજ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વારાણસીથી દિલ્હી વચ્ચે દોડાવવામાં આવેલી સૌથી પહેલી વંદે ભારત એક્સપ્રેસ પછી અત્યાર સુધી દેશમાં કુલ 10 વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે. દેશના 17 રાજ્યમાં 108 જિલ્લાને વંદે ભારત જોડે છે. રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ પછી વંદે ભારત એક્સપ્રેસે ચાર વર્ષમાં મહાનગરોને જોડવાનું મહત્ત્વનું કામ કર્યું છે, જે વાસ્તવમાં ગેમ ચેન્જર સાબિત થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દેશની સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન (વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એકદમ આધુનિક છે, જે આગામી દિવસોમાં પાટનગર દિલ્હી અને જયપુર (ગુલાબી નગરી-પિંક સિટી) વચ્ચે દોડાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રાજસ્થાનના પાટનગર જયપુર અને નવી દિલ્હીની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની તૈયારી કરવામાં આવી છે, જેમાં બાય રોડ પાંચથી છ કલાકનો સમય લાગે છે. આ સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ મારફત બે કલાકમાં દિલ્હીથી જયપુર પહોંચી શકાશે. અલબત્ત, દિલ્હીથી જયપુરની વચ્ચે વંદે ભારત ટ્રેન અગાઉની તુલનામાં અડધા સમયમાં પહોંચી શકાશે. પહેલા દિલ્હીથી જયુપરની વચ્ચે પાંચથી છ કલાકનો સમય લાગતો હતો, પરંતુ ચાલુ કરવાથી તેના ટ્રાવેલિંગ સમયમાં ઘટાડો થવાથી પ્રવાસીઓને ફાયદો થશે. એના સિવાય દિલ્હીથી ઉદેપુર વચ્ચે પણ દોડાવાશે. વંદે ભારત ટ્રેન દોડાવવા માટે રેલવેએ 30 કરોડ રુપિયાનું ભંડોળ રાજસ્થાન માટે ફાળવવામાં આવ્યું છે. દિલ્હીથી જયપુરની વચ્ચે આગામી મહિનાથી દોડાવી શકાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈથી બે વંદે ભારત એક્સપ્રેસ ચાલુ કરી હતી, જેમાં ટ્રેનની સ્પીડ કલાકના 160 કિલોમીટરની ઝડપની છે. આ ટ્રેનને 100 કિલોમીટરની સ્પીડ પકડવા માટે 52 સેકન્ડનો સમય લાગે છે, જ્યારે ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે. એની સાથે એક્ઝક્યુટિવ કોચની સીટ 180 ડિગ્રીએ ઘૂમી શકે છે, જ્યારે ટ્રેનમાં સીસીટીવી કેમેરા, વેક્યુમ ટોઈલેટ, પાવર બેકઅપ, જીપીએસ આધારિત ઈન્ફર્મેશન સિસ્ટમ સહિત અન્ય આધુનિક ટેક્નોલોજીને ઈન્સ્ટોલ છે.