રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રવિવારે મુંબઇમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેઓ બોલ્યા કે, ભારત વિશ્વગુરુ ના બની શકે તે માટે આપણા દેશ વિશે ગેરસમજણ અને વિકૃત માહિતી ફેલાવવામાં આવી રહી છે. અસુરી શક્તિ આપણને મારવાનો પ્રયત્ન કરી રહી છે. આ લઢાઇ માટે આપણે લોકોને તૈયાર કરવા પડશે. ત્યારે આપણો દેશ ચોક્કસ પણે વિશ્વગુરુ બની શકશે.
આ સભાને સંબોધતા મોહન ભાગવત બોલ્યા કે ભારત માટે આવી ગેરસમજણ 1857માં પહેલી સ્વતંત્રતા લડાઇ બાદ ફેલાવવામાં આવી હતી. જોકે, સ્વામી વિવેકાનંદજીએ આવા લોકોને સચોટ જવાબ આપ્યો હતો. કોઇ પણ દેશ તર્કના આધારે આપણી પ્રગતિ રોકી શકતો નથી તેથી આપણા દેશ વિશે ખોટી સમજ ફેલાવવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહનરાવ ભાગવતે વધુમાં કહ્યું હતું કે તત્વ અને વ્યવહારને સાથે લઇને ચાલવું જોઇએ. અને આપણું જીવન સાર્થક કરવું જોઇએ. આ દેશ વિશ્વગુરુ બનવો જોઇએ એમ મને લાગે છે, જેમને એમ નથી લાગતું એ પણ ક્યાંક એવું તો વિચારતાં જ હશે કે આપણો દેશ સૌથી આગળ રહે. આખું ભારત એક રાષ્ટ્ર તરીકે ઊભું રહે એવી તૈયારી અમે કરી રહ્યાં છે. આજે આપણે એવી જગ્યાએ છીએ કે જ્યાં વિશ્વ કહી રહ્યું છે કે ભારતનું અનુકરણ કરો. પણ તે માટે સંઘર્ષ કરવો પડશે. અમે જોઇ રહ્યાં છે કે 20-30 વર્ષમાં ભારત વિશ્વગુરુ બનશે. તેથી જ આવનારી પેઢીને અમે તૈયાર કરી રહ્યાં છીએ.