થાણેના સિને વંડર મોલ પાસે આવેલ ઓરિયન બિઝનેસ પાર્ક નામની ઇમારતમાં મંગળવારે મોડી સાંજે ભિષણ આગ લાગી હતી. આગ એટલી બેકાબુ થઇ કે તેને કારણે બાજુમાં આવેલ સિને વંડર મોલ પણ આગની લપેટમાં આવી ગયું. લગભગ 10 કલાક બાદ ફાયરબ્રિગેડને આ આગ ઓલવવામાં સફળતા મળી હતી. આગને કારણે બિલ્ડીંગમાં પાર્ક કરેલાં 10 થી 12 વાહનો બળીને ખાંખ થઇ ગઇ હતાં. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર થાણેમાં આવેલ ઓરિયન બિઝનેસ પાર્ક નામની ઇમારતમાં મંગળવારે લગભગ 8 વાગ્યાના સુમારે ભિષણ આગ લાગી હતી. જેને કારણે બાજુમાં આવેલ સિને વંડર મોલ પણ આગની ચપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તરત જ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરુ કરવામાં આવ્યો હતો. આ ઇમારતમાં ફસાયેલા તમામ લોકોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતાં. આ દુર્ઘટનામાં કોઇ પણ જાનહાની કે ઇજા થઇ નથી.
ઓરિયન બિઝનેસ પાર્ક એ થાણેના ઘોડબંદર રોડ પર આવેલ પાંચ માળની કમર્શીયલ ઇમારત છે અચાનક આ ઇમારતમાં આગ લાગતાં આસ-પાસના લોકોમાં નાસ-ભાગ મચી ગઇ હતી. ઘોડબંદર રોડને જોડનારા રસ્તા પર આગની મોટી મોટી જ્વાળાઓ દેખાઇ રહી હતી જેને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.
જે ઇમારતમાં આગ લાગી હતી ત્યાં કેટલાંક લોકો ફંસાયા હોવાની જાણકારી ફાયરબ્રિગેડને મળી હતી. જોકે સમય રહેતાં તમામ લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતાં. એટલું જ નહીં પણ આ ઇમારતને કારણે સિને વંડર મોલ પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આગની માહિતી મળતાં જ સિને વંડર મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો. આખરે દસ કલાકની મહેનત બાદ સવારે આગ કાબુમાં આવી હતી.