શ્રદ્ધા મર્ડર કેસ પ્રકરણે દરરોજ નવી માહિતી સામે આવી રહી છે ત્યારે બુધવારે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર શ્રદ્ધાએ બે વર્ષ પહેલા મુંબઈ પોલીસને આફતાબના હિંસક વર્તન અંગે ફરિયાદ નોંધાવી હતી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધાએ 23 નવેમ્બર 2020ના દિવસે પાલઘર પોલીસને આપેલા પત્રમાં જણાવ્યું હતું કે, તેનો લીવ ઈન પાર્ટનર આફતાબ તેને મારતો હતો. જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે મારા ટુકડા કરી નાંખશે.
માહિતી એવી પણ મળી રહી છે કે શ્રદ્ધાએ આફતાબના હિંસક વ્યવહાર વિશે તેના પરિવારને પણ જણાવ્યું હતું, પરંતુ કોઈએ કશું કર્યું જ નહોતું.
શ્રદ્ધાએ પાલઘર પોલીસને આપેલો પત્ર સામે આવ્યો છે જેમાં શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, “મારું નામ શ્રદ્ધા વાલકર છે અને હું 25 વર્ષની છું. હું 26 વર્ષીય આફતાબ અમીન પૂનાવાલાની ફરિયાદ કરવા માગું છું. તે વિજયનગર કોમ્પ્લેક્સના રીગલ એપાર્ટમેન્ટમાં રહે છે.
તે મારી મારપીટ કરવાની સાથે ગાળાગાળી પણ કરે છે. આજે તેણે મારું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મને ધમકી આપી હતી અને બ્લેકમેઈલ કરીને કહ્યું, તે મારી નાખશે અને મારા ટુકડા કરી દેશે. તે 6 મહિનાથી મને મારતો હતો, પરંતુ મારી પાસે પોલીસ ફરિયાદ કરવાની કોઈ હિંમત ન હતી, કારણ કે તે મને મારી નાખવાની ધમકી આપતો હતો.
દિલ્હી પોલીસે બુધવારે મુંબઈ જઈને શ્રદ્ધાના પરિવારજનોનાં નિવેદનો નોંધ્યા હતા. શ્રદ્ધા અને આફતાબના સંબંધોને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે. મંગળવારથી રોહિણી ફોરેન્સિક લેબમાં આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ શરૂ થયો છે. આ પ્રક્રિયા લગભગ એક અઠવાડિયા સુધી ચાલશે. દિલ્હી પોલીસે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની વસઈ ક્રાઈમ બ્રાન્ચમાં આફતાબના ત્રણ મિત્રનાં નિવેદન નોંધ્યા છે. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 17 લોકોનાં નિવેદન નોંધ્યા છે.
ફડણવીસે આપી પ્રતિક્રિયા
આ પ્રકરણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, શ્રદ્ધાનો લેટર મારા પાસે પણ આવ્યો છે. આ ખૂબ જ ગંભીર બાબત છે કે પત્ર બાદ પણ કાર્યવાહી શા માટે કરવામાં ન આવી. તેની તપાસ કરવી જોઈએ. હું કોઈને દોષ આપવા નથી માગતો, પરંતુ આ પ્રકારની ફરિયાદ સામે કાર્યવાહી નથી થઈ તે માટે આ મામલાની તપાસ જરૂરી છે. જો આ લેટર બાદ કાર્યવાહી થઈ હોત તો શ્રદ્ધાનો જીવ બચી જાત.