શ્રદ્ધા મર્ડર કેસની તપાસ દિલ્હી પોલીસ કરી રહી છે ત્યારે આફતાબની નાર્કો ટેસ્ટ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપી આફતાબની નાર્કો ટેસ્ટ પહેલા પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટ માટે કોર્ટ પાસેથી મંજૂરી લેવામાં આવી હતી અને કોર્ટે આ ટેસ્ટ માટે મંજૂરી આપી હોવાનું સૂત્રોએ હાલમાં જણાવ્યું હતું. પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવાય છે.
કોર્ટ પાસેથી પરવાનગી મળ્યા બાદ 10 દિવસમાં પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. આફતાબ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેના વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં નાર્કો ટેસ્ટ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આફતાબે પુછપરછ દરમિયાન શ્રદ્ધાનું માથુ મહરૌલીના તળાવમાં ફેંક્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે દિલ્હી પોલીસે તાત્કાલિક તળાવ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સતત ત્રીજા દિવસે મહરૌલીના જંગલમાં અત્યાર સુધી મૃતદેહના 17 ટૂકડા મળી આવ્યા છે. આ તમામ હાડકાના સ્વરૂપમાં હોવાથી પોલીસે તેને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.