મુંબઈ: દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની નિર્દયતાથી હત્યા કરી તેના શરીરના ૩૫ ટુકડા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આફતાબ પૂનાવાલાએ જૂનમાં ૩૭ બૉક્સમાં ઘરનો માલસામાન ભરીને વસઈના ફ્લૅટમાંથી દિલ્હીના મહરૌલી સ્થિત ફ્લૅટમાં શિફ્ટ કરાવ્યો હતો અને આ માટે તેણે ૨૦ હજાર રૂપિયા ચૂકવ્યા હતા.
પૂનાવાલાએ પૂછરછમાં દિલ્હી પોલીસને કહ્યું હતું કે પાલઘર જિલ્લાના વસઈ સ્થિત તેમના ફ્લૅટમાંથી સામાન દિલ્હી લઈ જવા માટે થનારો પરિવહન ખર્ચ કોણ ચૂકવશે તે બાબતે બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો.
જોકે ગૂડલક પૅકર્સ ઍન્ડ મૂવર્સ દ્વારા જૂનમાં આ સામાન ખસેડવામાં આવ્યો ત્યાર પછી કોણે નાણાં ચૂકવ્યાં હતાં તેની દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.
દરમિયાન આ પૅકેજિંગ કંપનીના કર્મચારીનું નિવેદન પણ રવિવારે દિલ્હી પોલીસે નોંધ્યું હતું, જેમાં વસઈના એવરશાઈન સિટીમાં વ્હાઈટ હિલ્સ સોસાયટીમાંના ફ્લૅટમાંથી પૂનાવાલાએ દિલ્હીના છત્તરપુરના ફ્લૅટમાં સામાન ભરેલાં ૩૭ બૉક્સ ખસેડ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)