ગાંધીજી વિશેષ -આશુ પટેલ
ગાંધીજીના પુત્રએ તેમને પૂછ્યું હતું કે ૧૯૦૮માં તમારા પર જ્યારે જોખમી હુમલો થયો એ વખતે હું હાજર હોત તો મારે શું કરવું જોઈતું હતું? મારે તમને મરતાં જોઈને નાસી છૂટવું જોઈતું હતું કે પછી તમારા બચાવ માટે મારી શારીરિક શક્તિ અજમાવવી જોઈતી હતી? એ વખતે ગાંધીજીએ તેને કહ્યું હતું કે તારી એ ફરજ હતી કે તું હિંસાનો સહારો લઈને મારી રક્ષા કરે!
———
-ગાંધીજીએ શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની આવે તો હું હિંસા પસંદ કરવાની સલાહ આપીશ!
———
છેડતી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલી વિદ્યાર્થિનીઓને ગાંધીજીએ કહ્યું હતું: તમારા પર કોઈ બળાત્કારનો પ્રયાસ કરે અને તમે તમારા સ્વબચાવ માટે છરીથી પ્રતિકાર કરો તો પણ એને હું અહિંસાત્મક પ્રતિકાર જ કહું! તમારા માટે એ હિંસા નહીં, અહિંસા જ ગણાય
———
ગાંધીજી અહિંસાના હિમાયતી હતા એવું આપણને હંમેશાં ગાઈ-વગાડીને કહેવાયું છે. ગાંધીજીને તેમના ચુસ્ત અનુયાયીઓમાંથી પણ બહુ ઓછા ઓળખી શક્યા છે. બાકી બધા આંધળું અનુકરણ કરનારા અનુયાયીઓએ તેમની બુદ્ધિ પ્રમાણે આ મહામાનવનું મૂલ્યાંકન કર્યું. ગાંધીજીના અહિંસાના વિચારો વિશે તો આપણી સામે પાઠ્યપુસ્તકોથી માંડીને અનેક પ્રકારે માહિતી ઠલવાતી રહી છે. પણ આજે આપણે એ વાત કરવી છે કે ચોક્કસ સંજોગોમાં ગાંધીજી હિંસાને પણ સમર્થન આપતા હતા! જી હા,તમે બરાબર વાંચ્યું છે,ગાંધીજી અનેક વાર ચોક્કસ સંજોગોમાં હિંસાની હિમાયત કરી ચૂકયા છે! તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહી ગયા છે કે કાયરતા અને હિંસાની વચ્ચે પસંદગી કરવાની આવે તો હિંસાને પ્રાધાન્ય આપવું જોઈએ.
હવે મૂઢમતિ,મંદબુદ્ધિ અને જડબુદ્ધિના માણસો સિવાયના લોકો માટે ગાંધીજીના જીવનની આ અનોખી બાજુ રજૂ કરું છું. ખુુલ્લા મનથી અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં આ વાત સમજવા જેવી છે.
એક કિસ્સા સાથે વાત માંડીએ. એક વાર ગુજરાત વિદ્યાપીઠની કેટલીક વિદ્યાર્થિનીઓ ગાંધીજીના અંતેવાસી (ગાંધીજીને જેઓ બહુ સારી રીતે સમજી શકયા હતા) એવા કિશોરલાલ મશરૂવાળા પાસે ગઈ. તેમના ચહેરા પર રોષ છલકાતો હતો અને તે છોકરીઓ કશી ફરિયાદ કરવા માગતી હતી એવું કિશોરલાલ મશરુવાળાને સમજાયું. તે વિદ્યાર્થિનીઓ કશું બોલે એ પહેલા જ મશરૂવાળાજીએ તેમને પૂછ્યું કે ‘તમારે મારી પાસે શા માટે આવવું પડ્યું? કોઈ ફરિયાદ હોય તો મને સંકોચ વિના કહો.’
વિદ્યાર્થિનીઓએ કહ્યું કે ‘અમે તમારી પાસે માર્ગદર્શનની અપેક્ષાએ આવ્યા છીએ અને ફરિયાદ કરવા પણ આવ્યા છીએ. ઘણા છોકરાઓ કોઈ કોઈ વાર અમારી મશ્કરી કરે છે અને છેડતી પણ કરે છે. તેમનો પ્રતિકાર અમારે કઈ રીતે કરવો તે માટે અમને માર્ગદર્શન આપો.’
કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું કે ‘તમારી છેડતી કરનારા છોકરાઓને તમે તમારા જૂતા વડે ફટકારજો. આ જ પ્રતિકારનો સાચો પ્રકાર છે.’
તેમની એ સલાહથી કોલેજની વિદ્યાર્થિનીઓને આંચકો લાગ્યો તેમણે કહ્યું કે એ તો હિંસા થઈ ન કહેવાય?’
મશરૂવાળાએ કહ્યું કે ‘ના એ હિંસા ન કહેવાય!’
એમ છતાં છોકરીઓની આંખોમાં શંકા વંચાતી હતી. મશરૂવાળાએ વિદ્યાર્થીનીઓની આંખમાં એ શંકા વાંચી અને તેમને કહ્યું કે ‘જો તમને મારી સલાહ પર – મારા માર્ગદર્શન પર શંકા હોય તો તમે ગાંધીજીને મળીને તેમને પૂછી જુઓ.’
તે કોલેજિયન છોકરીઓ ગાંધીજી પાસે ગઈ. તેમણે ગાંધીજીને કહ્યું કે ઘણા છોકરાઓ અમારી મશ્કરી અને છેડતી કરે છે એના માટે અમે કિશોરલાલ મશરૂવાળા પાસે ગયા અને માર્ગદર્શન માગ્યું તો તેમણે કહ્યું કે ‘તમારી છેડતી કરનારા છોકરાઓને તમારા જૂતાં વડે ફટકારજો. તેમની આ સલાહથી અમે દ્વિધામાં મુકાયા છીએ કે આ તો હિંસા ન થઈ કહેવાય! તેમણે કહ્યું કે તમને મારા માર્ગદર્શન પર શંકા હોય તો બાપુ પાસે જઈને પૂછો.’
ગાંધીજીએ કહ્યું, ‘તેમની સલાહ સાચી છે. તમારા પર કોઈ બળાત્કારનો પ્રયાસ કરે અને તમે તમારા સ્વ-બચાવ માટે છરીથી પ્રતિકાર કરો તો પણ એને હું અહિંસાત્મક પ્રતિકાર જ કહું! તમારા માટે એ હિંસા નહીં અહિંસા જ ગણાય.’
વિદ્યાર્થિનીઓ દિગ્મૂઢ બનીને ગાંધીજી સામે જોતી જ રહી ગઈ!
આ કંઈ એક જ ઘટના નહોતી કે જ્યારે ગાંધીજીએ હિંસાની હિમાયત કરી હોય. એક સદી અગાઉ તેઓ દક્ષિણ આફ્રિકામાં લોયર કમ એક્ટિવિસ્ટ હતા એ વખતે પણ તેમણે કહ્યું હતું કે કાયરતા અને હિંસાની વચ્ચે પસંદગી કરવાની હોય એવા સંજોગોમાં હું હિંસાની સલાહ આપીશ. તેમણે કહ્યું હતું કે મારા મોટા દીકરાએ મને પૂછ્યું હતું કે ૧૯૦૮માં મારા પર (ગાંધીજી પર) જ્યારે જોખમી હુમલો થયો એ વખતે તે હાજર હોત તો તેણે શું કરવું જોઈતું હતું. તેણે મને મરતો જોઈને નાસી છૂટવું જોઈતું હતું કે પછી તેણે મારા બચાવ માટે તેની શારીરિક શક્તિ અજમાવવી જોઈતી હતી? મેં તેને કહ્યું હતું કે તેની એ ફરજ હતી કે તે હિંસાનો સહારો લઈને કરીને મારી રક્ષા કરે!
ગાંધીજીએ કહ્યું હતું કે જે લોકો મેથડ ઓફ વાયોલન્સમાં માને છે એમને હું શસ્ત્ર ચલાવવાની તાલીમ લેવાની હિમાયત કરું છું. પરંતુ અહિંસાને હું હિંસા કરતા સુપિરિયર માનું છું. માફી આપવી એ સજા કરવા કરતા વધારે મર્દાનગીભર્યો રસ્તો છે.
ગાંધીજીએ૧૯૨૪માં કહ્યું હતું કે ‘મારી અહિંસા એવું નથી કહેતી કે કાયર બનો. જ્યાં ભય હોય અને આપણી વ્યક્તિઓના જીવ જોખમમાં હોય,તેઓ અસુરક્ષિત હોય એ વખતે નાસી છૂટવાની સલાહ મારી અહિંસાની વિચારસરણી નથી આપતી. હિંસા અને કાયરતા વચ્ચે હું હિંસાને પ્રાથમિકતા આપીશ.’તેમણે જો કે એવું
પણ કહ્યું હતું કે ‘અહિંસા એ બહાદુરીની પરાકાષ્ઠા છે.’
એ પછી૧૯૩૫માં તેમણે લખ્યું હતું કે ‘જે વ્યક્તિમાં પ્રતિકારની શક્તિ ન હોય જેના મનમાં ભય હોય એને અહિંસા ન શીખવી શકાય.’એ પછી ૧૯૩૯માં અંગ્રેજ સરકાર વિરુદ્ધની ચળવળ તીવ્ર બની રહી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હું કોઈપણ સંજોગોમાં કાયરતા સહન ન કરી શકું. હું કાલે ન હોઉં ત્યારે કોઈ વ્યક્તિ એવું ન કહેવી જોઈએ કે મેં કાયર બનતા શીખવ્યું હતું. હું એના કરતાં હું તમને એવું એવું શીખવવાનું પસંદ કરીશ કે કાયરની જેમ સતત ભય હેઠળ જીવવા કરતા લડાઈ કરતા-કરતા મરી જવું એ બહેતર છે. એક યોદ્ધા માટે લડાઈ છોડીને નાસી જવા કરતા લડતા-લડતા મરી જવાનું યોગ્ય છે. કાયરતા એ હિંસા કરતાં વધુ ખરાબ છે કેમ કે કાયર ક્યારેય અહિંસક ન બની શકે.
અમેરિકન પ્રોફેસર કમ એક્ટિવિસ્ટ નોર્મન જી. ફિંકલસ્ટેને ગાંધીજી વિશે એક બુક લખી છે: ‘વોટ ગાંધી સેયઝ’.એ બુકમાં ગાંધીજીએ કયા સંજોગોમાં હિંસા વાજબી ગણાય એ વિશે ગાંધીજીના વિચારો ટાંક્યા છે. એ પુસ્તકમાં ગાંધીજીના આ શબ્દો પણ ટાંકવામાં આવ્યા છે: કોઈ ઉંદર બિલાડીને જોઈને નાસી છૂટે તો એ અહિંસા નથી. અને ઉંદર માટે એ કાયરતા પણ નથી,પણ માણસ ભય જોઈને ઉંદરની જેમ નાસી છૂટે તો તેને કાયર કહેવાય.
આ સિવાય અન્ય એવી અન્ય ઘટનાઓ પણ છે,જેમાં ગાંધીજીએ ચોક્કસ સંજોગોમાં,ખાસ તો સ્વ-બચાવ માટે હિંસાની હિમાયત કરી હતી. ગાંધીજીએ અનેક વાર કહ્યું હતું હું જે કહું છું એ કાયરની અહિંસાનો કોઈ જ અર્થ નથી. તેમણે જે અહિંસા સૂચવી છે એ કાયરની અહિંસા નહીં,પણ ડર્યા વિના અન્યાયની સામે પૂરી આત્મશક્તિથી લડનારા વીર પુરુષની અહિંસા છે.
પોતાની જડબુદ્ધિ કે મંદબુદ્ધિ અનુસાર ગાંધીજીને અનુસરનારાઓએ ગાંધીજીના વિચારોના નુકસાન પહોંચાડ્યું છે. ગાંધીજીને પૂરેપૂરા સમજ્યા વિના ઘણા બધા જડબુદ્ધિના ગાંધીવાદીઓએ ગાંધીજીના વિચારોનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. ગાંધીજી મહામાનવ હતા. તેમને સમજવા માટે સામાન્ય વ્યક્તિને એક જન્મ પણ ઓછો પડે. ગાંધીજીએ પોતાની ભૂલો પણ સ્વીકારી હતી. અમુક મુદ્દે તેમના વિચારો વર્ષો પછી બદલાયા પણ હતા. પરંતુ,કાયરતા અને હિંસાની વચ્ચે પસંદગીના મુદ્દે તેમણે જુદા-જુદા સમય દરમિયાન એ જ વાત કહી હતી કે કાયરતા અને હિંસાની વચ્ચે પસંદગી કરવાની હોય તો હું હિંસાની પસંદગી કરવાની સલાહ આપીશ.