Homeઉત્સવદેવોની ભૂમિમાં આવેલા પંચ પ્રયાગની અદ્વિતીય સફર મનની સંવેદનાઓને અફર કરાવશે...

દેવોની ભૂમિમાં આવેલા પંચ પ્રયાગની અદ્વિતીય સફર મનની સંવેદનાઓને અફર કરાવશે…

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

દેવભૂમિ ઉત્તરાખંડની પાવનભૂમિ પરથી પોતાની યાત્રા શરૂ કરતાં ગંગાજી માત્ર એક નદી નથી કરોડો ભારતવાસીઓની શ્રદ્ધાનો એ પ્રવાહ છે. ગંગાજીના જળમાં હિમાલયના આધ્યાત્મિક સત્ત્વનો નિચોડ છે. જેના પ્રવાહ સાથે સમગ્ર દેશ આધ્યાત્મિક રીતે જોડાયેલો છે. સદીઓથી ગંગાજી ધર્મ અને ધરતીનું સિંચન કરતા આવ્યા છે. આ ગંગાજી ગૌમુખમાંથી નીકળે છે એવું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ગંગાજીના જળનો મુખ્યપ્રવાહ બનતા પહેલા અનેક જળપ્રવાહો મળીને સંપૂર્ણ ગંગાનો પ્રવાહ બનાવે છે. ગંગાજી કોઈ એક પ્રવાહ નથી એ સહિયારા પ્રવાહનો સંગમ છે. એવું કહેવાય છે કે ગંગાજી લોકકલ્યાણ માટે જ્યારે અવતરણ કરવાના હોય છે ત્યારે એમનો પ્રવાહ એટલો વિશાળ હોય છે કે ધરતી પર એમની ધાર ઝીલી નહીં શકાય. તેથી શિવજીએ તેમની જટામાંથી અલગ અલગ ધારા રૂપે ગંગાજીનું અવતરણ ધરતી પર કર્યું અને આ અલગ અલગ ધારાઓ પંચ પ્રયાગ તરીકે મળીને ગંગાજીનો મુખ્ય પ્રવાહ બનાવે છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં આવેલા આ પાંચ પ્રયાગોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.
કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રીમાંથી નીકળતા મુખ્ય પ્રવાહોને માર્ગમાં અલગ-અલગ નદીઓના પ્રવાહો મળે છે. સામાન્ય રીતે પ્રયાગ એટલે બે કે તેથી વધુ નદીઓના જળનું એકબીજામાં ભળવું. આ સ્થળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પ્રયાગોની આસપાસ અનેક ઘાટ અને આશ્રમો આવેલા છે. આ પાંચ પ્રયાગોથી ગંગાજીના પંચપ્રયાગ બને છે.
૧. વિષ્ણુપ્રયાગ = અલકનંદા + ધૌલીગંગા (વિષ્ણુગંગા)
૨. નંદપ્રયાગ = અલકનંદા + નંદાકિની
૩. કર્ણપ્રયાગ = અલકનંદા + પિંડર (કર્ણગંગા)
૪. રુદ્રાપ્રયાગ = અલકનંદા + મંદાકિની
૫. દેવપ્રયાગ = અલકનંદા + ભાગીરથી
હિમાલયના અલૌકિક વિસ્તારમાં વહેતા ગંગાજીની સફર માણવી એક લહાવો છે. પોતાના અંદાજમાં વહેતા મંજિલની પરવા કર્યા વગર આસપાસની નદીઓ સાથે સંગમ કરતા ગંગાજી જાણે દરેક જીવને હળીમળીને રહેવાનો સંદેશ આપી જાય છે. તેમનો પ્રવાહ પ્રેમ મિશ્રિત છે. જેમાં દરેક માટે મીઠો આવકાર છે. આપણે જાણીએ છીએ કે અલકનંદા અને ભાગીરથીના સંયુકત પ્રવાહને ગંગા તરીકે ઓળખવામાં આવે છે તેની પહેલા આવતા પ્રયાગોનું સાંનિધ્ય માણીએ.
વિષ્ણુપ્રયાગ
પંચ પ્રયાગોમાં સૌથી પ્રથમ જેની ગણના થાય છે તે વિષ્ણુપ્રયાગ. સતોપનાથ ગ્લેશિયરમાંથી નીકળી બદ્રીનાથ બાબાના ચરણ પખાળતી આવતી અલકનંદા અને નીતિપાસ પાસેથી નીકળતી ધૌલીગંગા (વિષ્ણુગંગા)ના સંગમથી વિષ્ણુપ્રયાગ બને છે. વિષ્ણુપ્રયાગ બદ્રીનાથથી ખૂબ જ નજીક પડે છે. જોશીમઠથી બાર કિલોમીટર જેટલા અંતરે આ પ્રયાગ આવેલ છે. નારદજીએ આ જ સ્થળ પર ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી. પ્રયાગ આસપાસ જય અને વિજય નામના પર્વતો છે, જે ભગવાન વિષ્ણુના દ્વારપાળ છે એવું માનવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુનારાયણનું મંદિર છે જેની સ્થાપનાં ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈએ કરાવી હતી. જેના વિષ્ણુકુંડમાં યાત્રાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓના સંગમને ખૂબ જ પવિત્ર માનીને ત્યાં સ્નાન કરવાનું ખૂબ જ માહાત્મ્ય રહેલું છે. અહીં અલકનંદાનો પ્રવાહ ખૂબ જ વેગીલો છે. નાના બાળકની જેમ ખૂબ જ ઉત્સાહથી પોતાની ધૂનમાં આસપાસ જોયા વગર જાણે દોડ્યા જ કરે છે એવું લાગે.
નંદપ્રયાગ
નંદદેવી પર્વતમાંથી નીકળતી નંદાદેવી નદી અને અલકનંદાના પ્રવાહો નંદપ્રયાગ પાસે મળે છે. અહીંથી આગળ વીસ કિલોમીટર કર્ણ પ્રયાગ આવેલ છે. નંદબાબાએ પુત્ર પ્રાપ્તિ માટે અહીં ભગવાન વિષ્ણુની તપસ્યા કરી હતી. જેના કારણે પણ આ પ્રયાગ નંદના નામથી ઓળખાય છે.
અહીં કર્ણવ ઋષિનો આશ્રમ પણ આવેલ છે. કાલિદાસના શકુંતલા અને દુષ્યંતની પ્રણય ગાથા પણ આ સ્થળ સાથે જોડાયેલી છે. ભૂગોળના નિયમ પ્રમાણે સંગમ પર જે નદીનો પ્રવાહ વધુ ઊંડો હોય તે નદીના નામ પરથી આગળનો પ્રવાહ ઓળખાય અને જો બને પ્રવાહ સમાંતર થઈ જાય તો આગળ નવા નામથી ઓળખાય છે. તેથી અહીંથી આ પ્રવાહ અલકનંદા નામથી જ આગળ વધે છે.
કર્ણપ્રયાગ.
એવું કહેવાય છે કે કર્ણએ અહીં ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી અને અહીં જ ભગવાન સૂર્યએ કર્ણથી પ્રસન્ન થઈને તેને કવચ અને કુંડળ આપ્યાં હતાં. એવું કહેવાય છે કે અહીં જ ભગવાન શ્રીકૃષ્ણએ કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં કુમાઉ હિમાલયના પિંડર ગ્લેશિયરમાંથી નીકળતી પિંડર નદી કે જે કર્ણગંગા તરીકે પણ ઓળખાય છે. તે અલકનંદા નદીને મળે છે. તેથી અહીં સ્નાન કરીને દાન કરવામાં આવે છે. તેમ જ તર્પણ પણ કરવામાં આવે છે.
રુદ્રપ્રયાગ
કેદારનાથ પરથી આવતી મંદાકિની અને બદ્રીનાથ તરફથી આવતી અલકનંદા નદીનો સંગમ રુદ્રનાથ મંદિર પાસે થાય છે. ભગવાન શિવએ નારદમુનિને અહીં રોદ્ર રૂપના દર્શન આપ્યા હતા. અહીં રુદ્રેશ્ર્વર મહાદેવ, ગૌરી દેવી મંદિર આવેલ છે. કેદારનાથ જવાનો મુખ્ય ગેટવે એટલે રુદ્રપ્રયાગ. ઋષિકેષથી આવતા જ રસ્તા પરથી બે બહેનો ઉમળકાથી એકબીજાને મળવા આતુર હોય એમ અહીં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. કહેવાય છે કે ગુપ્ત સરસ્વતી પણ અહીં જ મળે છે, પણ એ પાતાળલોકમાં વહે છે. અહી રસ્તા પર જ ગાડી ઊભી રાખીને અલગ અલગ રંગોની બન્ને નદીઓને નિહાળતા નિહાળતા મનમાં દૈવિક તરંગો ઉદ્ભવે તેમ જ આ નદીઓ આપણને એના હકારાત્મક તરંગોમાં ખેંચી જાય છે. રુદ્રપ્રયાગમાં મીઠાઈઓ ખૂબ જ સરસ મળે છે. અહીંના સંગમમાં ડૂબકી લગાવવી એ દરેક વ્યક્તિ માટે સ્વપ્ન સમાન હોય છે. રસ્તા પર નદી માની માફક આપણો હાથ પકડીને સાથે સાથે ચાલતી હોય એવો જ ભાસ થાય છે. એક તરફ નદી અને એક તરફ વિશાળ જંગલ સાથેના પહાડો કુદરતની અજોડ સર્જનાત્મકતાનો પરિચય કરાવે છે. ઉત્તરાખંડને અમસ્તી જ દેવોની ભૂમિ નથી કહી.
દેવપ્રયાગ
હિમાલય ગંગાજીને પહાડોમાંથી ભારતનાં વિશાળ મેદાનોમાં વિદાય આપવા આવે એ પહેલા દેવપ્રયાગમાં ગંગાજીને ભાગીરથીમાંથી પૂર્ણ રૂપે ગંગા બનાવે છે. ભાગીરથી અને અલકનંદા એકમેકમાં ભળીને ગંગાજી અહીંથી વહે છે. એવું કહેવાય છે કે ભગવાન રામ રાવણના વધ પછી તેની હત્યાના પાપના નિવારણ માટે અહીં યજ્ઞ કરેલો. તેની યાદમાં અહીં રઘુનાથ મંદિર આવેલું છે. અહીંથી ગંગાના નિર્મળ પ્રવાહને નિહાળતાં આંખ અને મનને શાતા મળે છે એટલે જ કદાચ વડીલોનાં વર્લ્ડ ટૂરમાં પંચપ્રયાગ જ હોય છે. અહીથી ગંગાજીના અલગ જ પ્રંચડ રૂપને વિશાળ પહાડોમાંથી ઉછળતી કૂદતી નિહાળી શકાય તો વળી ક્યાંક ખુલ્લા મેદાનોમાં વિશાળ પટમાં પણ નિહાળી શકાય. શિવપુરી પહોંચતા જ ગંગાજી ખૂબ જ વેગથી વહેતી જોવા મળે છે. છેલ્લે ઋષિકેષથી ગંગાજી ભારતનાં મેદાનોમાં વહેવા લાગે છે એટલે જ કહેવાય છે કે હિમાલય ગંગાજીને છેક હરિનાં દ્વાર સુધી મૂકવા માટે જાય છે.
દરેક સંગમનું આધ્યાત્મિક મહત્ત્વ તો છે, પરંતુ વેગીલા પ્રવાહમાં વહેતા ગંગાજીનું પ્રાકૃતિક સૌંદર્ય અપ્રતિમ છે. અનેક ઋષિમુનિઓના તપથી પવન થયેલા ઘાટ અને સંગમોનું અનેરું મહત્ત્વ રહ્યું છે. તટ પર બેસીને લાંબો સમય સુધી પ્રવાહને જોવો એક લહાવો છે. જીવનમાં શક્ય હોય તો એકવાર જરૂરથી આ સંગમોમાં ડૂબકી લગાવવા જવું જોઈએ. હિમાલયનું સાંનિધ્ય અને ગંગાજીની શીતળતા અપાર શાંતિ આપે છે.
હિમાલયનાં પ્રવાસો કરીએ એટલા ઓછા છે, પણ આમ અલગારી રખડપટ્ટીના ભાગ રૂપે હિમાલય ફરવામાં આવે તો મજ્જા આવે. આ દરેક સ્થળો પર જવા માટે મુખ્ય સ્થળ ઋષિકેષ છે. રેલમાર્ગ લેવો હોય તો હરિદ્વાર ને ત્યાંથી ઋષિકેષ. ઋષિકેષમાં અઢળક આશ્રમ છે. જ્યાં યોગા અને મેડિટેશન કરી શકાય છે. હવાઈ માર્ગે દેહરાદૂનથી ઋષિકેષ જવું સરળ પડે છે. ખાવાપીવા માટે અહીંયાની લોકલ શકકરિયણની ચાટ મસાલાની લિજ્જત માણવા જેવી. રહેવા માટે દરેક સ્થળે સ્વચ્છ અને સસ્તી હોટેલ મળી રહે છે. જિંદગીમાં ખુશીઓને આપણી પાસે આવકારવી હોય તો બસ આમ નીકળી પડવું. હિમાલય ક્યારેય તમને નિરાશ થઈને નહીં, પણ જિંદગી પ્રત્યે દૃષ્ટિકોણ અને અભિગમને બદલીને જ ઘરે મોકલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -