ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
વિહાને આખી રાત ઊંઘ આવી નહીં. મન વારે વારે એ જ વિચારે ચડી જતું કે પોતે મંથનમાં રહેતી એ દિવ્યાંગ તરૂણીઓની મદદ કઈ રીતે કરી શકશે. સ્કૂલમાં જઈ શું રજૂઆત કરશે? પ્રોજેક્ટ માટે જરૂરી રિસોર્સ ક્યાંથી ઊભા કરશે? અને પછી મારે તો ભણવાનું પણ ખરું ને? એવા કેટલાંય સવાલો જાતે ઊભા કરી એના જવાબ શોધવા સતત પડખાં ઘસતી એ ક્યાંય સુધી પડી રહી. રોજ સવારે છ ના ટકોરે, કર્કશ અલાર્મના અવાજે સફાળી જાગી જતી વિહા આજે એદીની જેમ પડી રહેલી. કારણ? માત્ર વિચારો. આપણા મગજને વિચારોનો થાક આમ પણ વધુ લાગતો હોય છે એમાં વિહા હતી તો નાની જ અને એટલાં માટે એની મર્યાદા પણ વધુ હોવાની. પોતે જ હજુ જ્યારે ઘણીખરી રીતે અન્યો પર આધારિત હોય ત્યારે કોઈને મદદરૂપ થવું ચોક્કસપણે અઘરું પડી જતું હોય છે.
વિહાએ સ્કૂલ પહોંચતાવેંત સૌથી પહેલું કામ કર્યું તેણીના ટીચરને મળી આખો ઘટનાક્રમ વર્ણવવાનું, પરંતુ પ્રોજેકટ હતો નાનોસૂનો. એના જેટલો જરૂરી ડેટા મળી ગયો હોય તો અન્ય કોઈ વાતે તેણીએ હાલ ઝાઝો વિચાર કરવો નહીં એવું મંતવ્ય પ્રોજેક્ટ ટીચરે આપ્યું. વિહા માટે તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો. જોકે એણે સ્વભાવગત થોડી દલીલ કરી, પણ આખરે અહીંથી તો કંઈ જ મદદ થઈ શકશે નહીં એનો ખ્યાલ આવી જતાં ‘થેન્ક યુ મેડમ’ એમ પરાણે બોલી તેણીએ ચાલતી પકડી. હવે બીજો ટાર્ગેટ હતો ઘર. ઘરમાં સાંજે જમતા તેણીએ વાતમાંથી વાત કાઢી એમાં તો સીધો ભડકો થયો. હવે આ તૂત નવા કાઢ્યા તેમ કહી ચોખ્ખી મનાઈ જ ફરમાવી દેવામાં આવી. માન્યા કે જેની મદદ વડે તે મનોદિવ્યાંગ તરૂણીઓ સુધી પહોેંચી શકેલી એણે તો વિહાને ચોખ્ખું કહી દીધું કે, “મને તો ખબર જ છે આપણા સામાજિક કલ્ચરમાં સાજા સારા ટીનએજર્સને પણ માનસિક અસ્થિર બનાવી દેવાતા વાર નથી લાગતી તો આ બિચારા જન્મે જ નસીબના બળિયા હોય તેઓની શું વિસાત?, એટલે વિહા તું હજુ નાની છે રહેવા દે આ બધું અને સરખું ભણ, કારણ વગર મોટા થવાના પ્રયત્નો ના કર! માન્યાએ વિહાને આકરા શબ્દોમાં ઝાટકી નાખી કદાચ એટલે કે, એ બહાને વિહાથી છુટકારો તો મળે. વિહા તો આ સાંભળી રડું રડું થઈ ગઈ પણ હંમેશની માફક વિહાની વ્હારે આવ્યો એનો જીગરી દોસ્ત વિહાન.
ટૂંકમાં વાત એમ બની કે, વિહાન જ્યાં ટેનિસ રમવા જતો તેની બિલકુલ નજીક એક ટ્યુશન ક્લાસ, ત્યાંના ટીચરનું પોતાનું જ સંતાન દિવ્યાંગ. વિહા-વિહાનને લાગ્યુ અહીં એનો મેળ પડી જશે અને આખરે તેઓને સથવારો મળ્યો પણ ખરો. એ ટ્યુશન ટીચર એટલે સુનિધી મેડમ જેની એક દીકરી પણ થોડી નબળી હતી. વિહાન રોજ મેડમને તેની સંભાળ રાખતા જુએ એટલે વિહાની વાતો સાંભળી એ તેને ત્યાં લઈ ગયો. બસ! પછી શું? એક સારા ગાઈડન્સ થકી વિહાએ પ્રોજેક્ટ તો બનાવ્યો પણ સાથોસાથ તેઓની જ પ્રેરણાથી આવા તરુણોના અનુભવોને અભિવ્યક્ત કરવા માટે નોટ્સ બનાવવાની શરૂ કરી.
વિહાને એ નોટ્સ બનાવતા, મુદ્દાઓ ટાંકતા, અનુભવો લખતા, વાતો શેર કરતા ખ્યાલ આવ્યો કે, લાગણીઓના ઉતાર-ચડાવ મનોદિવ્યાંગ ટીનએજર્સને તરુણાવસ્થામાં વધુ આવે છે, પરંતુ તેઓ તેને સમજવા કે સમજાવવા અસક્ષમ હોય આવું થયે તેઓ વધુ તોફાની કે આક્રમક બની જતા હોય છે. કારણ વગર ગુસ્સો કરવો, જીદ કરવી, કોઈની વાત માનવી નહીં, કોઈને વારંવાર અડ્યા રાખવું, તાકી-તાકીને જોયા કરવું, કકળાટ કરવો, રોવું કે રાડો પાડવી, આ બધું જ તેઓમાં તરુણાવસ્થા આવતા વધતું જતું હોય છે. આ સમયે જો તેઓની પરિસ્થિતિ સમજે એવું વ્યક્તિ સાથે હોય તો તેઓને ઘણીબધી રીતે રાહત આપી શકાતી હોય છે. જેમકે, તેઓને પ્રવૃત્તિમય રાખવા, વાતો કરવી, કોઈ કામ સોંપવું, બહાર લઈ જવા, ટીવી જોવું કે ચિત્રકામ કરવું કે અન્ય કોઈ શોખ તરફ વાળવા, જેથી કરીને અંત:સ્ત્રાવોના ફેરફારો દરમિયાન શરીરમાં આવતા આવેગોને કાબૂમાં રાખી શકાય. નોર્મલ ટીનએજર માફક તેઓ તમારી વાતો સમજતા નથી એટલે વાતો કરવાને બદલે મદદ કરવાની ભાવના વધુ કેળવવી. સમાજમાં તેઓ પણ સ્થાન ધરાવે છે એ પ્રકારના સકારાત્મક વિચારો કેળવવાની તૈયારી પણ રાખવી.
મોટી સમસ્યા એ છે કે, ઘરમાં માતા-પિતા કે અન્ય લોકો સામાન્ય હોય જેઓ પોતાને સરળ લાગતી બાબત આ તરુણોને અઘરી લાગતી હશે એવું સમજી નથી શકતા એટલે ધીરજ રાખતા, તેઓને સાંભળતા, સપોર્ટ કરતા કે પછી શાંત રહેવાને બદલે વધુ હંગામો મચાવવાનો શરૂ કરે. ટીનએજર્સ પર ક્યારેક હાથ ઉપાડી લે તો ક્યારેક અન્યો વચ્ચે તેની ટીકા કરે, નસીબને દોષ આપે કે પછી તેને અસામાન્ય છે એવું સતત અનુભવ કરાવે જે ખૂબ હાનિકારક સાબિત થાય છે.
વિહાએ જોકે માત્ર લખ્યા જ નથી કર્યું, પરંતુ જેને જે પ્રકારે જરૂર હોય એ મુજબ પોતાનાથી શક્ય એટલી મદદ શરૂ કરી. જેમકે, કોઈને ખાલી વાતો કરવા વિહાની જરૂર હતી. તો કોઈને દુ:ખ રોવા, કોઈને કંઈ વસ્તુઓ મંગાવવા તો કોઈને ભણવામાં. ભલે આ નાની પહેલ હતી, પરંતુ દરેક તરુણોને એકસરખા શારીરિક તેમ જ માનસિક ફેરફારો થતા હોય છે એ હકીક્ત જાણી આપણે બધાં જ જો વિહા માફક થોડાં વિચારશીલ બનીએ તો મનોદિવ્યાંગ વ્યક્તિઓની તરુણાવસ્થાના વર્ષોને વેડફાતા અટકાવી શકીએ તેમ જ તેઓને તેમ જ તેઓના પેરેન્ટ્સને પીડામુક્ત કરી શકીએ.